________________
સર્વવિરતિ સાધુધર્મ પણ સમજાશે. સાચું જીવન જીવવાની કળા હાથ લાગી જશે. દુનિયા દેખતી રહી જશે ને તમે સાહિલ-કિનારા પર પહોંચી જશો. સ્વયં પર વિશ્વાસ રાખો. થોડુંક પણ કરશો તો ઘણું પામશો.
લાખો, કરોડો વર્ષો પછી જૈનકુળમાં સંયોગ થયો છે, રૂડો અવસર મળ્યો છે. જીવન કાલે પૂરું થઈ જશે. આ જીવનને ખોઈ નાખશો તો પસ્તાવો થશે. જીવદયા આત્માના ઊંડાણમાં, પ્રદેશ પ્રદેશ પહોંચાડી દેજો, બચી જશો!
ધર્મના સિદ્ધાંતો અને અનુપ્રેક્ષા
Reflections - Introspection દુનિયાના કોઈની સાથે હૃદયનો ગાઢ સંબંધ તો જ બંધાય છે કે જો મૂળ પાયામાં એનાં પર, બીજા કોઈના પર ના હોય એવો અનન્ય પ્રેમ, બહુમાન અને શ્રદ્ધા હોય છે. માટે ભગવાન પર આપણ સહુને અથાગ, અનન્ય, પ્રેમ, બહુમાન, શ્રદ્ધા જાગે છે.
ગમે તેવા આજના કષ્ટ, દુઃખ, આપત્તિ વખતે પણ મન મસ્ત રહે કે મારે શી પરવા કે કમી છે? મારો તારી સાથેનો સંબંધ ભવોભવનો છે. કષ્ટ એ તો મારા પૂર્વનાં પાપ-કચરો સાફ કરી રહ્યા છે. સુખ કરતાં દુઃખ આશીર્વાદરૂપ બની રહે છે. ત્યારે જ તો મારો અનન્ય સંબંધ-શ્રદ્ધા સાથ આપે છે!
સહેજ પણ મનમાં ઓછું ન લાવતાં સહર્ષ સહનશીલતા વડે દુષ્કૃત ગર્તા થઈ જાય, સુકૃતની અનુમોદના જીવને શાંતરસનું પાન કરાવે. કેવી સરસ તક મળી ગઈ! Opportunity at my door step. લક્ષ્મી કુમકુમનો ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા કોણ જાય? એ ઉત્કૃષ્ટ ભાવ દુઃખને હળવું કરે છે.
અનુમોદના શુદ્ધ હોય તો ઉછળતો ભક્તિભાવ અને સત્વશીલતાનો અનુભવ થયા વગર ના રહે. દોષો પર ધૃણા થાય તો જ ગુણોની સાચી અનુમોદના થઈ શકે. સમર્પણ ભાવમાં અનુભવ અને ગુણોનો સાક્ષાત્કાર થતાં અનુમોદના, સ્વમાં એવા જ ભાવોની વૃદ્ધિ કરે!