________________
આત્મ સેતુ
સત્સંગી : “કંઈ ન કરવાનું” “કરવું” એટલે ધ્યાન કરવું?
બહેનશ્રી : કરવાપણું સરી જવા દેવું.
હોવાપણું તરી આવવા દેવું.
બે મિનિટ, પાંચ મિનિટ કે જે બની શકે તેટલો સમય શાંતિથી બેસવું.
સત્સંગી : શાંતિથી બેસી નથી શકાતું.
બહેનશ્રી : એક રસ પડે તેવી વાત છે.
તમને ખ્યાલ છે? ક્યારેક કોઈ કામમાં, કે વાંચનમાં કે અન્ય પ્રવૃત્તિમાં મગ્ન થઈ જવાયું હોય, ત્યારે, તમને
તમારો શ્વાસ સંભળાય છે!
કોઇપણ પ્રવૃત્તિમાં એકાગ્ર થયેલ ધ્યાનની ધારા શ્વાસ સાથે લયમાં આવે છે!
જ્યારે જે પ્રવૃત્તિ કરતાં હો, તે પ્રમાણમાં હળવાશથી, સ્પષ્ટતાથી, સર્જનાત્મક અભિગમ સાથે ધ્યાન દઈને થાય છે.
શ્વાસ અને ધ્યાનને ગાઢ સંબંધ છે.
આપ કહો છો શાંતિથી બેસી નથી શકાતું.
એક પ્રયોગ કરી શકાય. શાંતિથી બેસવું હોય ત્યારે શ્વાસ પર ધ્યાન આપવાનું.
કાર્યમાં મગ્ન થતાં, ધ્યાન, શ્વાસની સાથે લયમાં આવે છે.
શ્વાસ પર ધ્યાન આપતાં શ્વાસ સ્વ સાથે લયમાં આવવાની શક્યતા છે.
શ્વાસ બહાર જઈ શકે છે.
શ્વાસ અંદર જઈ શકે છે.
ધ્યાન બહાર જઈ શકે છે.
તો ધ્યાન સ્વની ભીતર પણ જઈ શકે છે.
શ્વાસ છે તો શરીર છે.
દેહદેવળમાં આત્મદેવ બિરાજમાન છે.
આત્મદેવના દર્શન કાજે શ્વાસ સેતુ બની શકે છે.
શ્વાસ નથી વીતેલી ક્ષણમાં ચાલતો. શ્વાસ નથી આવતી ક્ષણમાં ચાલતો.
19
શ્વાસ, હાજર પળમાં, વર્તમાન ક્ષણમાં જ ચાલે છે.
શ્વાસ અને ધ્યાન ધારા લયમાં આવતાં મનમાં હળવાશ અને તાજગી આવે છે.
વીતેલી વાતોમાંથી બહાર આવવાની શક્તિનો સંચાર થાય છે.
મન, અંશે શાંત થઈ શકે છે.
આપણે આપણા મનમાં શુદ્ધિની પ્રક્રિયાનો પ્લાન્ટ નાખીએ.
થોડી વાર શાંતિથી બેસી, શ્વાસ પર ધ્યાન આપી, મન શાંત અને સાફ થવા દઈએ.