________________
આનંદ મુનિએ કહ્યું “વત્સ, ખુશીથી તે શંકાને પ્રગટ કર. હું યથાશક્તિ તારા હૃદયનું સમાધાન કરીશ.”
મુમુક્ષુએ ઇંતેજારીથી કહ્યું, “ભગવન, પ્રથમ સમ્યકત્વ શી રીતે ઉત્પન્ન થાય? તે કૃપા કરી સમજાવો. તે જાણવાથી સમ્યદ્રષ્ટિનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવશે.”
સૂરિવરે સત્વરે જણાવ્યું, “ભદ્ર, શ્રી સર્વજ્ઞ પ્રભુએ પ્રરૂપેલા તત્ત્વોમાં-જીવાદિ પદાર્થોમાં રૂચિ એટલે અતિ નિર્મળ ગુણાત્મક રૂપ સ્વભાવ ઉત્પન્ન થાય છે તે સમ્યત્વ કહેવાય છે. તે સ્વભાવથી અથવા ગુરૂના ઉપદેશને સાંભળવાથી ઉત્પન્ન થાય છે. જ્યારે એ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે એ જીવાત્મા ઉચ્ચ કોટિમાં આવે છે અને તેની અંદર અવિરતિ સમ્યદ્રષ્ટિપણું ઉત્પન્ન થાય છે. જેના ઉદયથી અપ્રત્યાખ્યાન એવા ક્રોધ, માન, માયા અને લોભ રહેલા છે, અને જેના ઉદયથી વિરતિપણું દૂર રહ્યું છે અને કેવળ સમ્યક્ત્વ માત્ર હોય એવા જીવને ચોથું અવિરતિ સમ્યદ્રષ્ટિગુણસ્થાનક હોય-એટલે તેવા જીવો આ ચોથા પગથીઆ પર ચડવાના અધિકારી છે. એ જીવ પોતાનામાં રહેલ અવિરતિપણાને પોતાના નઠારા કર્મનું ફળ જાણે છે અને વિરતિના સુંદર સુખની અભિલાષા પણ કરે છે. પરંતુ બીજા કષાયના બંધનથી છુટા થવાની હિંમત તે કરી શકતો નથી, તેથી તે ચોથા અવિરતિસમ્યદ્રષ્ટિગુણસ્થાનનો અનુભવ કરે છે.”
મુમુક્ષુએ નમ્રતાથી પ્રશ્ન કર્યો. “ભગવનું, આપ જે સમજૂતી આપો છો, તે વિષે કોઈ ઉપનય યુક્ત દ્રષ્ટાંત કહેવાનો કૃપા કરો, જેથી મને વિશેષ સમજૂતી પડે.”
આનંદસૂરિ અંગમાં ઉમંગ લાવીને બોલ્યા- “ભદ્ર, તે ઉપર એક વામકર્માનું દ્રષ્ટાંત છે, તે સાવધાન થઈ શ્રવણ કર. “મણિપુર નામના એક નગરમાં વામકર્મા નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને પવિત્ર હૃદયા એક સ્ત્રી હતી. તે સ્ત્રી સદ્ગુણોથી અલંક્ત અને વિનયથી વિભૂષિત હતી.”
વામકર્માનો પિતા એક સારો કુલવાન અને પ્રતિષ્ઠિત હતો. તે પોતાના પુત્ર વામકર્માને વિવાહિત કરી મૃત્યુ પામ્યો હતો. જયારે પિતાનું મૃત્યુ થયેલું ત્યારે વામકર્મા સોળ વર્ષનો હતો. પિતાના મરણથી વામકર્મા ગૃહરાજયનો મુખત્યાર બન્યો હતો તે પછી થોડા જ વર્ષમાં વામકર્માની માતા સુરમણિનો પણ સ્વર્ગવાસ થયો હતો. સુરમણિએ મરણ સમયે પોતાના પુત્ર વામકર્માને ઉત્તમ પ્રકારની શિખામણ આપી હતી. તેણીએ આજીજી સાથે કહ્યું હતું, કે “વત્સ, તું હવે ગૃહરાજયનો સ્વતંત્ર સ્વામી થયો છે. તારી ઉપર પિતાનો અંકુશ હવે રહ્યો નથી; તેથી તું આ સંસારમાં સારી રીતે વર્તજે. તું એક સારો કુલીન પુત્ર છે તે સાથે ધનાઢ્ય છે. ઉત્તમકુળ અને પુષ્કળ ધન એ ઉભય સાધનોથી તું આ વિશ્વમાં સારી કીર્તિ મેળવી શકીશ. જેવી રીતે તારા પિતાએ આ જગતમાં પ્રતિષ્ઠા મેળવી છે. તેવી રીતે તું પણ પ્રતિષ્ઠા મેળવજે અને ધર્મ, નીતિ, અન સદાચરણનું નિત્ય સેવન કરજે.”
આ પ્રમાણે ઉત્તમ શિક્ષણ આપી તેની માતા મરણ પામી હતી અને તેના પુત્ર વામકર્માએ તેણીની ઉત્તરક્રિયા સારી રીતે કરી હતી.
માતાપિતાનો વિયોગ થયા પછી વામકર્મા પોતાની સ્ત્રી સાથે ગૃહાવાસમાં રહેતો હતો અને પોતાના ગૃહવૈભવનું ઉત્તમ સુખ સંપાદન કરતો હતો.
વામકર્માના પડોશમાં એક કર્મદાસ નામે મણિકાર રહેતો હતો. તે દુર્વ્યસની હતો. તે ધૂત અને ચોરીના કામ કરતો અને તેમાંથી મળેલા દ્રવ્ય વડે પોતાનો નિર્વાહ ચલાવતો હતો. એક વખતે કર્મદાસના મનમાં વિચાર
Page 188 of 197