________________
જીવ તત્વન સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી
અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓ જ્યારે દશમા ગુણસ્થાનકે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને બારમા ગુણસ્થાનકને પામે છે ત્યાં ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે એ ક્ષાયિક ચારિત્રના કાળમાં એક અંતર્મુહૂર્તમાં જ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણેય ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરે છે અને તેરમા ગુણસ્થાનકને પામે છે ત્યાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે.
શ્રી તીર્થંકર પરમાત્માઓને જ્યાં જે ક્ષેત્રને વિષે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં દેવતાઓ આવીને સમવસરણની રચના કરે છે. તે સમવસરણમાં પૂર્વ દિશાથી પ્રવેશ કરી નમો તિત્થસ કહીને શ્રી તીર્થંકરો પાદપીઠ ઉપર બેસે છે. તે વખતે આજુબાજુ રહેલા મનુષ્યો, તિર્યંચો અને દેવો ભેગા થઇ જાય છે. ત્યાં શ્રી તીર્થંકર પરમાત્મા દેશના આપે છે તે દેશના શ્રી ગણધર ભગવંતોની યોગ્યતા પેદા કરવા માટે અપાય છે, એટલે કે ત્યાં જે ગણધરને યોગ્ય આત્માઓ આવેલા હોય તેઓને ઉદ્દેશોને દેશના અપાય છે. એ દેશના સાંભળતા તેઓમાં યોગ્યતા પેદા થાય છે અને સંયમની માગણી કરતાં સંયમનો સ્વીકાર કરે છે.
કેવલજ્ઞાનની પ્રાપ્તિથી જગતમાં રહેલા જે પદાર્થો શ્રી તીર્થંકરોએ જોયેલા છે તે પદાર્થોનું જ્ઞાન જગતના જીવોને થાય એ હેતુથી તેનું નિરૂપણ કરે છે. પોતાના જ્ઞાનથી જગતમાં રહેલા જે પદાર્થો જેવા સ્વરૂપે જુએ છે તેવા સ્વરૂપે જણાવવા માટે વિસ્તારથી તેના નવ વિભાગ પાડવામાં આવેલા છે. તે નવ વિભાગને કાંઇક ટૂંકામાં સમજવા માટે સાત વિભાગ પાડવામાં આવેલા છે. એનાથી ટૂંકાણમાં સમજવા માટે તે નવ વિભાગના પાંચ વિભાગ પાડવામાં આવેલા છે અને તેનાથી સૌથી સંક્ષેપમાં જાણવા માટે તે પાંચ વિભાગના બે વિભાગ પણ પાડવામાં આવેલા છે.
આ ઉપરથી સમજાશે કે કેવલજ્ઞાની પોતાના જ્ઞાનથી જગતના સ્વરૂપને જે રીતે જૂએ છે-જાણે છે તે જ સ્વરૂપે જગતના જીવોને પણ જગતના પદાર્થોનું જ્ઞાન થાય-તેની વિચારણા કરતાં થાય અને પોતાના આત્માને દુઃખથી બચાવીને સુખી કરી શકે તે માટે જ આ નિરૂપણ કરે છે. સુખી થવાનો રસ્તો ખરેખરો આ જ છે. એમ જ્ઞાનથી જાણીને દુઃખથી છોડાવી-સુખી બનાવી જીવો જલ્દી પોતાના જેવા બને એ હેતુથી તેનું નિરૂપણ કરવા માટે જગત સમક્ષ પદાર્થોનું નિરપણ કરેલું છે.
આ પ્રકરણ જે મહાપુરૂષે રચેલું છે તે મહાપુરૂષે પોતાનું નામ કોઇ જગ્યાએ આપેલ નથી તથા આ પ્રકરણમાં જે રીતે ગાથાઓની રચના કરેલ છે તે ગાથાઓ મોમાંથી ઉદ્ધૃત કરી કરીને સંકલના રૂપે બનાવીને મૂકેલ છે અને તે પ્રકરણને સાચવીને મહાપુરૂષોએ આપણા સુધી પહોંચાડેલ છે. નવ વિભાગ જે કહ્યા છે તેને નવ તત્વો કહેવાય છે. સાત વિભાગને સાત તત્વો કહેવાય છે. પાંચ વિભાગને પાંચ તત્વો કહેવાય છે અને બે વિભાગને બે તત્વો કહેવાય છે.
તત્વ એટલે શું ? તત્ એટલે તે તે પ્રકારે એટલે કે જગતમાં જે જે પદાર્થો જેવા જેવા સ્વરૂપે રહેલા છે તેવા તેવા સ્વરૂપે વ એટલે વિશેષ કરીને જાણવા એટલે વિશેષ રીતે તે પદાર્થોની જાણકારી મેળવવી, તે જાણકારી મેળવવાની ઇચ્છા તે તત્વ કહેવાય છે.
તે તત્વો નવ છે અને તેના ઉત્તર ભેદો ૨૭૬ થાય છે તે આ પ્રમાણે :
(૧) જીવતત્વ - ૧૪ ભેદ (૨) અજીવતત્વ - ૧૪ ભેદ
Page 1 of 78