________________
શુદ્ધ સમ્યક્ત્વની પ્રભા પડેલી છે, તે ભવી આત્મા જિન પ્રભુના મંદિરમાં મોટી દશ આશાતનાને છોડી દે છે. તે જિનાલયમાં તાંબૂલ કે બીજી ખાવાની વસ્તુઓ ખાતો નથી. જલ વગેરે પ્રવાહી પદાથાનું પાન કરતો નથી. ભોજન લેતો નથી. મંદિરની અંદર ઉપાનહ વગેરે લાવતો નથી. કોઇ જાતના વિષયનું સેવન કરતો નથી, શયન કરતો નથી. દીર્ધશંકા, લઘુશંકા કરતો નથી. કોઇ ભાગમાં થુંકતો નથી અને જુગારની કોઇજાતની ૨મત રમતો નથી, આ દશ મોટી આશાતનાની સાથે યથાશક્તિ બીજી નાની ચોરાશી આશાતનાનો પણ તે ત્યાગ કરે છે. જેના હૃદયમાં સમ્યક્ત્વનો પ્રકાશ પડેલો છે એવો પુરૂષ શરીરે આરોગ્ય હોય તો બે ઘડી દિવસ ચડે ત્યાંસુધી નમસ્કાર સહિત ચાર આહારનું પ્રત્યાખ્યાન કરે છે અને રાત્રે દુવિહાર પ્રત્યાખ્યાન કરે છે, જો રોગાદિકના કારણથી ન થઇ શકે તો તે આગાર ગણાય છે. ભદ્ર મુમુક્ષુ, જેના પવિત્ર હૃદય ઉપર સમ્યક્ત્વનું તેજ પ્રસર્યું હોય તે પુરૂષ કેટલાએક સ્વોપયોગી અને લોકોપયોગી નિયમો ધારણ કરે છે. તે માસ, ચાર માસ, છ માસ, કે વર્ષ સુધી પ્રભુને અમુક પુષ્પો ચડાવવાનો, અમુક ઘી અર્પવાનો, અમુક અંગકૂંહણાં કરવાનો નિયમ ગ્રહણ કરે છે, તે સાથે કેશર, ચંદન, બરાસ, કપૂર, ધૂપ, અક્ષત, નૈવેદ્ય વગેરે અને ફલપૂજાની સામગ્રીના અમુક પ્રમાણના સંકલ્પ કરે છે. પ્રતિવર્ષ અષ્ટ પ્રકારી અને સત્તર ભેદી પુજાઓ રચવાના જૂદા જૂદા નિયમો ધારણ કરે છે. તે સિવાય કેટલાએક પ્રભુભક્તિને અંગે જપમાલા, ધ્યાન પ્રમુખ માનસિક પૂજાના નિયમો ગ્રહણ કરે છે અને તે પ્રમાણે દ્રઢતાથી વર્તે છે. ભદ્ર, સમ્યક્ત્વથી અલંકૃત થયેલો પુરૂષ પોતાની લક્ષ્મીનો એવો સદુપયોગ કરે છે કે જેથી તે ઉભયલોકના કાર્યો સાધે છે. સાતક્ષેત્રોની ઉન્નતિમાં તેનું દ્રવ્ય ઉદારતાથી ખર્ચાય છે અને તે સાથે તેને કીર્તિનો લોભ રહેતો નથી. તેમાં ખાસ કરીને જ્ઞાનની ઉન્નતિ અને પોતાના સાધર્મબંધુઓનો ઉત્કર્ષ કરવામાં તે છૂટે હાથે દ્રવ્યનો વ્યય કરે છે જો પોતાની પાસે દ્રવ્યનો યોગ ન હોય તો બીજાની પાસે દ્રવ્ય વ્યય કરાવે છે અને તેમ કરનારાઓને પૂર્ણ અનુમોદન આપે છે અને માનુષ્ય જીવનની સફળતા થવાના જેટલા કાર્યો છે, તેમને આચરવા યથાશક્તિ પ્રયત્ન કરે છે.
આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષુના માનસમંદિરમાં કોઇ વિલક્ષણ આભાસ થઇ આવ્યો. તેનું હૃદય નિઃશંક થવાથી તેમાં શ્રદ્ઘા અને આસ્તાનું એટલું બધું બળ વધ્યું કે જેથી તે સર્વ પ્રકારે હર્ષમય બની ગયો અને આનંદ ઉદધિના કલ્લોલમાં તરવા લાગ્યો. તેણે સહર્ષવદને જણાવ્યું- “મહાનુભાવ, સમ્યક્ત્વના સદગુણો સાંભળી હૃદય આનંદમય બની ગયું છે. ‘આ આત્મા એ સમ્યક્ત્વને ધારણ કરી જીવનના ઉત્તમ સુખનો અધિકારી થાય.’ એવી એવી ભાવનાઓ ભાવવામાં આવે છે. ધન્ય છે એ સમ્યક્ત્વ ધારીના જીવનને. ધન્ય છે એ પવિત્ર પ્રસાદીના પ્રભાવને. હૃદય નિઃશંક થયું છે, તથાપિ એક જિજ્ઞાસા પ્રગટ થઇ આવી છે. આપ મહાનુભાવે જે સમ્યક્ત્વને વર્ણવી બતાવ્યું, તે સમ્યક્ત્વના કાંઇપણ અતિચાર હશે કે નહિ ? જો હોય તો તે જાણવાની ઇચ્છા છે. નિરતિચાર સમ્યકત્વનો પ્રભાવ અનિર્વચનીય હશે.” આનંદસૂરિ સંતુષ્ટ થઇને બોલ્યા“ભદ્ર, એ સમ્યક્ત્વના પાંચ અતિચાર છે. તેઓમાં પ્રથમ શંકા અતિચાર છે. જિન પ્રભુની વાણીમાં કોઇ જાતની શંકા લાવવી એ પ્રથમાતિચાર છે. શુધ્ધ પવિત્ર પુરૂષે એ શંકાના અતિચારનો ત્યાગ કરવો જોઇએ. નિસ્પૃહ અને સમદ્રષ્ટિ એવા અર્હતપ્રભુએ જે પ્રરૂપણા કરેલી છે, તે સર્વ રીતે સત્ય છે, તેમાં કોઇ જાતની શંકા લાવવી ન જોઇએ. કદિપણ તેમાં શંકાને અવકાશ મળવોજ ન જોઇએ. બીજો, અતિચાર આકાંક્ષા છે. અન્ય ધર્મના અજ્ઞાન કષ્ટ દેખી તેમજ કોઇ ચમત્કારો કે ભભકો જોઇ તે તરફ આકાંક્ષા કરવી એ બીજો અતિચાર છે. બીજા ધર્મના
Page 195 of 197