________________
છતાં, શુભધ્યાનમાં નિમગ્ન બને તો ઘણો કર્મક્ષય કરી શકે છે. આવી સ્થિતિ પેદા થાય તો બાહ્યતપનો મહિમા ઘણો લાભદાયી થાય.
આ બાહ્યતપ પણ સહેલો નથી. આ બાહ્યતપની ઉપેક્ષા કરે ચાલે તેમ નથી. તમે વિચાર કરો તો સમજાય. આ બાહ્યતપ જે કરે તેને ખબર પડે. આ તપ કરવાથી શરીરનેય કષ્ટ પડે, ભુખ-તરસ વેઠવા પડે, શરીરને શ્રમ પણ પડે. તે પણ વેઠવો પડે. આ બાહ્યતપ પણ ભારે ઉપકારક છે. તે તપ કરનારનું જો અત્યંતર તપ પામવાનું લક્ષ હોય તો આત્મામાં અનેક ગુણો પેદા કરી છેક મુક્તિની નજીક જીવને લઇ જાય છે. પછી તે જીવ આગળ વધતો વધતો રત્નત્રયીને પણ પામે છે અને તે તપના પ્રભાવે રત્નત્રયીને પણ ઉજ્જવલ બનાવે છે. પછી તો તે જીવની એવી સ્થિતિ પેદા થાય કે તે અહીંથી નિયમા દેવલોકમાં જાય છે. ત્યાંથી મનુષ્યમા આવી સંયમ પામે છે અને બીજા ભારે નિકાચિત કર્મો ન હોય તો તેજ ભવમાં મુક્તિ પામે છે. અને કર્મો બાકી હોય તો સદ્ગતિની પરંપરા સાધી મુક્તિને પામે છે. આવી અદ્ભુત શક્તિવાળા ઉત્તમ કોટિનો તપધર્મ આરાધવાનો સૌ યથાશક્તિ પ્રયત્ન કરો અને વહેલામાં વહેલા શાશ્વતસુખના ભોક્તા બનો એ જ સદાની શુભાભિલાષા.
Page 51 of 77