________________
આત્મ સેતુ
39
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : ધર્મ માટે પુરૂષાર્થ કરીએ તો રોજની પ્રવૃત્તિઓ થાય છે. પણ એવું નથી કે પ્રવૃત્તિઓ કરીએ તો પુરૂષાર્થ ઓછો થઈ જાય?
બહેનશ્રી : પુરૂષાર્થ આત્માને પુરૂષ કહ્યો છે. પુરૂષ અર્થે એટલે આત્મા માટે. સૌથી પહેલો સવાલ એ છે કે “આત્મા”નું મહત્વ લાગ્યું છે? આત્મ-સ્વરૂપના મહત્વનું તીર અંતરમાં ખૂંપી ગયુ છે? તો તેનો વિચાર આવ્યા વગર નહીં રહે. લાં...બા સમયની બાહ્ય-લક્ષી પ્રવૃત્તિની અનિવાર્યતાની આદત આત્મ-લક્ષી પ્રવૃત્તિ રોકે છે. પણ, તો પણ, જેનું અત્યંત મહત્વ લાગ્યું છે તે તરફ લક્ષ ગયા વગર નથી રહેતું. ધર્મ કરવો જોઈએ તેમ થાય છે. વળી પ્રવૃત્તિ તમારો હાથ પકડી પાછા ખેંચે છે. તમે નોકરી પર જાઓ છો. કામ કરો છો. એ કામ કેમ કરવું તેની પ્રેરણા ક્યાંથી આવે છે? બુદ્ધિ અને યાદશક્તિનો પ્રવાહ ક્યાંથી આવે છે? એવું બની શકે કે એ “પ્રવાહ” તરફ જોતાં, સહેજ-સહજ ધ્યાન આપવાના પ્રયત્ન માત્રથી આપ હળવાશ અનુભવો. શાસ્ત્ર વાંચનમાં “અનુભૂતિ” નથી. ધર્મ માત્ર ક્રિયાકાંડ નથી. મનના એકાદ ખૂણામાં એવો ખ્યાલ હોવાનો સંભવ છે કે શાસ્ત્ર યાદ રહી ગયા, તેની ચર્ચા-વાર્તા થઈ શકી એટલે ધર્મ થઈ ગયો. પ્રતિક્રમણ વગેરેના પાઠ મોઢે આવડી ગયા અને બોલી જવાયા એટલે તે દિવસ પૂરતો ધર્મ “પતી” ગયો. પછી જે કરવું હોય તે કરવા છૂ.... ....! પણ, ધર્મ તમારાથી છૂટો નથી. જીવાતા જીવનમાં પ્રતિક્રમણ જીવવાનું છે. પળ પળ આત્મા તરફ, સ્વ તરફ, ચેતનતત્વ તરફ પાછા ફરવાનું છે. ધર્મ એટલે આપણે જે ધારણ કરીએ છીએ, જે ચેતના, જે શાશ્વતતા, જે દિવ્ય ગુણોના આપ ધારક છો તે ગુણો પ્રગટાવવાની વાત છે. ગુણો પ્રગટે તે રીતે જીવન જીવવાની વાત છે.
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨