________________
ચારિત્રના સંકલ્પમાં દા.ત. મનને એમ થાય કે ‘કેમ હું શુદ્ધ ચારિત્રી બનું ! કેમ મારામાં પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તર ગુણોની વિશેષ પ્રાપ્તિ થાય ! હું સમિતિ-ગુપ્તિનો પ્રતિપળ નિરતિચાર પાળનારો બનું !'
દર્શન-જ્ઞાન-ચારિત્રના સંકલ્પો ચિત્તમાં રમતા રાખવાથી ઇન્દ્રિયોના વિષયો તથા કષાયોના સંકલ્પ-વિકલ્પોથી ઘણું બચી જવાય છે, ચિત્ત-અધ્યવસાય વિશુદ્ધ બને છે, ઉત્તમ સંગીન શુભ સંસ્કરણ ઊભું થાય છે, વગેરે અમૂલ્ય લાભો છે.
સંક્લેશ :
આત્મામાં પરિણામ બે જાતના, (૧) કષાય અર્થાત્ સંકલેશના; (૨) વિશુધ્ધિના. આત્મા, કામ, ક્રોધ, લોભ વગેરેની લાગણીમાં તણાયો હોય તો કષાયના પરિણામવાળો, સંકલેશવાળો કહેવાય. એમાંથી પાછો વળે, બ્રહ્મચર્ય, ક્ષમા, નિસ્પૃહતા વગેરેના ભાવમાં ચડે તો તે વિશુદ્ધિમાં વર્તતો કહેવાય.
અહીં ઝોક મુખ્ય છે. જીવનો ઝોક કઇ તરફ છે, કષાય તરફ ? કે ક્ષમાદિ તરફ ? એક જ ગુણઠાણે અમુક સમયે બે આત્મા વર્તતા હોય. પરંતુ એક ઉપર ચઢી રહ્યો હોય ને બીજો નીચે ઉતરતો હોય; તો આમ તો ત્યાં અધ્યવસાયનું સ્થાનક બંનેને સમાન છે, છતાં ઉપર ચઢી રહેલો વિશુદ્ધિમાં છે, અને નીચે ઉતરી રહેલા સંકલેશમાં છે. આ પરથી સૂચિત થાય છે કે વિશુદ્ધિ જાળવવી હોય અને સંકલેશથી બચવું હોય તો મનના પરિણામ ક્ષમાદિ યતિધર્મ, પંચાચાર સમિતિ-ગુપ્તિ, પરીસહસહન, અને બાહ્ય-આભ્યન્તર તપના તો અવશ્ય રાખવા જ, ઉપરાંત મનનો ઝોક ઉપર ચઢવા તરફ રાખવો.
સંકલેશનો અર્થ અસમાધિ પણ કર્યાં છે; અને એના ૧૦ પ્રકાર આવે છે. એમાં ૩ પ્રકારનાં મન:સંકલેશ, વચન સંકલેશ, અને કાયસંકલેશ છે. મન:સંકલેશ એટલે મનની, વિચારોની અસ્વસ્થતા, વિહવળતા, ઉગ્રતા, અવિચારીપણું પ્રમાદ વગેરે. કાયસંકલેશ એટલે કાયા-ઇન્દ્રિયો-અવયવોની અસ્વસ્થતા, ઉકળાટ, મદમત્તતા, પ્રમાદ વગેરે.
બીજા 3 પ્રકારમાં જ્ઞાનાદિ ત્રણનો સંકલેશ છે. એ જ્ઞાનાદિ વિશુદ્ધિથી તદ્દન વિપરીત છે. જ્ઞાનસંકલેશ એટલે જ્ઞાન અને જ્ઞાનના આઠ આચારોની વિરાધના, જ્ઞાનનો મદ, જ્ઞાન પર અરુચિ વગેરે. દર્શન સંકલેશમાં દર્શન અને એના આચારોની વિરાધના આવે; દા.ત. શંકા, કાંક્ષા વગેરે. ચારિત્ર સંકલેશમાં ચારિત્ર અને એના વિવિધ અંગ, વિવિધ આચારની વિરાધના આવે,
બાકી ૪ પ્રકારમાં, ઉપધિસંકલેશ, ઉપાશ્રયસંકલેશ, ભક્ત સંકલેશ અને કષાયસંકલેશ છે. ઉપધિ સંકલેશ વસ્ત્ર, પાત્રાદિ ચારિત્રજીવનના ઉપયોગી ઉપકરણ અંગે ચિત્તસંકલેશ, વ્યગ્રતા-વ્યાકુળતા, રગડો-ઝગડો આવે. ઉપાશ્રયસંકલેશમાં જે મુકામમાં ઉતર્યા કે ઉતરવાનું હોય તે અંતે ચિતવિહવળતા વગેરે આવે. દા.ત.‘આવી બહુ ધામવાળી કે ઠંડી લાગે એવી વસતિ ક્યાં મળી !' એમ મુકામ સંબંધમાં કલેશ-કલહ વગેરે થાય તે. ભક્તસંકલેશ, એટલે આહાર-પાણી અંગે સંકલ્પ-વિકલ્પ કરવામાં આવે, વ્યગ્રતા-વિહવળતા, રગડો-ઝગડો કરાય વગેરે. કષાયસંકલેશ એટલે કોઇ ને કોઇ કષાય-નોકષાયનો સ્વભાવ બન્યો રખાય, એમજ તેવા વિચારો કરી કરી મનમાં કષાયની ઉદીરણા કરાય....વગેરે.
Page 108 of 211