________________
આત્મ સેતુ
to
103
103
સત્સંગી : પણ, દીક્ષા લીધી હોય તો સહેલું તો પડે ને?
બહેનશ્રી : શું સહેલું પડે?
સત્સંગી : આત્માર્થે જે કરવું હોય તે.
બહેનશ્રી : દીક્ષા ગ્રહણ કરી હોય તેમની પાસેથી જાણી શકાય, કે તેઓને આત્માર્થે કંઈ કરવાનું અઘરું લાગે છે કે સહેલું? એમને દીક્ષાના આચાર-વિચાર-વિહાર-વડીલ સાધુશ્રીની સેવા, સમાજ સાથેના વ્યવહાર વગેરે અનેક કાર્યો હોય છે. આત્માર્થે ગતિ કરવા આ કાર્યો કરતાં કરતાં પણ આત્માર્થે આગળ જવા મનને સમજવું પડશે. આપ હાલ ગૃહવાસમાં છો. ઘર-કુટુંબના કાર્યોમાં રોકાયેલા છો. આ કામ કરતાં કરતાં મનને સમજી તેની સફાઈ કરતાં તમને કોણ રોકી શકે તેમ છે? સંસાર પ્રથમ મનમાં છે. પરિવાર, વ્યવહાર, જોબ વગેરે જે સંસારનો ફેલાવો છે, તે પ્રથમ મનમાં છે. તે વ્યક્તિના મનનો તો વિસ્તાર
છે!
મનનો ફેલાવો જવાબદારી બની સામે આવી ઊભો છે. આ વિસ્તાર ઓછો કરવાની શરૂઆત પ્રથમ મનથી કરવાની રહી! મનમાં ડોકિયું કરી ઝાંકો કે આ ફેલાવામાં ઊમેરો થઈ રહ્યો છે કે જે જવાબદારી છે, એ જવાબદારી, જવાબદારીપૂર્વક ઓછી કરવાની ઇચ્છા છે? જવાબદારીથી ભાગવાની વાત નથી. જવાબદારીથી જાગવાની વાત છે. આ જવાબદારી માગી લીધેલી છે. આ જવાબદારીઓથી જાગી જવાની વાત છે. તેની અવગણના કરીને ક્યાં જશો? તેના બીજ મનમાં રોપાયેલા છે. જ્યાં જશો ત્યાં આ બીજ સાથે આવશે. જવાબદારીનો પ્રેમથી સ્વીકાર કરી લો. જે ભક્તિભાવથી આપ આત્માર્થે કંઈ કરવા ઇચ્છો છો એ જ ભક્તિભાવથી તમારાં કામકાજ-જોબ વગેરે ધ્યાન દઈ સારી રીતે કરો. આ કાર્યો કરતાં ખુશી-નાખુશી, માન-અપમાન, હાસ્ય રૂદન વગેરે ઘણું આવશે. હસી-ખુશી વહેંચજો. અપમાનની ઊજાણી, માનની લાણી કરજો. રૂદન-તકલીફ વેઠી લેજો. ક્યારેક એમ લાગશે, “મને બદલામાં કંઈ નથી મળતું, હું ખાલી થઈ જાઉં છું...” આ ખાલીપાને ભરવાની ઉતાવળમાં તમારી જાતને કંઈ ને કંઈ પ્રવૃત્તિ માટે ધક્કા નહીં મારતાં. આ ખાલીપાને તમારા ભીતરના સ્વત્વથી ભરાવા દેજો ખાલીપાની સાથે શાંતિથી બેસજો.