________________
આમ અનેક યાતનાઓમાંથી માર્ગ કાઢી કોઇ નક્કી કરેલી જગ્યાએ જવું કેટલું મુશ્કેલ છે એનો. વિચાર કરીએ ત્યારે પ્રવાસ ચાલુ રાખવા માટે કેવા સાધનોની જરૂર હોય છે એનો વિચાર સામે આવી ઉભો રહે છે.
એક જ ઇંદ્રિય કામ કરતી હોય, શરીર તદન નબળું હોય અને વિચાર કરવાની શક્તિ પણ ના હોય તે આગળ શી રીતે વધે ? એની સામે સંકટો કેટલા ? તે પછી વધારે ઇંદ્રિયો અનુક્રમે મળે જાય અને શક્તિ ખીલતી જાય ત્યારે કાંઇક વિચારધારા વધે પણ તરતમ ભાવે વિચાર કરવાની બુદ્ધિ જ ન હોય તો એવા જીવને પ્રગતિનો માર્ગ શી રીતે સાંપડે ? મતલબ કે, વિકાસની દિશા જીવને જડી જાય તેની પાછળ અનંત ભવોની સાધના, અનંત પ્રસંગોમાંથી સહીસલામત છુટી આગળ વધવું પડે, અગણિત સંકટોનો સામનો કરવો પડે. કહેવાનો હેતુ એટલો જ છે કે, અનંત વીડંબના ભોગવ્યા પછી જ આ સાધન સંપન્ન માનવદેહ મળ્યો છે. એ દેહમાં વધુ શું છે તેનો આપણે હવે વિચાર કરીએ.
એકેંદ્રિયાદિથી લગાવી પંચેદ્રિયોની સંપત્તિ આપણે ગમે તેવા સાધનો દ્વારા મેળવી લીધેલી હોય, આપણને મન મળ્યું હોય, બુદ્ધિ મળેલી હોય છતાં એ કાંઇ પૂર્ણતા ન કહેવાય. સુંદર અને આરામ અને સુખ સગવડો સાથેની મોટર આપણને મળી હોય તેમાં પ્રવાસ કરવાની સત્તા પણ મળી હોય છતાં આપણે એ મોટર ચલાવવાનું તંત્ર પૂરેપૂરું જાણતા ન હોઇએ અને છતાં તે ચલાવવા બેસીએ તો આપણે મોટર સાથે ખાડામાં જ જઇને પડીએ ને ! એ ઉપરથી એમ જણાય છે કે ભલે આપણને સારો એવો માનવ જન્મ મળેલો હોય, કાર્યક્ષમ ઇંદ્રિયો પ્રાપ્ત થયેલી હોય, મન સાથે બુદ્ધિ પણ મળેલી હોય છતાં સદ્ગુરૂનો યોગ મળ્યો ન હોય ત્યાં સુધી આ બધું મળેલું પણ નકામું થઇ જાય. કારણ વસ્તુ મળી જવાથી જ કાંઇ કાર્યસિદ્ધિ થતી નથી. તેનો ઉપયોગ કરવાનું જ્ઞાન પણ સાથે સાથે મળવું જોઇએ. અને એ જ્ઞાન તો તે વિષયના જાણકાર અને અનુભવીની પાસે જ હોવાથી તેમની જરૂર હોય છે જ. એ સમજવા માટે આપણે એક દાખલો લઇએ; આપણને શીખંડ બનાવવો હોય ત્યારે તે માટે દહીં જોઇએ. તે મળી ગયું હોય, ત્યારે આગળનો વિધિ બરાબર ખબર હોવો જોઇએ અને એમ હોય તો જ શીખંડ બને. એક માણસે સાંભળેલું કે દહીમાંથી પાણી નીકળી જાય તો જ શીખંડ બને. એ માટે એણે દહીનું વાસણ ઉઠાવી ચુલા ઉપર ચઢાવી દીધું. કલ્પના એવી કરી કે પાણી બળો જશે એટલે નીચે શીખંડનું દહીં રહી જવાનું. અગ્નિનો સંયોગ દહીને થતા શું પરિણામ આવે એનો એણે વિચાર કર્યો નહિ. અને એને એનો અનુભવ ન હતો. તેથી એ બધું દહીં ખોઇ બેઠો. આપણા જીવનને એ જ કસોટી લગાવી જોતાં આપણી ખાત્રી થશે કે, સાચું જીવન જીવવા માટે પદે પદે આપણને સદ્ગુરુની જરૂર લાગે એ સ્વાભાવિક છે. ગ્રંથોક્ત જ્ઞાન કાંઇ ખોટું ન હોય, પણ એ જ્ઞાન સૂત્રરૂપે હોવાના કારણે એનો બોધ મેળવવો હોય તો એનો સાચો અર્થ જાણનારની જ સલાહ મેળવવી જોઇએ. એમ ન થાય તો અર્થનો અનર્થ થઇ જાય છે. અને સવળાને બદલે અવળું થઇ જાય છે.
દેહ તો અનેક જાતના હોય છે અને એ બધાઓનો આપણે અનંતીવાર ઉપયોગ પણ કરી લીધેલો છે, એમાં જરાએ શંકા નથી. પણ માનવેતર દેહમાં આત્માને પોતાનો વિકાસ સાધવાના સાધનો ઘણા જ તછ પ્રમાણમાં મળેલા હોય છે. તેથી આત્માનો વિકાસ થવાને અવકાશ હોતો નથી. માનવ દેહમાં ઉન્નતિ સાધવા માટે સારો જેવો અવકાશ હોય છે. માનવ દેહમાં મનનો વિકાસ થએલો હોય છે. અને એ સારાસારનો વિચાર કરી શકે છે. તેમ બુદ્ધિને પણ આગળ વધવાના કારણો અને સાધનો સુઝી આવે છે. એવા બધા સાધનો અને અવકાશ બીજા દેહમાં હોતો નથી. કુતરાને અને હાથીને પણ બુદ્ધિ હોય છે. પણ એ કેટલી હોય ? તે પ્રમાણમાં માણસ નવી સૃષ્ટિ સર્જે છે એમ કહીએ તો પણ ચાલે.
Page 13 of 161