________________
અંતિમ દેશના' ભાગ-૨
પ્રણામ-વેદન સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે :
હે આયુષ્યમાન જંબૂ! બંને કોણી પેટ પર રાખી બે ગોઠણ, બે હથેળી અને મસ્તક આ પાંચ અંગો ધરતી પર જોડીને (પંચાંગ પ્રણિપાત) પ્રણામ કરવાથી આપણા શરીરનો આકાર મંગળ કળશ જેવો થાય છે. જાણે ગુણના સાગરમાં આપણે ગાગર થઈને વળ્યા અને વળ્યા એટલે ભરાયા વિના રહેવાના જ નહીં.
‘ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ ગાવે નિજ અંગ’ આપણામાં એ અલૌકિક ગુણ ચોક્કસ ભરાવા જ લાગે. નમવાની પણ એક કળા છે. “નમે તે સૌને ગમે તમે થોડા વળજો, નમજો તો ઘણાં સારા લાગશો. દીધેલા દાનને ફળતા કદાચ વાર લાગે પણ, મોટાને આપેલું માન તરત ફળે છે. દુનિયામાં બધે અચરજ થાય તેવી એકથી એક ચડિયાતી વસ્તુ છે પણ નમસ્કાર, પ્રણામ, વંદન ભારત સિવાય બીજે ક્યાંય નથી.
તમારા આતમને – ઘટને, તમારી ગાગરને જરાક નમાવજો. જીવની નમ્યા વિનાની હાલત, પનિહારીએ નહીં નમતી ગાગરના ગળામાં ગાળીયો નાંખી પાણીના કૂવામાં પછાડ્યા કરી, કૂટાવા જેવી; અંધારામાંથી બહાર ન નીકળી શકે એવી હાલત છે. આપણી પાસે ઘણું છે. સમર્થ ભગવાન છે. પણ આપણે આપણાં અહંકારમાં ઘણાં-આપણાંઓને તરછોડી દીધા છે.
પનિહારી જેમ ગાગરને અંધારા કૂવામાંથી ભરેલ શીતળ જળને, ગાગરના ગળાનો ગાળીયો કાઢીને પામે છે તેમ, ભાવરૂપી જળ ભરીને કરેલા પ્રણામ, વંદન, નમસ્કારથી ગાગરરૂપી આત્મા, પ્રભુના જ્ઞાનને પામે છે.
નમ્યા તે પામ્યા.