________________
ખમાસમણ દઇને અને સામાયિકમાં બેસવું પડે તો બેસવાની છુટ માટે આદેશ માંગીને રજા લે છે એટલે બેસણે સંદિસાહુનો આદેશ માંગે છે પછી પાછું ખમાસમણ દઇને બેસણે ઠાઉંનો આદેશ માંગે છે. એટલે ગુરૂ ભગવંત બેસવું પડે તો બેસવાની છુટ આપે છે એના પછી સામાયિકમાં પોતાને જે કરવાનું છે એ કર્તવ્યનો પુરૂષાર્થ કરવા માટે એટલે કે સામાયિકમાં હું સ્વાધ્યાય કરીશ માટે સ્વાધ્યાય કરવાના આદેશ માંગે છે એટલે ખમાસમણ દઇને સજ્ઝાય સંદિસાહુનો આદેશ માંગે છે પછી ફરીથી ખમાસમણ દઇને સજ્ઝાય કરુંનો આદેશ માંગે છે તે વખતે ગુરૂભગવંત “કરેહ” કહે છે. એટલે કે વિર્યોલ્લાસપૂર્વક જ્યાં સુધી પ્રસન્નતા ટકે ત્યાં સુધી સ્વાધ્યાય કરો એમ આદેશ આપે છે એટલે શ્રાવક તે વખતે વિર્યોલ્લાસપૂર્વક મંગલ સ્વાધ્યાયની શરૂઆત કરવા ઉલ્લાસપૂર્વક ત્રણ નવકાર ગણે છે.
આ રીતે સાંજે પ્રતિક્રમણ વખતે સામાયિક લીધા પછી પચ્ચક્ખાણ કરવાની વિધિ માટે ખમાસમણ દઇને મુહપત્તિના પડિલેહણનો આદેશ માંગે છે અને એ મુહપત્તિનું પડિલેહણ કરીને જે ગુરૂભગવંત પાસે પાપની આલોચના કરીને પાપનો મિચ્છામિ દુક્કડં દઇને પાપથી પાછા ફરવાનું મન થયું છે તેમને બે વાંદણા લઇને વંદન કરે છે એમાં જો ચોવિહાર ઉપવાસ કરેલો હોય તો મુહુપત્તિને વાંદણા એને લેવાના હોતા નથી. ઉપવાસમાં જો પાણી વાપરેલું હોય તો મુહપત્તિનું પડિલેહણ એકલુંજ કરવાનું હોય છે. આ રીતે જે જીવોએ આહારનો ઉપયોગ કરેલો હોય એ આહારના ત્યાગ માટે ગુરૂ ભગવંતની પાસે મુહપત્તિ ને બે વાંદણા દઇને વંદન કરવાનો વિધિ છે બે વાંદણા પૂર્ણ થાય એટલે ગુરૂ ભગવંત પાસે પચ્ચક્ખાણનો આદેશ માંગે છે.
ગુરૂ ભગવંત પાસે પચ્ચક્ખાણ કર્યા પછી ગુરૂ ભગવંતની સાથે પ્રતિક્રમણની શરૂઆત કરે છે. આખા દિવસમાં થયેલા પાપથી પાછા ફરવા માટે એ પાપનો “મિચ્છામિ દુક્કડમ્” દેવા માટે મંગલ રૂપે સૌથી પહેલા ઉપકારી એવા તીર્થંકર પરમાત્માઓને સ્તુતિ રૂપે દેવવંદનની શરૂઆત કરે છે એમા ચૈત્યવંદન કર્યા બાદ પહેલા એક નવકારનો કાઉસગ્ગ કોઇપણ એક તીર્થંકરની સ્તવના રૂપે છે અથવા કોઇપણ તીર્થની સ્તવના રૂપે એ કાઉસગ્ગ કહેલો છે ત્યાર પછી બીજા નવકારના કાઉસગ્ગ ૨૪ તીર્થંકર પરમાત્માઓ એમના ભવોની વિચારણા એમણે જે રીતે સંયમ લીધું એ સંયમની વિચારણા એમાં ચોવીસે તીર્થંકર પરમાત્માઓ જેવા ભાવથી રહ્યા એવો ભાવ આપણા અંતરમાં સ્થિર રૂપે રહે એ છેલ્લા ભવની વિચારણા એની સ્તવના રૂપે એ કાઉસગ્ગ કહેલો છે. ત્રીજો એક નવકારનો કાઉસગ્ગ તીર્થંકર પરમાત્માઓ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી તીર્થંકર નામકર્મ ખપાવવા માટે જે રીતે વાણીનો ધોધ વહેવડાવે છે એ વાણીના શબ્દોની સ્તુતિ રૂપે એમની સ્તવના થાય છે આથી એ વાણી કેવા પ્રકારની છે એ વાણીના શબ્દો કઇ કઇ રીતે જગતને વિષે ફ્લાયેલા છે અને એ વાણીના શબ્દો ભવ્ય જીવોને કેવી કેવી રીતે ઉપકાર રૂપે બનેલા છે એની સ્તવના રૂપે અથવા શ્રુતજ્ઞાનની આરાધના માટે આ ત્રીજો કાઉસગ્ગ કરવાનું વિધાન છે. ચોથો એક નવકારનો કાઉસગ્ગ તીર્થંકર પરમાત્માઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે જે તીર્થની સ્થાપના કરે છે એ તીર્થરૂપી શાસન-એની પ્રભાવના-એની ઉન્નતિ અને એ શાસનથી અનેક ભવ્ય જીવો પોતાના આત્માનું કલ્યાણ સારી રીતે નિર્વિઘ્નપણે કરતા કરતા પોતાનું જીવન જીવતા થાય એ હેતુથી દરેક તીર્થંકરના શાસનની રક્ષા અને પ્રભાવના કરનારા યક્ષ અને યક્ષિણી દેવો કે જે ભગવાનની વાણીના શબ્દોથી અધિષ્ઠિત થયેલા છે એ શાસન દેવો પાપની આલોચના કરવામાં મને સહાયભૂત થાઓ અને પાપોનો નાશ કરીને ફરીથી એવા પાપો કરવાની ભાવના ન થાય એવી શક્તિ આપો એ મારે શાસન દેવતાનો કાઉસગ્ગ કરાય છે.
Page 57 of 67