________________
આત્મ સેતુ
105
બહેનશ્રી : મન અત્યારે જે સ્થિતિમાં છે ત્યાં રહી નથી શકતું. જ્યાં પહોંચવાની કલ્પના છે ત્યાં પહોંચી નથી શકતું. અજંપાના વંટોળમાં સપડાય છે. તેને એનલાઈઝ કર્યા કરે છે. મગજને એનેલાઈઝ કરવાની આદત છે. સાવ એનેલાઈઝ નથી કરતાં તો કંઈ સમજ નથી પડતી. અને એનલાઈઝ જ કર્યા કરાય છે. તો અજંપાનો અંત નથી આવતો. વિચારોના વિવેચન કરતાં કરતાં એક વધારાનો વિચાર કરો કે આ વિવેચન બંધ ક્યારે કરવું? વિચારોની વણઝારને અટકવાનું મધ્યબિંદુ શોધી કાઢો. અટકો. અટકીને સાંભળેલું, વાંચેલું બુદ્ધિમાં યોગ્ય રીતે પકડાવા દો. સમજમાં ઊતરવા દો. તેમાંથી કંઈક આત્મસાત થવાદો. તેને વર્તનમાં આવવા દો. વર્તનમાં આવતાં ખુશી થશે. આત્મ વિશ્વાસ આવશે. આ શક્તિ તમારામાં ફેલાવા દો. “ભૂજા” માં “તરવાનું” જોમ આવશે. થોડીવાર શાંતિથી બેસો. કંઈ ન કરો. ભીતર જાગતા રહો.
સત્સંગી : મને પોતાને બહુ એવું થાય છે કે સંસારમાં પડ્યો છું એટલે તેના કામ કાજમાં બહુ સમય જાય છે. મારે બીજા માટે જ કર્યા કરવાનું આ શું સાચું છે?
બહેનશ્રી : તો શું સાચું છે?
સત્સંગી : ...
બહેનશ્રી : જે ખોટું લાગે છે, તેને જ સાચું કરી નાખીએ તો? આપનાથી છોડી શકાયો હોત તો સંસાર છોડીને ચાલી નીકળ્યા હોત. તેમ કરી શકાયુ હોય તેમ દેખાતું નથી. તો, જે કરવાનું આવી મળ્યું છે તેને દીક્ષા માટેના પ્રેમની પરીક્ષા સમજી સેવા ભક્તિ પ્રેમથી કરો. કરશો અન્ય માટે. થતું જશે તમારે માટે. સંસારમાં ગમા-અણગમાની ખેંચતાણી કરી, લોભ મોહ પોષવાના પ્રયત્ન કરતાં જ રહેવું તે ફરજિયાત તો નથી. મન સાફ થતું જાય તેમ જીવો. સંસારનું સ્વરૂપ જેમ છે તેમ સમજવામાં, સંસારનો બોધ થવામાં આ સમયનો ઉપયોગ થવા દો!
સત્સંગી : કોઈ વસ્તુ બનતી હોય કે જેમાં તમને દુઃખ થાય, જે આપણને દુઃખ આપે અને આપણે સહન કરી લઈએ. પણ એ દુ:ખની ઉપર રહી શકાય એ કેવી રીતે?