________________
54
આત્મ સેતુ તમારે ક્યારે ક્યાં અટકવું તે સમજો અને શીખો. અટકશો નહીં તો ભટકશો. તમારાથી, મને, તમારી જાણ બહાર આમંત્રણ મળી જશે. “હું હાજર થઈશ. તમે હેરાન થશો. મુંઝાશો” તે કહે છે “થોભો.” “જરા શોધો કે હું શું કામ હાજર થાઉં છું?” “હું હાજર થાઉં તેવા કારણો વધુ ને વધુ ઉભા ન કરો. ધ્યાન રાખો કે મારે આવવાના કારણોનું અતિક્રમણ ન થાય. તમને ગમે કે ન ગમે. મને તેની પરવા નથી. “હું હાજર થઈ જ સમજો.” પ્રતિકૂળતા આગળ કહે છે, તમે મારી હાજરીના કારણો તમારી પરિસ્થિતિમાં શોધો છો. જે કારણો તરત દેખાય તેવા દેખીતા બહાર છે તેટલા જ માત્ર છે કે કારણ તમારી અંદર પણ છે?
વારંવાર આવો સંકેત આપું છું કે કારણો ઊંડા અને અદૃશ્ય છે. તે તમારા મનમાં છે. તમારાં ભાવ અને વૃત્તિમાં છે. તે શોધો. હું જાણું છું મારી સહેલી અનુકૂળતા તમને બહુ ગમે છે. તે આવે ત્યારે તમે ખુશ થાઓ છો. તમારી ઇચ્છા પૂરી કરવામાં તે મદદ કરે છે. તે હંમેશા તમારી સાથે હોય તેમ તમે ઇચ્છો છો. તમને ખ્યાલ છે? અનુકૂળતા તમારી સાથે હોય ત્યારે તમારી ઇચ્છા-તૃષ્ણા કેટલી વધતી જાય છે? જો મારાં આગમનની બીક ન હોય તો તૃષ્ણાથી મોહાંધ બની શું નું શું કરી બેસો છો? અનુકૂળતામાં તમારી વૃત્તિ સીમામાં નથી રહેતી તો હું હાજર થાઉં છું. મારી હાજરીમાં તમારી વૃત્તિ હદ બહાર જાય છે તો મારું જોર વધે છે. હું ભયંકર રૂપ ધારણ કરી શકું છું. મારાં આગમનને હિંમતપૂર્વક ધીરજ-સમતા અને સ્નેહથી સ્વીકારી શકો તો હું તમને સત તરફ દોરી જવાને સમર્થ છું. મુશ્કેલ પરિસ્થિતિમાંથી કંઈક સારૂં નીપજાવવા, સર્જનાત્મક ભાવથી, મિત્ર ગણી મને સ્વીકારો છો તો મારૂં ભયાનક રૂપ બદલાતું બદલાતું અનુકૂળતાનું સૌંદર્ય ધારણ કરે છે. હું જ મારી સહેલી શાતાદાયી અનુકૂળતા છું એમ તમને જ્યારે દર્શન થાય છે, પછી તમને નથી મારાં આગમનની એટલી અને એવી બીક કે નથી અનુકૂળતાના આગમનની એટલી આશા. તમે સહનશીલ અને સમતામય થઈ સ્વ-સ્થ (પોતાનામાં સ્થિર) રહેવાના પ્રયત્ન કરતાં રહો છો.” કરોળિયો જોયો છે ને? તે પોતાના મુખમાંથી લાળ કાઢી, સુખ-શાંતિ-આરામ માટે જાળુ તૈયાર કરે છે. જાળાની સુંદર ગૂંથણી કરી તેની વચ્ચે તે બેઠો હોય ત્યારે તેને એમ થતું હશે “આ જાળામાં કેટલી મજા છે. હવે બસ આરામ-સલામતી!” આરામ પછી તેને જાળામાંથી બહાર નીકળવું હોય છે ત્યારે તેને મુશ્કેલી પડે છે. તે જાળામાં તે ફસાતો જાય છે. જાળ તેની આજુબાજુ ગૂંચવાતું જાય છે. ત્યારે તેને એમ થતું હશે કે “અ રે રે, હું ક્યાં આ જંજાળમાં ફસાયો...” તમને એમ લાગે છે કે “હું ઘરની જંજાળમાં અટવાઈ ગઈ છું. કામ ખૂટતુ નથી. વ્યવહાર અને સંબંધોમાંથી ઉંચા અવાતું નથી. દોડાદોડનો પાર નથી. નોકરી અને ઘર બન્ને સંભાળવાના. ઘરની વ્યક્તિને કંઈ ચિંતા નહીં. આ સમાન હક્કનો જમાનો છે...”