________________
56
આત્મ સેતુ
આ આવરણો ધીરે ધીરે આછા થતાં જાય એ રીતે પ્રતિક્રમણ કરતાં કરતાં જીવન જીવી શકાય છે. “મને સહકાર નથી” એમ લાગે, અને અકળામણ થાય, ગુસ્સો આવે, કામકાજ બોજારૂપ લાગે, મનના કોઈ અંધારા ખૂણામાં સામે અસહકાર કરવાની ઇચ્છા ઝબકી જાય, “કદર નથી” એમ લાગે અને નિરાશાથી ઘેરાઈ જવાય, આવી લાગણીઓમાં વધુ ને વધુ ખેંચાતા જવાય, તેમાં “ખેંચાઈ રહ્યા છીએ” એવો ખ્યાલ આવે તો વધુ ને વધુ ખેંચાતા અટકી શકાય. અટકીને પાછા ફરી શકાય. આપણી ભીતરની સચ્ચાઈને સમજવાનો પ્રયત્ન કરી શકાય. જે પરિસ્થિતિ આવી મળી છે, તે, રડીને, રંજ કરીને, ક્લેશ વધારીને વેઠી શકાય. એ જ પરિસ્થિતિમાં ધીરજ અને સમજણથી વર્તી શકાય. તેમાંથી કંઈક સારૂં નીપજાવવા સર્જનાત્મક અભિગમ અપનાવી શકાય. કુટુંબીજનો આપણને આત્મનિરીક્ષણની પ્રેરણા આપતાં જીવંત કારણો છે. સજીવ મૂર્તિ છે. તેઓના પ્રત્યે દ્વેષ-ગુસ્સો કરી હીન ભાવમાં સરી ન પડતાં સમતા, ક્ષમા, સ્નેહ પ્રગટાવવા તરફ ઉચે ઊઠવાની કોશિશ કરી શકાય છે. રોજ બરોજના કાર્ય થકી “ધર્મ” તરફ પા પા પગલી માંડીએ. પ્રતિક્રમણના પાઠ, માત્ર બોલી જઈ “છૂટા” થઈ જવાનું નથી. પળ પળના પ્રતિક્રમણ જીવવાના છે! આપણે સામાયિકને એક ધાર્મિક વિધિ તરીકે જાણીએ છીએ. તે વિધિ માટે સમય નથી. સામાયિકનો શબ્દ અર્થ છે સમય સંબંધી. આપણો સમય સાથે શું સંબંધ છે? સમયનું તીર ક્ષણને વીંધતું જઈ રહ્યું છે. ક્ષણ, ક્ષણ, ક્ષણ, કરતો સમય ટીપે ટીપે ટપકી રહ્યો છે. જે ક્ષણ સમયના તીરથી વીંધાઈ ચૂકી છે તે ભૂતકાળ છે. આ પળે, તમારો જે સમય વર્તી રહ્યો છે, જે તમારું વર્તમાન છે તે તમારા “હાથમાં છે. જે સમય આવવાનો છે, જે ભવિષ્ય છે તેમાં દોડીને પહોંચી શકાતું નથી. વર્તમાનમાં રહી શકાય છે. હાલ જે પણ કરી રહ્યા છીએ તેમાં ધ્યાન દઈએ. વર્તમાન સુધારીએ. ભવિષ્ય સુધરશે. પરિસ્થિતિ અને મનની સ્થિતિ વચ્ચે પોતે પોતાની સાથે લયમાં રહીએ. મનમાંથી નીકળતી જાતજાતની લાગણીઓના જાળાની ગૂંથણી થાય છે. તેનાથી ખુશ થતાં, મુંઝાતાં, ફસાતાં, નીકળતાં બીજુ જાળ ગુંથાય છે. એક જાળામાંથી નીકળતાં હાશ થાય છે અને બીજામાં ફસાતાં હતાશા થાય છે. જુદા-જુદા પ્રકારના જાળાની જંજાળમાં ફસાતાં નીકળતાં, રાજી થતાં, આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. મનુષ્ય તરીકે આપણી પાસે કેટલો સમય છે ખબર નથી. જંજાળની “ફસામણી”નો કાંટો વાગ્યો છે, ઘા પીડા આપે છે. પીડાથી આંસુ ઝરે છે તો આંસુના ટપકવાની આ પળે, તેમાંથી છૂટવાનાં પુરૂષાર્થ કરવાને તમે “સ્વતંત્ર” છો.