________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૪૯
કવિએ સ્વતંત્રતા દિવસના ગૌરવશાળી પ્રસંગમાં દેશની માટીમાં પણ તારાઓ સાથે નજર મેળવવા યોગ્ય સ્વાભિમાનની વાત કરી ‘લેકિન” લગાડી ઘરમાં છુપાએલા ગદ્દારોથી સંભાળીને રહેવાની ચેતવણી પણ આપી છે.
આઝાદી પછીના ભારતીય ઇતિહાસમાં પણ કવિની આ ચેતવણી સત્યની કસોટી પર ખરી ઉતરે છે. આઝાદી બાદ સન ૧૯૬૨માં આપણે જેને મિત્ર સમજતાં હતાં તેણે જ આપણા પર હુમલો કરી પોતાની ગદ્દારીનો પરિચય આપ્યો હતો. શત્રુને મિત્ર સમજવાની મિથ્યા માન્યતા ને કારણે જ આપણે પરાજિત થવું પડ્યું, પરંતુ ત્યારબાદ સન ૧૯૬૫ અને ૧૯૭૧ માં આપણા બીજા પાડોશીએ આક્રમણ કર્યું, પણ તે ખરાબ રીતે પરાજિત થયો, માત્ર પરાજિત ન થયો બલકે તેના બે ટુકડા થઈ ગયા.
આમ આપણો દેશ બહારના શત્રુઓથી તો અપરાજિત છે. છતાં દેશની અંદર છુપાયેલાં દેશદ્રોહી તેને ખોખલો કરી રહ્યાં છે. ૩૧ ઓકટોબર ૧૯૮૪ આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીને તેમના જરક્ષકોએ તેમનાજ ઘરમાં મશીનગનથી ૧૯ ગોળીઓથી વીંધી નાખ્યાં. તેમના પુત્ર વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ માનવ બોંબ બનેલી આ જ દેશની નાગરિક એક સ્ત્રીએ તેમના ચરણોનો સ્પર્શ કરવાનો અભિનય કરતા મારી નાખ્યા હતા. રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ ગોડસેએ નમસ્કાર કરી સંતાડી રાખેલ પિસ્તોલથી મારી નાખ્યા હતા. દેશમાં જ છુપાયેલા દેશદ્રોહીના કુકૃત્યોના આથી વધુ દાખલા બીજા શું હોઈ શકે? હત્યા કરનારા દેશદ્રોહી તો છે જ. દેશના રક્ષક બની ભ્રષ્ટાચારથી દેશનું ભક્ષણ કરનારા દેશદ્રોહી પણ ઓછા નથી. વિદેશોમાં સંતાડી રાખેલ પૈસા જો દેશમાં લાવવામાં આવે તો તે ચૂકવીને આપણે વિદેશી દેવામાંથી પૂર્ણત: મુકત થઇ શકીએ છીએ. આવા દેશદ્રોહી રાષ્ટ્રના દરેક વર્ગમાં હાજર છે. નેતા હોય કે અધિકારી, સેના હોય કે પોલીસ સંપૂર્ણ તંત્રમાં છુપાયેલા ગદ્દારો દેશદ્રોહીઓ મોજૂદ છે.
કદાચ એ જ કારણે કવિએ જનતા, નેતાઓ અને ફોજને સંબોધિત કરી લખ્યું છે કે - “સખ્તલ કે રહના અપને ઘરમેં છિપે હુએ ગદ્દારોસે'.