________________
કામનું કાંઈ જ નથી. મને તો કંઈ મળ્યું નથી, કદાચ તમને મળે કહી યુવરાજ દીવો કરવા લાગ્યો. ત્યાં ચોર હાથ છોડાવી નાસી ગયો. દૂર દૂર નીકળી ગયો. તેને લાગ્યું કે, મેં ક્યારેય કોઈ માલિકને આમ બોલતાં સાંભળ્યા જ નથી. “મને તો કાંઈ મળ્યું નથી, કદાચ તમને મળે.” ચોરને કંઈ અગમ્ય શક્તિ ખેંચતી રહી, પાછો ફર્યો અને મહેલના એ ઓરડામાં ફરી આવી ઊભો.
જીવનમાં શબ્દો જબરજસ્ત પીછો કરે છે. શબ્દોમાં જાન હોય અને સાંભળનારામાં ભાન હોય તો આખી દુનિયાને હલાવી મૂકે છે. તમને ક્યાંથી
ક્યાં પહોંચાડી મૂકે છે. શબ્દ તો બ્રહ્મ છે. શબ્દ જો અનુભૂતિ પામે તો સાર્થક થઈ જાય નહીંતર શબ્દોની શતરંજ બુદ્ધિને બહેકાવ્યા કરે. આત્માના અસ્તિત્ત્વની અનુભૂતિ મેળવી નથી તેના શબ્દોમાં ફક્ત ચતુરાઈ દેખાશે. તેમાં શ્રદ્ધા, ધીરજ અને લગન જોઈએ. “શ્રદ્ધાંધ' બનવું પડે..!”
ઘર તો ઘર છે પણ જે ધૂળમાં ધબ દઈને બેસી જઈ સહજ આનંદની અનુભૂતિ કરે છે તે દેવરાજ ઈન્દ્રને પણ નસીબ નથી. વરસતા વરસાદમાં ભીના' થતાંય આવડવું જોઈએ. કુદરતને ખોળે વસવું એ કંઈ નાનીસૂની વાત નથી. માટે જ અણગારને એ સૌભાગ્ય સહજ સાંપડે છે.
ચોરને જોઈ યુવરાજે કહ્યું, “મને ખાત્રી હતી કે તમે આવશો. ખરેખર જ મારે તમને પકડવાના હતા જ નહીં. આવો ! દીવો કરું, તમે જોઈ લો.”
“ના, મહારાજ કુમાર! બસ કરો, દીવો થઈ ગયો, પ્રકાશ મળી ગયો. બધું દેખાઈ ગયું. તમે એવી શમા જલાવી છે કે, એ રોશની નહીં ઓલવાય-નહીં ભૂલાય. મારા તો બધા ખંડ ખંડ ખૂલી ગયા.”
યુવરાજે કહ્યું, “આજે ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવા ગયો હતો તેમણે અજવાળુ કરી દીધું.” તેમણે કહ્યું, “તમારા ઘર પાસેથી તમને કંઈ જ મળી શકે એમ નથી. માટે સમયસર જાગો. ભયભીત જીવો જ ઘરમાં ભરાઈ રહે, બહાર આવો, સ્વયં માટે ઘરને પીછાણો.”