________________
ચોવીશ તીર્થંકર પરમાત્માઓની સ્તવના જીવ જેમ જેમ કરતો જાય તેમ તેમ આત્મા સંવરમાં વિશેષ રીતે આગળ વધતો જાય છે કારણકે ચોવીશે તીર્થંકર પરમાત્માઓની મન, વચન, કાયાની એકાગ્રતાથી એટલે કે મનથી એ સ્તવનના શબ્દોમાં એકાકાર થતો જાય છે. વચનથી ઉલ્લાસપૂર્વક સ્તવનાના શબ્દો બોલતો જાય અને કાયાથી હાથ જોડીને મસ્તક નમાવીને ઉપકારી પ્રત્યે બહુમાન અને આદરભાવ કરતો જાય છે. આ રીતે સ્તવના કરતા મનમાં અશુભ વિચારો ચાલતા હતા અને અશુભ વિચારોનું આવવું થતું હતું તે રોકાઇ જાય છે એટલે કે અનુકૂળ પદાર્થોના રાગના વિચારો તથા પ્રતિકૂળ પદાર્થોના દ્વેષના વિચારો મનમાં ચાલતા હતા એનાથી જે કર્મોનું આવવું થતું હતુ એ વિચારો અને કર્મોનું આવવું એ બન્નેનું રોકાણ થતું હોવાથી આત્મા સંવરમાં ઉપસ્થિત થતો જાય છે.
નિકાચીત અને અનુબંધવાળા કર્મોથી બચાવવાની ક્રિયા જૈન શાસનમાં અદ્ભુત છે.
પ્રતિક્રમણ નામનું આવશ્યક પણ સંવર રૂપે ગણાય છે. કારણકે વર્તમાનમાં થયેલા પાપોથી નિવૃત્તિ પેદા કરવામાં પ્રતિક્રમણ નામનું આવશ્યક ઉપયોગી બને છે એટલે કે જો એ પાપથી પાછા ફરવાના વિચારમાં ન હોય અને પ્રતિક્રમણ નામનું આવશ્યક કરે નહિ તો એ કાળમાં મન, વચન, કાયાથી જે પાપની પ્રવૃત્તિ થતી હતી અર્થાત્ થતી હોય એ પ્રવૃત્તિ કર્યા વગરનો જીવ રહેવાનો નથી આથી એ પાપના ભાવોથી પાછા ફરવા માટે એ આત્મા એટલા સમય સુધી પ્રતિક્રમણમાં હોય અને ઉપયોગ પૂર્વક પ્રતિક્રમણ કરતો હોય તો એટલા સમય સુધી જે પાપ થવાના હતા તે પાપથી પાછો ફરતો હોવાથી પ્રતિક્રમણ આવશ્યકને સંવરની ક્રિયા રૂપે કહેવાય છે.
આ ત્રણે આવશ્યકના સમયમાં રહેલા જીવને એટલા સમય સુધી અશુભ કર્મો રસ તીવ્ર રસે બંધાતા હતા તે અટકી જાય છે અને મંદરસે બંધાય છે એજ સંવર કહેવાય છે અને એ સંવરની શરૂઆત થતાં જીવને આત્મિક ગુણો પેદા કરવાની જિજ્ઞાસા પેદા થતી જાય છે.
ધર્મક્રિયા કરતા કેવા ભાવ રહે છે તમારો રાગ મંદ થતો દેખાય છે ?
સંસાર નથી છૂટતો કાંઇ વાંધો નહિ પણ સંસારિક પ્રવૃત્તિ કરતા અશુભ કર્મોનો રસ તીવ્ર ન બંધાય તેમ આત્માને સજાગ રાખીને એટલે સાવધ રાખીને જીવન જીવવા પ્રયત્ન કરો છો ? આ કાળમાં આટલો જ સંવર જીવોને થઇ શકે છે અશુભ પ્રકૃતિનો તીવ્રરસ ન બંધાય એવો સંસ્કાર આત્મામાં પડી જાય તો મનુષ્ય જન્મનો ઉધ્ધાર થઇ જાય એટલે મનુષ્ય જન્મ સફ્ળ થઇ જાય માટે જ જ્ઞાની ભગવંતોએ આ ત્રણ આવશ્યકને સંવર રૂપે કહેલા છે.
વંદન આવશ્યક - નિર્જરા કરવામાં સહાયભૂત થાય છે માટે નિર્જરા રૂપે કહેલું છે. કારણકે જેમને વંદન કરે છે એ આત્માઓ સાવધ રૂપ આશ્રવોથી સંપૂર્ણ ત્યાગી થયેલા છે આથી પોતાના આત્માને સાવધ વ્યાપારોનો સંપૂર્ણ ત્યાગ કરવાની શક્તિ આવે. એ શક્તિ પેદા કરીને હું પણ મારૂં જીવન સારી રીતે નિરવધ વ્યાપારવાળું કરતો થાઉં એવી ભાવના રાખી વંદન કરતો હોય છે. માટે એ વંદન પૂર્વે બંધાયેલા સત્તામાં રહેલા ચારિત્ર મોહનીય કર્મને નાશ કરવામાં અથવા ક્ષય કરવામાં ઉપયોગી થાય છે.
સાધુ ભગવંતોને જોઇને એ આત્માઓને વંદન કરતા અંતરમાં એ ભાવ થાય છે કે આ આત્માઓ ચારિત્ર મોહનીય કર્મનો નાશ કરી પોતાના આત્માન કલ્યાણ કરી રહેલા છે માટે ધન્ય છે એમના જીવનને અને ધિક્કાર છે મારા જીવનને ! આ ભાવનાના બળે સાધુ ભગવંતોને વંદન કરવાનો વીર્યોલ્લાસ વધતો જાય છે માટે વંદનથી દર્શન મોહનીય કર્મનો તીવ્રરસ, મંદરસ રૂપે થતો જાય છે. ચારિત્ર મોહનીયનો
Page 40 of 67