________________
સંકલ્પ-વિકલ્પ શમાવવાનું લક્ષ્ય પણ ન બંધાયું હોય તો એ માટેનો પ્રયત્ન તો થાય જ શાનો ?
આપણે જોઈ ચૂકયા છીએ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને સમત્વના વિકાસ અર્થે ધ્યાનાભ્યાસ જરૂરી છે. માટે, મુમુક્ષુએ બાહ્ય તપ-ત્યાગ-વ્રત-નિયમ અને કર્મકાંડમાં ઈતિશ્રી ન માની લેતાં, પોતાની ધર્મારાધનામાં ધ્યાનાભ્યાસને પણ સ્થાન આપવું જોઈએ.
ધ્યાનાભ્યાસમાં પ્રારંભનું લક્ષ્ય એ હોય છે કે ચિત્તને એક વિષય પર કેન્દ્રિત રાખવાની ક્ષમતા પ્રાપ્ત કરવી; અર્થાત્ ધ્યાનાર્થીએ પ્રથમ તો ચિત્તને એકાગ્ર કરવાનો મહાવરો પાડવો જોઈએ. યોગની પરિભાષામાં એને ધારણાનો અભ્યાસ કહે છે.
ચિત્ર, મૂર્તિ, ધ્વનિ કે કોઈ વિચાર કે ભાવનું અવલંબન લઈ, મનમાં અન્ય આડાઅવળા વિચારો કે સંકલ્પવિકલ્પ ઊઠવા ન દેતાં, એને એક જ વિષયમાં પરોવવું એનું નામ ધારણા.
એ અભ્યાસથી ક્રમશઃ એકાગ્રતા સધાતાં, ચિત્તની ચંચળતા ઘટે, અને ચિત્તવૃત્તિ સહજ રીતે ધ્યેય તરફ પ્રવાહિત રહે ત્યારે ધ્યાન લાગ્યું ગણાય. ધ્યેય સિવાયના બધા વિચારો એ અવસ્થામાં ચિત્તમાંથી હટી ગયા હોય છે અને ધ્યેય જ ચિત્તમાં રમી રહ્યું હોય છે. કિંતુ, ધ્યેય અને ધ્યાતાનો ભેદ અહીં રહે છે, જ્યારે એ પછીની સમાધિ અવસ્થામાં શાતા-શેય, દ્રષ્ટા-દ્દશ્ય વચ્ચેનો ભેદ પણ શમી જાય છે.
આ ત્રણ-ધારણા, ધ્યાન તથા સમાધિયોગનાં અંતરંગ સાધન છે; અને વ્રત, નિયમ, પૂજા, પાઠ, સ્વાધ્યાય આદિ તેનાં બહિરંગ સાધન છે.