________________
ઉત્કૃષ્ટ કાળ જાણવો.
જ્યારે કેટલાક આચાર્યોં કહે છે કે સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા વગર છઠ્ઠુ ગુણસ્થાનક જીવને દેશોન પૂર્વક્રોડ વરસ સુધી રહી શકે છે અને ટકી શકે છે. સર્વવિરતિનો પરિણામ મનુષ્યોને જ પેદા થઇ શકે છે અને તે પણ સંખ્યાતા વરસના આયુષ્યવાળા મનુષ્યોને જ થાય છે તે આઠ વર્ષની ઉંમર પછી જ એ પરિણામ પેદા થઇ શકે છે માટે આઠ વરસ ન્યૂન કહેવાય છે. અસંખ્યાત વરસના આયુષ્યવાળા યુગલિક મનુષ્યોને માત્ર સુખ ભોગવવાનોજ કાળ હોવાથી ચોથા અવિરતિ ગુણસ્થાનકથી આગળનો પરિણામ આવી શકતો નથી.
દર મહિને પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોમાંથી. પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રના મનુષ્યોમાંથી એમ પંદર કર્મભૂમિના મનુષ્યોમાંથી કોઇને કોઇ જીવને સર્વવિરતિનો પરિણામ અવશ્ય પેદા થઇ શકે છે. સર્વવિરતિને પામેલા જીવોનો જગતમાં કોઇકાળે વિરહ હોતો નથી કારણકે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા માટે શ્રી તીર્થંકર પરમાત્માઓ હયાત હોય છે માટે વિરહ હોતો નથી જ્યારે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રોને વિષે દશ કોટાકોટી સાગરોપમ રૂપ અવસરપિણી કાળમાં માત્ર એક કોટાકોટી સાગરોપમ કાળમાં જ સર્વવિરતિવાળા જીવો હોય છે. બાકી હોતા નથી માટે વિરહકાળ હોય છે એમ કહેવાય છે.
આ સર્વવિરતિને ટકાવવા-ખીલવવા અને પ્રમાદના વિચારોને સદંતર નાશ કરવા અપ્રમત્ત ભાવ પેદા કરવા માટે પાંચ મહાવ્રતનું પાલન એની પચ્ચીશ ભાવનાઓનું પાલન આઠ પ્રવચન માતાઓનું પાલન દશ પ્રકારની સામાચારીનું પાલન-ચિંતન-મનન સતત ચાલુ જ હોય છે. એના કારણે એ જીવો એની જ ચિંતવના અને વિચારણામાં કાળ પસાર કરતા કરતા અપ્રમત્ત ભાવના સુખનો આસ્વાદ પામી શકે છે. એ સુખનો આસ્વાદ એવો ઉંચી કોટિનો હોય છે કે જે સુખનો અનુભવ એક વરસ સતત કરવામાં આવે તો તે સુખની આગળ અનુત્તર વાસી દેવોનું જે સુખ છે સર્વાર્થ સિધ્ધ વિમાનમાં રહેલા દેવોનું જે સુખ છે તે તુચ્છ રૂપે ગણાય છે અનુભવાય છે. એવા ઉંચી કોટિના સુખનો અનુભવ આ સર્વવિરતિવાળા જીવો પ્રાપ્ત કરી શકે છે.
હવે એ પાંચ મહાવ્રતો અને
એની પચ્ચીશ ભાવનાઓનું વર્ણન કરાય છે.
પહેલા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા ઃ
‘હે ભગવંત ! પહેલા મહાવ્રતમાં પ્રાણાતિપાતથી (જીવહિંસાથી) પાછો હઠું છું, હે ભગવન્ ! સર્વથા જીવોને મારવાનાં પચ્ચકખાણ કરું છું. સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે થાવર એમ સર્વ જીવોને હું પોતે મારીશ નહિં, અન્ય પાસે મરાવીશ નહિં, મારનારને સારો જાણીશ નહિં. જીવનપર્યંત ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી, હું જીવહિંસાને કરું નહિં, કરાવું નહિં, કરનારને અનુમોદીશ નહિં. કોઇ જીવ ભૂતકાળમાં હણાયો હોય તો તે પાપથી પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદુ છું. ગુરૂસાક્ષીએ ગહું છું, તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું.
આ રીતે હે ભગવન્ ! સર્વથા જીવદયા પાલનરૂપ પહેલા મહાવ્રતમાં રહું છું.’(૧)
Page 67 of 211