________________
95
આત્મ સેતુ ક્રોધથી કંટાળો આવે છે? મોહની મુંઝવણ થઈ છે? દ્વેષ-નફરતથી છૂટવું છે? આવા ભાવોથી બંધનનો અહેસાસ થાય છે? શાંતિથી જોતાં એમ લાગી શકે કે આ ભાવો બંધન લાગે છે કે નહીં, તેનો તો ખ્યાલ નથી, પણ આ સઘળુ જે છે, તે આમ જ છે! તેમાં “હોશિયારી કેળવી સગવડ-સમૃદ્ધિ વધારી “સુખી” થવાનું છે. બસ આમ જ છે! આમ જ ચાલ્યુ આવ્યું છે ને આમ જ ચાલશે. આજે જે જોઈએ છે તે કાલે દૂર કરવું છે. સંયોગ-વિયોગ થવા, પરિસ્થિતિ બદલાવી, ધન-ધાન્ય વધારવા વાડી મહેલાત ઉભા કરવા, કુટુંબ પરિવારનો વિસ્તાર કરવો, મમતા-વાત્સલ્ય, સ્નેહ-નફરત, અપેક્ષા-ઉપેક્ષા, દયા-ક્રૂરતા, માન-અપમાન, હરિફાઈહંફાવવું, નાટક-સિનેમા, ડાન્સપાર્ટી, મોજ-મજા, દોડાદોડ-ઉતાવળ, ટેન્શન-ખેંચાખેંચ, આશા-નિરાશા, અથાક પ્રયત્નો, સુખનું નજીક આવવું ને દૂર જવું... બસ આમ જ છે! સઘળુ સર... સર... સરી રહ્યું છે. સુખ દુઃખમાં પરિવર્તન પામે છે. મિત્રતા, શત્રુતામાં બદલાઈ શકે છે. સંયોગનો વિયોગ થઈ શકે છે. ધન મળી શકે છે તો ચાલ્યું પણ જઈ શકે છે. સાધન-સગવડથી સુખ મળે છે તેવી માન્યતા હતી, તો હવે મન કંઈ અન્ય ઝંખે છે! શું આમ જ છે? સંસારનું રૂપ શું છે? સંસારમાં હોઈએ તો સંસારનો પરિચય કરી લઈએ. વ્યક્તિ-વ્યક્તિના સંસાર જુદા-જુદા પ્રકારના છે. શાથી? પોતાના સંસારનો વિસ્તાર આવો ને આટલો શાને લીધે છે? સંસારનો પ્રકાર અને વિસ્તારનું પગેરૂ વ્યક્તિના મન સુધી પહોંચતું લાગે છે? શું વ્યક્તિના ઇચ્છા-આશા, વૃત્તિઓના વહેણ અને નિર્ણયો તેનો સંસાર છે?
તો, શું,
સંસાર પ્રથમ મનમાં છે? મનના સંસારમાંથી છૂટવાની તાલાવેલી છે? કે આ “બંધનો”, આ “સંસાર” ગમે છે? લાંબા સમયના સંગાથથી તેની સાથે એકતા થઈ ગઈ છે?