SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 74 આત્મ સેતુ ધર્મમાર્ગ અહીં શરૂ થાય છે. પાણીના વહેણ આડે મોટી ભેખડ આવે તો એક નાની શી તિરાડમાંથી પાણીના બુંદ ટપકે છે. સૂર્યનું કિરણ બંધ બારણાની નીચે નહીં જેવી જગ્યામાંથી, ઓરડામાં અજવાસ ફેલાવે છે. હવા, બારીના નાના શા છિદ્રમાંથી ઓરડામાં પ્રવેશે છે, ધર્મમાર્ગે મૂંઝવણમાં રૂંધાઈ જવા ન દેવાય. મનને, સાફ કરતાં જવાની, હળવું કરતાં જવાની શક્યતા દરેક સંગ-પ્રસંગમાં છે. અત્યારે બાળકની બિમારી અને એવા કારણોસર માળા થતી નથી એ મૂંઝવણ છે. આ મૂંઝવણમાં મૂંઝાઈને અટકી ન જતાં તેમાંથી સમજ પૂર્વક પસાર થવાનું છે. બિમારી તકલીફો ન આવે તેવા સતત પ્રયત્નો છતાં તે પરિસ્થિતિ આવી પડી છે. આ પરિસ્થિતિ બદલવાના પ્રયત્નો છતાં તે તાત્કાલિક બદલાતી નથી. આ પરિસ્થિતિને સમતાથી સ્વીકારી લઈએ. આપણને વિપરીત લાગતા સંજોગોમાંથી પસાર થતાં, મૂંઝવણ અકળામણ વધી શકે છે, તો સમતા અને સમજને પ્રવાહિત થવાનો પૂરો અવકાશ પણ આ સંજોગો આપે છે. મુંઝવણ-નિરાશા આ ઘડીએ છે તો સમતા અને શાંતિ પણ અત્યારે હાજર છે. અત્યારે બાળકનું બિમારીમાં કણસવું. માતાને વળગવા લંબાયેલા તેના નાજુક હાથ. વાત્સલ્ય કાજે તરસતી ભોળી આંખો, ખોળાની હૂંફ માટે હીજરાનું તેનું હૃદય, નિર્દોષ રૂદનમાંથી ઊઠતો પ્રેમ માટેનો પોકાર! તેને તેડી લેવા આતુર તમારૂ હૃદય, મમતા ભર્યા મનનું શાંત સંગીત, વાત્સલ્યથી ઉભરાતું તમારૂ દૂધ ભર્યુ અંતર, સર્વે અનિષ્ટોથી તેને બચાવવાનું અતુલ સાહસ! હિંમત! પોતાનું કેટલુંય સમર્પણ કરીને માતાના હૃદયમાં વહેતું વાત્સલ્યનું ઝરણું... ઝરણાને ઉગમસ્થાને વિસ્તરતો જતો ચેતનમય ચેતનાનો અનુભવ! અનુભવો! અત્યારે. અહીં, માતાના હૃદયમાં વહેતા અમી ઝરણાને ઉગમસ્થાને ચેતનાનો વિસ્તાર! ઈશ્વરના એંધાણ ક્યાં દૂર શોધવા જવાના છે! તમારાં હ્રદયમાંથી ઉમટતો સ્નેહ પ્રવાહિત થવા દો બાળક તરફ. જે ભક્તિભાવથી આપ માળાના મણકા ફેરવો છો એ જ ભાવથી બાળકની સંભાળ લો. પ્રેમના ધાગામાં પરોવી, બાળકની સેવા માટેના કાર્યોના મણકા, તમારી મમતાભરી આંગળીઓમાં ફરવા દો. આ સંજોગોમાં સ્થગિત ન થઈ જતાં, મૂંઝવણમાં સરી ન પડતાં, આ કાર્યોને ધર્મની ક્રિયા બનાવતાં જાઓ.
SR No.009194
Book TitleAatmsetu
Original Sutra AuthorN/A
AuthorVeenaben Ravani
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy