________________
94
આત્મ સેતુ
તે સંસાર-પરિવાર વધારવાનું સાધન બની શકે છે. તો શરીર, પરમાત્માનું મંદિર પણ બની શકે છે. શરીરતંત્રમાં કંઈ “ખરાબી” ઊભી થઈ હોય તો તે દૂર કરવાનો પ્રયત્ન, ધર્મ લક્ષે ધર્મ છે. શરીર હળવું થશે. મન પણ થોડું હળવું થશે. મનને સતાવતી બાબતોમાંથી અંશે બહાર આવી શકાશે. અંદરથી આવતાં “ધક્કા” ઓછા થશે.
તા. ૧૬ મે ૨૦૦૪
સત્સંગી : ધર્મનો માર્ગ મુક્તિનો માર્ગ છે. સંસારનો માર્ગ બંધનનો માર્ગ છે. થોડા દિવસમાં મારાં લગ્ન છે. મુંઝવણ છે કે આ બન્ને માર્ગ કઈ રીતે સાથે રાખવા?
બહેનશ્રી : મુક્તિનો માર્ગ બંધનના પ્રદેશમાંથી પસાર થાય છે. બંધન લાગે છે, તો મુક્ત થવાના ઉપાય શોધાય છે. જો બંધન ન હોય તો, બંધન ન લાગતું હોય તો, વ્યક્તિ પોતાને મુક્ત જ માને છે. તો મુક્ત થવાના ઉપાયો વિચારતો નથી. શાસ્ત્રવાચન, સંતોના વચન-પ્રવચન શ્રવણ દ્વારા આપે જાણ્યું કે ધર્મ મુક્તિનો માર્ગ છે. શામાંથી મુક્ત થવું છે? શાનું બંધન છે? મુક્ત થવું છે એટલે શું થવું છે?
સત્સંગી : સ્વાધ્યાય, વાચન-શ્રવણથી એમ સમજાય છે કે રાગ દ્વેષ, લોભ-મોહ વગેરેમાંથી છૂટવું.
બહેનશ્રી : તેમાંથી છૂટી ક્યાં જવાનું?
સત્સંગી : ....
બહેનશ્રી : ... અત્યારે એટલો ખ્યાલ છે કે રાગ-દ્વેષ વગેરેમાંથી છૂટીને મુક્ત થવું. બરાબર? કોઈ વ્યક્તિને, કંઈ ગુનાસર જેલમાં પૂરવામાં આવે. કેદીને એમ થયા કરતું હોય કે “જ્યારે આ અંધારી કોઠડીમાંથી અને બંધ દિવાલોમાંથી બહાર નીકળ? મારાં પરિવારને મળ? રંગીન કપડાં પહેરું? ખુલ્લી હવામાં ફરૂ?” તેને કેદ અકળાવે છે. ગભરાવે છે. મુંઝવે છે. તેમાંથી નીકળવા, ભાગી છૂટવા તે આતુર છે. આકુળ છે. તેને બંધનનો પૂરેપૂરો અહેસાસ છે. શું વર્તમાનમાં, કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે ગમો-અણગમો થવાથી અકળામણ થાય છે?