________________
ત્યાગી વર્ગનાં આરાધક ભાવવાળાં સાધકોને પોતાની સાધનામાં રહેતી તપની, શાસ્ત્રાધ્યયનની કે ક્રિયાકાંડની ઊણપ ખટકે છે-શાસ્ત્રાધ્યયન ઓછું થયું હોય તો એને કંઈક ન્યૂનતા લાગે છે, ઉપવાસાદિ બાહ્ય તપ ન થઈ શકતું હોય તો એ ખેદ અનુભવે છે, ક્રિયામાં રહેતી ઊણપ કે સ્ખલના એને ખૂંચે છે; પરંતુ વર્ષોનો દીક્ષાપર્યાય થવા છતાં ધ્યાનમાં પ્રવેશ કે પ્રગતિ ન થઈ શકયાં એનો રંજ આરાધક રુચિવાળાં એ સાધુસાધ્વીઓમાંયે બહુધા દેખાતો નથી !
ન
ધર્મક્રિયાઓ ઉપયોગશૂન્યપણે-ભટકતા ચિત્તે જ-થતી રહે તો એ ધર્મક્રિયા મોક્ષસાધક બનતી નથી એ સાવધાની આપણા પૂર્વાચાર્યોએ શાસ્ત્રગ્રંથોમાં ઠેર ઠેર ઉચ્ચારી છે. પ્રતિક્રમણ-હેતુ-ગર્ભિતસજઝાયમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સંક્ષેપમાં પણ અસંદિગ્ધ શબ્દોમાં ‘શુદ્ધ ગુજરાતી'માં – આ વાત કરતાં ગાયું છે કે, વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યું જાય; મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય.
-ઢાળ ૧૧, ગાથા ૪. પણ મોટે ભાગે આજની આપણી ધર્મક્રિયાઓ ચંચળ ચિત્તે કે શૂન્યમનસ્કપણે જ થતી રહે છે, છતાં આપણે ભ્રમમાં રહીએ છીએ કે આપણે મુકિત તરફ જઈ રહ્યા છીએ.
પૂજા, પ્રતિક્રમણ, સામાયિક આદિ ધર્મક્રિયાઓ નિજ ભાન જગાડીને સ્વમાં પાછા ફરવા માટેની કેડીઓ છે પણ આપણે એ બધુ ઔપચારિક રીતે કરતા રહીએ છીએ; એના દ્વારા કયાંક પહોંચવાનું છે એ ભૂલીને એમાં જ અટવાતા ફરીએ છીએ. ચિત્તમાં ઊભરાતા સંકલ્પવિકલ્પને શમાવવા માટે સભાન પ્રયત્ન કરવાનું આપણને સૂઝતું નથી.
८