________________
102
આત્મ સેતુ જો ઇચ્છો, તો, હળવા, સહજ, સરળ થતાં જવાય તેવી મનની ભૂમિકા આ સંજોગોમાં પણ તૈયાર થઈ શકે. એક સમય એવો હશે કે “સંસારમાં” પડવાનો ઉત્સાહ હશે. માતા-પિતાથી સ્વતંત્ર રહેવું, અમેરિકા જઈ આગળ વધવું, પૈસા કમાવા, લગ્ન કરવા, પોતાનો પરિવાર વધારવો વગેરે ઇચ્છાઓ થનગનતી હશે. આવી અભિલાષાની આંગળીએ ચાલીને અહીં આવી ઊભા રહેવાયું છે. આત્મા વિશે જાણ્યા પછી આ જવાબદારીઓ અને જોબમાં સમય વેડફાતો લાગે છે. કુટુંબ પરિવાર બંધન લાગે છે. હવે બીજી અભિલાષા જાગી છે. આ અભિલાષામાં, સમાજમાં, લોકો વચ્ચે, ધર્મ રૂચિની વાતો કરી, મનને મનાવવાની અને માન મેળવવાની આશા છૂપાયેલી તો નથી ને? જો ખરેખર આત્માર્થે કંઈ કરવું છે,
તો,
આ જવાબદારીઓ અને અસંતોષ તમને જાગૃત કરવા સક્ષમ છે. આત્માર્થે કંઈ કરવું જીવન વિરોધી નથી...
સત્સંગી : પણ, જો દીક્ષા લીધી હોય તો આવી જવાબદારી તો ના હોય.
બહેનશ્રી : આ જવાબદારી હોંશે હોંશે આમંત્રી છે, કદાચ દીક્ષા લો તો, આવી જવાબદારી ના હોય તો બીજી જવાબદારી હોય ને? જવાબદારી વિશે સમજવા એક વાત યાદ આવે છે. એક વખત એક પ્રખર વિદ્વાન સાધુ મહારાજશ્રીને મળવાનો પ્રસંગ થયો. કોઈએ એમને વાત કરી કે “આ બેન ધ્યાનમાં ઊતરી જાય છે”... તેઓશ્રીએ પૂછ્યું, “બેન તને શું તકલીફ છે? તું શું કરે છે ધ્યાનમાં જવા?” મેં કહ્યું “મારામાં કંઈ કરવાપણું વિરામ પામતું જાય છે અને હું ધ્યાનમાં સરતી જાઉં છું.” આ સાંભળી તેઓશ્રીને આશ્ચર્ય થયું. કહે “અમે જે માટે આ વેશ લીધો છે, જે અમારાથી નથી બન્યુ, તું ઘરમાં રહી...! અમે વિધિ-વિધાન-આચાર વગેરેમાં રોકાયેલા રહ્યાં. ધ્યાનમાં જવાનો ખ્યાલ જ ન રહ્યો..” તેઓશ્રીની સાથેના એક સાધ્વીજી કહે “બેન, મને ધ્યાન શીખવ. વહેલી સવારથી મારે ઘણી જવાબદારી છે. તેની જ ચિંતા અને વિચારો ચાલે છે. સમય તેમાં જ ચાલ્યો જાય છે..” કહેવાનું તાત્પર્ય એ છે કે તો, “આવી” જવાબદારી નહીં હોય તો “બીજી” જવાબદારી હશે. જવાબદારીથી મૂંઝાવાને ટેવાયેલું મન ત્યાં પણ મૂંઝાશે. જગ્યા, વસ્ત્ર, વગેરે બદલવાથી મન થોડું બદલાઈ જશે? મન બદલાવું જોઇશે ને? તમે જ્યાં છો, જેમ છો ત્યાં મૂંઝાતા મનને સમજવાની શરૂઆત તો થઈ શકે ને? તેમાં ગૃહવાસ કે દીક્ષા કંઈ આડું નહીં આવે. આત્માનો સંબંધ મનની સ્થિતિ સાથે છે. ભીતરના બદલાવ અને પરિવર્તન સાથે છે. આ માટેના પ્રયત્ન આ ઘડીએ શરૂ થઈ શકે તેમ છે.