________________
આથો એ નિશ્ચિત થાય છે કે- પૂર્વ ભવોના બંધાયેલા કર્મો રાગ દ્વેષના પરિણામથી બાંધેલા હોવા છતાં પણ એને ભોગવતી વખતે વૈરાગ્ય નામનો ગુણ રાગ દ્વેષ રહિત ભોગવટો કરાવવામાં સહાયભૂત થાય છે કે જેના કારણે રાગદ્વેષના ઉદયકાળમાં આ રીતે કર્મનો ભોગવટો જીવ કરતો જાય તો નવા કર્મો ફરીથી રાગ દ્વેષ પૂર્વક ભોગવવા પડે એવા બંધાતા નથી.
૭ રજ અને મલથી રહિત થયેલાની પૂજા, સ્તવના શા માટે આપણે કરીએ છીએ મને શક્તિ આપો કે હું પણ રજ અને મલથી રહિત થાઉં આવી માંગણી રજ મલથી રહિત એવા પરમાત્માની સ્તવના કરતા આપણે માગણી કરવાની છે. રજ નો બીજો અર્થ
રજ એટલે પૂર્વે બંધાયેલા કર્મો તેને રજ કહેવાય છે. પહેલા અર્થમાં વર્તમાનમાં બંધાતા કર્મોને રજ કહેલા. આ બીજો અર્થ છે. તીર્થંકરના આત્માઓ પહેલા ગુણસ્થાનકથી શરૂ કરીને સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તપણું પ્રાપ્ત કરી કર્મોનો બંધ જે કરે છે તે મોટેભાગે જન્મ મરણની પરંપરા ન વધે એવી રીતે કર્મબંધ થયા કરે છે. એમાં કોઇ કોઇક તીર્થંકરો પહેલા ગુણસ્થાનકે વારંવાર મિથ્યાત્વ મોહનીય કર્મ નિકાચીત રૂપે બાંધતા જાય છે તે બાંધેલું નિકાચીત મિથ્યાત્વ કર્મ સમકીત પામ્યા પછી ઉદયમાં આવે છે પણ મિથ્યાત્વની હાજરીમાં નિકાચીત રૂપે બાંધેલું હોવા છતાં સમકીતને બાધક બનતું નથી અને સમકીત પામ્યા પછી એ જ નિકાચીત મિથ્યાત્વનો ઉદય પૂર્વે બંધાયેલો સત્તામાં છે તે ઉદયમાં આવીને સમકીતથી પડવામાં સહાયભૂત થાય છે. તીર્થંકરના આત્માઓને પૂર્વે બંધાયેલા કર્મો મોટેભાગે ઉદયમાં આવીને ભોગવાઇને નાશ પામે એવા હોય છે એને રજ કહેવાય છે.
મલ = પૂર્વે બંધાયેલા કર્મોમાં તીર્થંકરના આત્માઓને પણ, કેટલાક તીર્થંકરોને દર્શન મોહનીય કર્મ અનિકાચીત રૂપે બંધાયેલું હોય છે અને ચારિત્ર મોહનીય કર્મ નિકાચીત રૂપે બંધાયેલું હોય છે કે જેના પ્રતાપે સમકીતની હાજરીમાં તીર્થંકર નામકર્મની નિકાચના કરી શકે છે પણ એ ભવમાં ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી. જેમકે શ્રેણિક મહારાજા. આથી બંધાયેલા નિકાચીત કર્મો સત્તામાં રહેલા હોય તેને મલ કહેવાય છે. જ્યારે તીર્થંકરના આત્માઓ ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરે ત્યારે અનિકાચીત કર્મો જેમ નાશ પામે છે તેમ નિકાચીત કર્મોનો પણ નાશ કરી શકે છે આથી રજ અને મલ બન્ને પ્રકારના સંપૂર્ણ કર્મોથી રહિત થઇને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એવા ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારા પર પ્રસન્ન થાઓ. રજનો ત્રીજો અર્થ.
ઇર્યાપથિકી ક્રિયાથી થતો કર્મબંધ તેને રજ કહેવાય છે.
પહેલા ગુણસ્થાનકે રહેલા આત્માઓ મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ દ્વારા કર્મબંધ કરે છે. બેથી પાંચ ગુણસ્થાનકમાં રહેલા આત્માઓ અવિરતિ કષાય યોગ દ્વારા કર્મબંધ કરે છે. છ થી દશ ગુણસ્થાનકમાં રહેલા જીવો કષાય અને યોગ દ્વારા કર્મબંધ કરે છે. અગ્યારથી તેર ગુણસ્થાનકમાં રહેલા જીવો એક યોગથી જ કર્મબંધ કરે છે. યોગથી જે કર્મબંધ થતા હોય તે કર્મબંધને ઇર્યાપથિકિ ક્રિયા રૂપે કર્મબંધ કહેવાય છે. આ ઇર્યાપથિકિથી જે કર્મબંધ થાય એને રજ કહેવાય છે.
મલ = કષાયથી થતો કર્મબંધ તે મલ કહેવાય છે એટલે કે એકથી દશ ગુણસ્થાનકમાં રહેલા જીવો જે કર્મબંધ કરે છે તે કર્મબંધને મલ કહેવાય છે.
Page 56 of 75