________________
પુણ્ય તત્વનું સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી
પૂણ્યતત્વ અને પાપતત્વ જીવ જે કર્મબંધ કરી રહેલો હોય છે તેનાથી થાય છે. જે કાર્મણવર્ગણાના પુદગલો ગ્રહણ કરે છે તેમાંથી શુભકર્મ રૂપે પુગલો બનાવે છે તે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે અને જે પુગલો અશુભ કર્મરૂપે બનાવે છે તે પાપ પ્રકૃતિ રૂપે ગણાય છે.
આ પુણ્ય અને પાપનાં ચાર ભેદ રૂપે ચર્તુભેગી થાય છે. (૧) પુણ્યાનુબંધી પુણ્ય (૨) પુણ્યાનુબંધી પાપ (૩) પાપાનુબંધી પુણ્ય અને (૪) પાપાનુબંધી પાપ
પુણ્ય અને પાપ બન્ને તત્વોને છોડવા લાયક કહ્યા છે. બેમાંથી એકેય ગ્રહણ કરવા લાયક નથી જ. કારણકે જ્યાં સુધી પુણ્ય તત્વ ઉદયમાં હોય છે ત્યાં સુધી જીવ સિદ્ધિ ગતિમાં જઇ શકતો જ નથી. જ્યારે સંપૂર્ણ પુણ્ય તત્વ પુરૂં થાય ત્યારેજ જીવ મોક્ષમાં જાય છે. આથી જ જ્ઞાની ભગવંતોએ પુણ્યાનુબંધિ પુણ્યને આંશિક ઉપાદેય કહેલ છે. જેમજેમ પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતું જાય એટલે ઉપાર્જન થતું જાય તેમ તેમ તે આત્મગુણ પેદા થવામાં આત્માનું શુધ્ધ સ્વરૂપ પેદા કરવામાં સહાયભૂત થતું જાય છે અને સાથે સાથે આત્માનું શુધ્ધ સ્વરૂપ પેદા કરવામાં વિપ્ન એટલે અંતરાય રૂપ થતું સુખ અને સુખના પદાર્થો પ્રત્યે વિરાગા ભાવ પેદા થતો જાય છે. આ કારણથી એ આંશિક ઉપાય રૂપે કહેલું છે પણ અંતે તો એ સોનાની બેડી જેવું કહેલું છે. અંતે એ બેડીમાંથી જીવ છૂટે તોજ સકલ કર્મથી રહિત થઇ શકે છે. બેડીમાં પડેલા દરેક જીવોને બેડીમાં રહેવું પસંદ પડતું નથી પણ છૂટવું જ ગમે છે.
પુણ્ય એટલે શું ?
જ્ઞાનીઓ કહે છે કે જે આત્માને પુષ્ટ કરે તે પુણ્ય કહેવાય છે. જે કાર્યો કરવાથી અશુભ કર્મોથી મલીન થયેલો આત્મા છૂટે એટલે ધીરે ધીરે છૂટી શુભ કર્મવાળો થઇ પવિત્ર બનતો જાય અર્થાત્ અનુક્રમે મોક્ષે પહોંચે એવા કાર્યને પુણ્ય કહેવાય છે.
અનાદિ કાળથી અવિરતિના ઉદયવાળો આત્મા સદાને માટે પાપના પરિણામવાળો રહેલો હોય છે.
આપણા પ્રત્યે કોઇ આચરણ કરે તે આચરણ આપણને ન ગમે એવું આચરણ બીજા પ્રત્યે કરવું નહિ એ પ્રકારનું બોલવું નહિ અને મનથી એ પ્રકારે વિચારો કરવા નહિ એ પુણ્ય કહેવાય છે. અર્થાત સામાના વર્તન, વાણી અને વિચારથી આપણને જે દુ:ખ થાય, ગ્લાનિ થાય એવા વિચાર-વાણી-વર્તન બીજા પ્રત્યે ન કરવા એ પુણ્યબાંધવાનો પ્રકાર કહેવાય છે.
પાપ એટલે શું?
બીજાના વિચાર-વાણી અને વર્તનથી આપણને ગ્લાનિ પેદા થાય-દુઃખ પેદા થાય-નારાજગી પેદા થાય અથવા અંતરમાં દ્વેષ પેદા થાય તે પાપ કહેવાય છે.
કદાચ સામો માણસ આપણા પ્રત્યે અસભ્ય વર્તાવ કરે તો વિચારવાનું કે આટલુંજ કરે છે ને હું તો. બીજા માટે કેટલુંય કરું છું આને તો કરી કરીને આટલું જ કર્યું છે ને ? આવો વિચાર તે વખતે કરવામાં આવે તો સામા જીવ પ્રત્યે નારાજગી-ગુસ્સો-દ્વેષ થતો હતો તે ન થાય એના કારણે અશુભ કર્મો બંધાતા.
Page 1 of 64