________________
[૨૦૩૪ ભાદરવા સુદિ-૮ ને રવિવાર, તા. ૧૦-૯-૭૮.]
આપણો મહાપુણ્યોદય છે, કે જેને લઇને શ્રી વીતરાગ પરમાત્માનું શાસન સમજી શકીએ, તેના પર શ્રદ્ધા થાય અને શક્તિ મુજબ અમલ કરી શકીએ તેવી બધી સામગ્રી આપણને મળી છે. માટે આપણા પુણ્યમાં ખામી નથી. જે કાંઇ ખામી હોય તે આપણી પોતાની છે. આવું સુંદર શાસના મળ્યું હોય, છતાં તેને જાણવાની, સમજવાની શ્રધ્ધા કરવાની અને શક્તિ જેટલો અમલ કરવાની પણ ઇચ્છા સરખી ય ન થાય તે કેટલો બધો પાપોય કહેવાય ! આપણે પુણ્ય સારામાં સારું બાંધેલ પણ સાથે સાથે પાપ પણ ગાઢ બાંધેલ, કે જેના પ્રતાપે જૈન કુળમાં-જાતિમાં જનમવા છતાં, સમજવાની શક્તિ હોવા છતાં જૈન શાસન શું છે તે સાંભળવાની ઇચ્છા નથી; સાંભળવા મળી જાય તો ય સમજવાનું મન નથી, સમજાઇ જાય તો શ્રધ્ધા બેસતી નથી અને આરાધવાની વાત આવે ત્યાં તો આ-આ કારણે કરવાનું મન થતું નથી. આ જે ભારે પાપોદય છે તેને ધક્કો મારીને સમજવાની કોશિષ કરો, શ્રધ્ધા કેળવો અને શક્તિ મુજબ અમલ કરો તો આ ભવ સર્જી થાય, મરવાની ભીતિ ન રહે, મરણ મહોત્સવરૂપ થાય અને આના કરતાંય સારી સામગ્રી મળે અને પાંચ-સાત ભવોમાં તો. જેના દર્શન-પૂજન કરો છો તે જ્યાં છે ત્યાં પહોંચી જાવ.
તમે મંદિરમાં જાવ તો ઇચ્છા થાય કે “આપ જ્યાં પહોંચ્યા ત્યાં જવું છે.' તમે મંદિરમાં કેમ જાવ છો ? ભગવાન જ્યાં ગયા ત્યાં જવું છે માટે તેના દર્શન પૂજનાદિ કરું છું એમ કહો કે એમના દર્શનાદિ કરવાથી બજારમાં સફળતા મળે, આગળ વધાય તેમ કહો ? ભગવાનના દર્શન-પૂજનાદિ કરવા છતાં, ભગવાન જ્યાં ગયા ત્યાં જવું છે તેમ ન કહે, સાધુનો યોગ થાય, સાધુને વંદનાદિ કરે પણ સાધુ થવું છે તેમ ન થાય, જેટલો ધર્મ કરું છું, તે ભગવાનનો ધર્મ પામવો છે માટે કરું છું તેમ ન થાય - જો તેમ થાય તો ઘર-બારાદિ છોડવા પડે, પણ તે છોડવા નથી, મરતા મરતા ય છોડવા નથી. મારું મારું કરતાં મરી જવું છે, -તો આ સામગ્રી કામ ન આવે. ભારે દુર્ગતિ થાય. કેટલા કાળે આવી સામગ્રી મળે તે કાંઇ કહી ન શકાય. આવો સોદો આપણને પોષાય તેમ છે ?
તમારે આત્માને રોજ કહેવાનું કે- “બહુ ભાગ્યશાળી છું. આવી સામગ્રી મળી છે. અમારા જેટલા શ્રી અરિહંત પરમાત્મા થયા તે બધા મોક્ષમાર્ગ સ્થાપી સ્થાપીને મોક્ષે ગયા છે. “નમો અરિહંતાણં' બોલવા છતાં તેમનો મોક્ષમાર્ગ હજી ગમ્યો નથી, જોઇતું નથી. “નમો સિધ્ધાણં' પદ તો યાદ જ આવતું નથી. માથા પર અનંતા શ્રી સિધ્ધ ભગવંતો હોવા છતાં ત્યાં જવાનું મન નથી. સાધુઓમાં અક્કલ ન હતી માટે ઘર-બારાદિ છોડ્યા અને તમે બધા અક્કલવાળા છો માટે ઘરમાં રહ્યા છો ? મોટો ભાગ આવું માનીને કે- અમારાથી દૂર રહેજો-સાધુને હાથ જોડે છે. વેપારીને – શ્રીમંતને જોઇ વેપારી કે શ્રીમંત થવાનું મન થાય છે પણ સાધુને જોઇ સાધુ થવાનું મન થતું નથી. અને ધર્મક્રિયા બધી ઠેકાણા વગરની થાય છે.' આ સમજણ આવી જાયતો ય બેડો પાર થઇ જાય.
તમારામાં સમજણ નથી, બુદ્ધિ નથી તેમ નથી. પણ તમારી સમજણ અને બુદ્ધિ ઊંધે માર્ગે છે.
Page 45 of 77