________________
96
આત્મ સેતુ
શું છે તે જોવા સમજવાનો પ્રયત્ન કરી જોઈએ.
તે જેમ છે,
તેમ,
મનની આંખો પર કોઈ ઇચ્છા-આશાના ચશ્માં મૂક્યા વગર
જેમ છે તેમ.
જોવાનો પ્રયત્ન તો કરી જોઈએ!
સુખ માટેના પ્રયત્નો અને અનુભવો જ સુખનો અર્થ સમજાવી શકવાને સમર્થ છે.
આપણે જરા જાગ્રત રહીએ,
સંસારમાં સુખ મેળવવા માટેની મહેનતમાંથી આવી મળતાં વારંવારના દુઃખ, વિચારશક્તિની ક્ષમતા વધારશે. બસ, આપણે જરા સજગ થઈએ!
જેલમાંથી છૂટવા ઇચ્છતો કેદી જેલની દિવાલો તપાસે. બારી-બારણાના સળિયાની મજબૂતી માપે. ક્યાંયથી નીકળીને ચાલી જઈ શકાય તેમ છે કે કેમ તે વિચારે. જો કોઈ કારી ફાવે તેમ ન હોય તો સજાનો સમય પૂરો થવાની ઇંતેજારી પૂર્વક રાહ જુએ.
વ્યક્તિ પોતાની ઇચ્છા, મહેચ્છા, અનિચ્છા તથા અન્ય વૃત્તિઓની દિવાલો તપાસી જુએ તો?
શું તેમાંથી નાસી છૂટાય તેમ છે?
આવી વૃત્તિઓની દિવાલોમાં, હવાની આવન-જાવન એટલે કે શાંતિ-સમતા, સેવા-દયા માટે ક્યાંય બારી કે બાંકોરૂ છે?
સ્નેહ-સમર્પણની બારીમાંથી ચેતનાના ખુલ્લા આકાશ તરફ દૃષ્ટિ થઈ શકે છે?
મજાની વાત તો એ છે કે રાગ-દ્વેષ-ઇચ્છાઓની અંધારી કોટડીમાં, તેની દિવાલો તપાસતાં, કોટડીમાં પછી તે – અંતરના ઊંડાણમાં જોતાં દેખા...........
અરે! મુક્તિ તરફ જવાનો રસ્તો આ અંતર દ્વારેથી ખુલે છે!
બંધનના ગામમાંથી દેખાતી, મુક્તિના પ્રદેશની સરહદ તરફ નજર તો કરીએ!
બંધનમાં મુંઝાતું પ્રાણ-પંખી મુક્તિની સરહદ તરફ ઊડવા પાંખો ફફડાવશે.
“સ્વ”થી દૂર ને દૂર જતી મનની વૃત્તિ અંતર ઊંડાણ તરફ આકર્ષાશે. મુક્તિની સરહદ પર પહોંચતાં ખબર પડે કે મુક્તિને ક્યાં કોઈ હદ છે?
"હું" ક્યાં માત્ર રાગ-દ્વેષ છું!
“હું” તો અસીમ ચેતનતત્વ છું!
અંતર તરફની બારી કે બારણું ખૂલતાં, ચેતનાના પ્રકાશને અજવાળુ ફેલાવતા કોણ રોકી શકશે?
જાગૃતિની ક્યાં કોઈ સીમા છે?
રાગ-દ્વેષની કોટડીમાં પૂરાયેલા મનના, અંતરના ઊંડાણના દ્વાર ખૂલતાં, ચેતન-જાગૃતિના અજવાળામાં,
મનની માન્યતાઓ અને મનના બંધનો દેખાવા લાગશે.
સંસાર જો બંધન છે,
તો બંધનના પ્રદેશમાંથી મુક્તિ તરફ જતી કેડી કંડારી શકાય છે.