________________
આત્મ સેતુ
બહેનશ્રી : એક સરોવર છે. સરોવરના જળ જંપી ગયા છે. તેમાં એક કાંકરી પડે. જળ તરલ છે. કાંકરી જળ પર પછડાઈને પાછી નથી ફરતી પણ જળમાં ડૂબે છે. જળ તેને જગ્યા આપે છે. જળમાં તરંગો રચાય છે. સરોવરમાં તરંગો ફેલાય છે. તરંગો ફેલાતાં ફેલાતાં કિનારા પર પહોંચે છે. સરોવરમાં, વારંવાર, ઉપરા છાપરી કાંકરી પડ્યા કરે, પડ્યા જ કરે, તરંગો રચાતાં રહે, તરંગો ફેલાતાં રહે, સરોવરને કિનારે પહોંચતાં રહે. કિનારા પર જળના તરંગો આવ્યા કરે. તરંગો આવવાના બંધ ન થાય, આવ્યા જ કરે. મન સરોવરના કિનારે વિચારો આવ્યા જ કરે. બંધ ન થાય. મન સરોવરમાં ભાવની કાંકરી પડતી રહે. સ્નેહ જાગ્યો, વિચારો ચાલુ... ગુસ્સો આવ્યો, વિચારો ચાલુ.. અપમાન લાગ્યુ, વિચારો ચાલુ.. ગુસ્સો આવે, ત્યારે પહેલા વ્યક્તિની અંદરમાં ગુસ્સાનો ભાવ જાગે. ગુસ્સાનો ભાવ ક્યારેક હળવો હોય, કાંકરી ઝીણી હોય, આ કાંકરી મન સરોવરમાં પડે, વિચારોના તરંગો રચાય, વિચારો મનને કિનારે ફેલાય.
ક્યારેક, ગુસ્સાની, લોભની કાંકરી મોટા પથ્થર જેવડી પડે ને મન સરોવરના જળ ખળભળી ઊઠે. મનને કિનારે વિચાર મોજાની દોડાદોડ! દયા-કરૂણા, આશા-નિરાશા, ગમા-અણગમા, સ્નેહ-નફરત, લોભ-મોહ, અહંકાર-સમર્પણ, વગેરે ભાવો જાગ્યા કરે, વિચારોની હારમાળા અવિરત ચાલુ રહે.. શું દિવસે કે શું રાત્રે?!
સત્સંગી : વિચારોની ગઠરી એટલી ભેગી કરી છે કે...
બહેનશ્રી : ગઠરી ખોલતાં જઈએ.. કચરો કાઢતાં જઈએ... થોડું અટકીએ... ખાલી કરીએ...