________________
આત્મ સેતુ જન્મે છે ને જાય છે તેની વચ્ચે આપણે છીએ. એક ઇચ્છા જન્મી, પૂરી થઈ કે અધૂરી રહી, પણ ગઈ. બીજી ઇચ્છા જન્મી... બાવીસમી જન્મી... બસોમી જન્મી.. અગણિત જન્મી... ગઈ. ઇચ્છાઓનું એક જગત છે. ઇચ્છા આવે છે ને જાય છે... આવે છે ને જાય છે... આપણે નથી જતાં.. સુખ-દુઃખ, માન-અપમાન, સગવડ-અગવડ, ગમા-અણગમા, રાત-દિવસ આવે છે ને જાય છે... આપણે નથી જતા. આપણે સતત છીએ. આપણામાં જે “સતત” છે તે શું છે? તે વિચારવાની, સમજવાની, અનુભવવાની કોશિશ કરી શકાય.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : હું, મારાં મનની દ્વિધા આપને જણાવતાં અચકાઉં છું. મને થાય છે, આપ કહેશો તે હું કદાચ કરી ન શકું તો મેં આપને નાહક તકલીફ આપી તેમ મારો જીવ બળે. પણ, નથી પૂછતી તો હું મૂંઝવણમાં જ રહું છું, એટલે મારી મૂંઝવણ રજુ કર્યા વગર રહી નથી શકતી. મને ધર્મ પ્રવચન સાંભળવા જવાના ભાવ હંમેશા રહ્યા કરે છે. ઘરમાં સગવડ છે અને સમય પણ છે. કોઈ કારણસર હું પ્રવચનમાં જાઉં તે તેમને પસંદ નથી. તો હું મારા પતિને દુઃખ ન થાય તેથી નથી જતી. તો શું મારે તેમનો વિરોધ કરીને પણ જવું?
બહેનશ્રી : ક્યારેક એમ પણ બને કે ધર્મની વાતો સંચિત કરવાથી જે ન બને, તે એ વાતોથી વંચિત રહેવાથી બની જાય! ધર્મ વિશે પ્રવચન સાંભળી તે વિચારો આચારમાં મૂકવાની ગળા સુધી આતુરતા હોય, અને સઘળી સગવડ હોવા છતાં ધર્મના વાતાવરણથી વંચિત રહેવું પડે....
એમ પણ બની શકે કે, ધર્મના વાતાવરણથી વંચિત રહેવું પડે તેથી તે વિશેની ઝંખના તીવ્ર થતી જાય.... આ ઝંખનાભરી જિજ્ઞાસાથી જીવન પ્રત્યે એક નવી દૃષ્ટિ ખૂલે.... ધર્મ શું છે? ધર્મ શાને આધારે છે? આ સારી વાતમાં પણ મને સહકાર નથી! કારણ શું? મારી શું ભૂલ છે?
અને
ભૂલ એટલે શું તે સમજવું. એમ પણ બની શકે કે મનની સફાઈની દિશામાં અજાણે ડગ મંડાઈ જાય! રોજ બરોજના જીવાતા જીવનમાંથી ધર્મનો મર્મ સમજાવા લાગે.