________________
આત્મ સેતુ
75 વ્યક્તિની ચેતના, પોતાની ઇચ્છા-અપેક્ષા, ખુશી-નાખુશી, લાચારી-નિરાશા વગેરે લાગણીઓની બહાર આવી, અન્ય પ્રત્યે સ્નેહ, સહાનુભૂતિ, સેવા, સમર્પણમાં સહજતાથી પ્રવાહિત થઈ શકતી નથી ત્યાં સુધી “ધર્મમાર્ગે ચડી શકાતું નથી. મનમાં ઘોળાતા વિચારો અને લાગણીઓમાંથી પસાર થતી, ચિત્તને નિર્મળ કરતી ધર્મની કેડી કંડારવાની છે. આજે કદાચ “પ્રેમભાવ” એ એક લાગણી હશે. પ્રેમભાવ નિર્મળ થતો જશે એમ ખ્યાલ આવશે કે પ્રેમભાવ એ થોડા સમય પૂરતી, આવ-જા કરતી, લાગણી માત્ર નથી. પ્રેમભાવ, એ તો વ્યક્તિના હોવાપણાનું, વ્યક્તિના અસ્તિત્વનું પોત છે. ચેતનાનો પ્રવાહિત ગુણ છે. ચેતનાનું ચેતનમય અરૂપી-રૂપ છે. આપ પ્રેમ સ્વરૂપા માતા છો. આપની ચેતનાને વાત્સલ્યમાં વહેવા દો. એક ગુણ પાછળ અનેક ગુણ વહેતા આવશે. આપણું જીવન, જીવનની ચડતી-પડતી, આવી પડતાં અગણિત પ્રશ્નો, આપણને, મનુષ્ય જન્મમાં, ભેટ મળેલી, તપોભૂમિ છે. આ તપોભૂમિમાં વિવિધ પ્રકારના તપ અને ત્યાગની સાધના ગોઠવાયેલી જ છે. સંસારની આ તપોભૂમિમાં તપ કરતાં કરતાં, વ્યક્તિના માનસની એક આંતરિક ભૂમિકા તૈયાર થતી જશે. અનુકૂળતા મળતાં, આપ જ્યારે પણ નિત્ય નિયમ મુજબ ધર્મક્રિયા કરી શકશો, ત્યારે તેમાં પણ વિશેષ લીનતા અને ઊંડાણ આવતાં જશે. સુખની આકાંક્ષામાં જીવન જેટલું જટિલ થતું જાય, તેટલી સંવેદનશીલતા ઓછી થતી જાય. આંતરિક શાંતિ સાથેનું અનુસંધાન તૂટતું જાય, પ્રસન્નતા ખોવાતી જાય, અને માનસિક રૂક્ષતા, તનાવ અને સ્વાર્થીપણાનો વધારો થતો જાય. જીવનનો એક છેડો છે રોજિંદા કામ, તો બીજો છેડો છે, શાશ્વત વિરામ! ધર્મ આકાશ જેટલો વિશાળ છે.
સત્સંગી હું ગૃહિણી છું. ઘરમાં નાની મોટી વાતોમાં મતભેદ અને મનદુ:ખ થતું રહે છે, મેં આખી જિંદગી મારી ઇચ્છા-આશા-સગવડ-તબિયતને ગૌણ કરીને પ્રેમપૂર્વક કુટુંબની રક્ષા અને સેવા કરી છે. તેની ખાસ કંઈ કદર નથી. તેથી વ્યગ્ર રહેવાય છે. પૂજા સ્વાધ્યાયમાં મન નથી લાગતું. મને થાય છે હું ધર્મ કરી જ નહી શકું. તો મારો ઉદ્ધાર કેમ થશે? મારે શું કરવું?
બહેનશ્રી : ધર્મ તો મનના દુખાવાની દવા છે બેના! ધર્મ નામની દવા મનદુઃખ માટે અક્સીર કહેવાય છે. બિમારીમાં તો દવા ખાસ લેવાની. બે કે વધારે માણસો જ્યાં ભેગા થાય ત્યાં નાના મોટા મતભેદ તો થવાના.