________________
on આત્મ સેતુ
97
97
આત્મ સેતુ ચૈતન્ય પ્રકાશ આપ છો. આપ જ્યાં હશો, જેમ હશો, ત્યાં, ધાર્મિક બની, આપ જે પ્રકાશ ધારણ કરો છો, તેની આડેના આવરણો દૂર કરવાનો ધર્મ બજાવી શકાશે. ધર્મ સાથે જોડાવાથી, ઉન્નતિ થતાં, સહજતા, સરળતા, સમતા, સ્નેહ, સમર્પણ, જાગૃતિ જીવનનો માર્ગ અજવાળશે. માર્ગ એક દેખાશે, મુક્તિનો!
સત્સંગી : આત્મજ્ઞાન કરવા માટે ધાર્મિક પુસ્તકો વાંચીએ, ધાર્મિક પ્રવચન સાંભળીએ, તે જેમ વધતું જાય તેમ આત્મજ્ઞાન થયું અને વધ્યું કહેવાય?
બહેનશ્રી : ધાર્મિક પુસ્તકોનું વાચન-શ્રવણ વગેરે કરવામાં આવે, તેને લીધે માહિતી મળે. વાંચન-શ્રવણ વિશેષ કરવાથી તે માહિતીમાં ઊમેરો થાય, તે માહિતી યાદ રહે, બીજાને કહી શકાય. કહેવું હોય તો આ માહિતીને આત્માવિશેનું માહિતીજ્ઞાન કહી શકાય. આ શાબ્દિક-કોરૂં જાણપણું છે. આત્મજ્ઞાન એટલે આત્માનું અનુભૂતિપૂર્વકનું જાણપણું. આત્મજ્ઞાન એટલે આત્માવિશે જાણવું નહીં પણ આત્માને જાણવો. અત્યારે આપણે વાતો કરીએ છીએ. તમે કંઈ પૂછો છો. હું કંઈ કહું છું. મને શાસ્ત્રોનો અભ્યાસ નથી, હું વાંચીને કે તૈયાર કરીને કંઈ કહું છું એમ પણ નથી. મને મારામાંથી જે સૂઝે છે તે બોલાય છે. આપ શાસ્ત્રવાચનની માહિતીની ફૂટપટ્ટીથી આ બોલને માપો છો, જોખો છો, તોલો છો...
સત્સંગી : ...પણ જ્ઞાન તો સાચી સમજથી અને સદ્ગુરૂથી આવેને?
બહેનશ્રી : તો આપને એ ખ્યાલ તો છે કે આત્મજ્ઞાન એટલે વાચન-શ્રવણ નહીં પણ સાચી સમજ. સાચી સમજ કેવી રીતે આવશે? સાસ્ત્રો વાંચી-સાંભળી તેમાં પારંગત થયા તેથી “સાચી” સમજનો વિકાસ થયો તેમ લાગે છે? આત્મવર્ણન વાંચ્યા-જાણ્યાં મુજબ થોડું ઘણું પણ આપને અનુભવમાં આવી રહ્યું છે?