________________
આત્મ સેતુ.
101
આ વાતાવરણ ધાર્મિક થવા માટેનું છૂપુ આમંત્રણ આપે છે. વાતે વાતે ઝગડા થાય છે, તો વાતે વાતે ઝગડા ન થાય તેવા પ્રયત્નો કરવા યોગ્ય છે. જે બની શકે, જેટલું બની શકે, બગડતામાંથી સારૂં નીપજાવવાના પ્રયત્ન સહનશીલતાથી ધીરજ પૂર્વક કરી શકાય. કંકાસથી કંટાળી, કદાચ ક્યારેક જુસ્સો અને ગુસ્સો આવી જાય કે બરાબર પાઠ ભણાવવો જોઈએ. શક્ય તે સારું નીપજાવવા, કંકાસમાં “ફૂદી” પડતાં અટકવાનું થશે. અટકીને વિચારવાનું થશે. ગુસ્સાને સંભાળી લેવો પડશે. તમારા વિચાર અને ધ્યાન સામેનાના વર્તનનો પડઘો પાડવાને બદલે, પોતાની અકળામણ, મુંઝવણ, અણગમો, નિરાશા એ સઘળાની વચ્ચેથી રસ્તો કાઢવામાં રોકાશે. વિચાર પ્રક્રિયામાં હકારાત્મક અભિગમ કેળવાશે. યથાશક્તિ સારું કરવા માટે જે કંઈક સર્જનાત્મક અભિગમ લેવાનો થશે,
સામેનાના વર્તનની પ્રતિક્રિયા રૂપે નહીં હોય. તે સર્જનાત્મકતા તમારી પોતાની “ક્રિયા” બનતી રહેશે. મનની શુદ્ધિની પ્રક્રિયા બનતી જશે. ઝેરના ઘૂંટડા ગળી જઈ અમૃતના આચમન આપવાના થશે. ક્ષણ ક્ષણ મરતાં જવાશે તો પળ પળ નવા રૂપે જન્મતા પણ જવાશે. તમારી જાણ બહાર, તમારી અંદર સારો ફેરફાર થવાની શરૂઆત થશે. ઝગડાની સામે ઝગડો કરવામાં આવે તો દિવસે દિવસે ગુસ્સાનો, કડવાશનો, દ્વેષનો વિકાસ થતો જાય. સારું કરવાના પ્રયત્નમાં સારાંની સાથે જોડાતા જવાય. પોતે ચોકખા થતાં જવાય.
ઘર કંકાસ ચિત્તશુદ્ધિનું આમંત્રણ બની રહે અને ઘર તમારું સાધના-સ્થાન!
વિષમ સંજોગો આત્મબીજને ઉગવાની પ્રેરણા અને બળ આપે. સારાં સંજોગોમાં આત્મબીજને પોષણ મળે. સંજોગોની અને પોતાના “સ્વભાવની વિષમતાના પથ્થર ફાડીને આત્મબીજની કૂંપળ ફૂટે!
સત્સંગી : આત્મા વિશે જાણ્યા પછી, મને એમ થાય છે, હું ઘરસંસારમાં પડ્યો જ ન હોત તો આ બંધન ન આવત. મારો ઘણો સમય કામકાજ અને જોબમાં વેડફાય છે. આત્માર્થે જે કરવું છે તે નથી કરી શકતો. સંસારમાં પડ્યો, તો આ બધી જવાબદારી આવી ને! જો આ જવાબદારીઓ ના હોત અને દીક્ષા... પણ હવે બહુ મોડું થઇ ગયુ છે.
બહેનશ્રી : મને લાગે છે કે તમે સમયસર છો.
દીક્ષાની પૂર્વતૈયારી માટે તમારી પાસે અવકાશ છે. જાગ્યા ત્યારે સવાર! કંઈ કરવું છે આત્માર્થે, અને ઘર-કુટુંબ, કામકાજ, જોબ, દ્વિધા, ચિંતાની ભૂમિ પર તમે ઊભા છો.