________________
40
સત્સંગી - પોતાનો પરિચય કેવી રીતે કરવી?
આત્મ સેતુ
બહેનશ્રી : ઘર-બાર, કુટુંબ-કબીલા, મિત્રમંડળ હોય તો આંગળી ચીંધી બતાવાય કે જુઓ, આ ઘર, આ પુત્ર, મિત્ર...
પણ આ તો તમે પોતે જ છો!
બીજુ કંઈ હોય તો બતાવાય,
તમને પોતાને, અન્ય કોઈ શું બતાવે?
તમે જાણો જ છો કે “હું છું.”
સત્સંગી : હવે મને લાગે કે હું મને જે જાણુ છું તેના કરતાં હું કંઈક... શું કહું? જુદો છું, વિશેષ છું, આપ સમજાવો.
બહેનશ્રી : “હું” પોતે શું છે?
અત્યારે જીવતા શરીર તરીકે જે "હું" દેખાય છે તેટલો જ માત્ર "હું" છે?
મનમાં જે દોડ ધામ ચાલે છે, વિચારો, ઇચ્છાઓ, મહત્ત્વાકાંક્ષાઓની આવન જાવન ચાલે છે તે જ માત્ર "હું" છે?
કે તેની પાછળ કંઈક છે? જેમાંથી આ સઘળું આવી રહ્યું છે? કે પોતાની અંદરમાં કંઈક ચેતનમય છે તેમાં કંઈક થઈ રહ્યું છે? પોતાની અંદરમાં કંઈક થઈ રહ્યું છે તેની રજૂઆત કરવાની કોશિશ ચાલ્યા કરે છે?
તેનો મૂળ સ્ત્રોત શું છે?
આ વિચારો, ઇચ્છાઓ, સવાલો આ વિધવિધ ભાવો ક્યાંથી જન્મે છે? ક્યાં જન્મે છે?
આ ગમા-અણગમા કોને થાય છે?
પોતે પોતાને સમજવાની કોશિશ કરી શકાય.
સત્સંગી : એટલે તેનું ચિંતવન કરવું? પોતાને સવાલ કરવો?
બહેનશ્રી : જે રીતે તમારી વૃત્તિ તમારી તરફ વહી શકતી હોય, જે રીતમાં - જે વિધિમાં તમને શ્રદ્ધા હોય, જે
રીતે તમને તમારામાં રસ પડતો હોય તે રીતે તમારો પોતાનો પરિચય કેળવી શકાય!
બાકી તો આપણે જગતમાં છીએ.
“જગત”.
કેટલો સરસ શબ્દ મળ્યો છે આપણને!
જ એટલે જન્મવું.
ગત એટલે (જવું.) જાય છે.
જગત એટલે જન્મે છે ને જાય છે.