________________
ત્રાટક :
ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા કેટલાક યોગસાધકો ત્રાટકનું આલંબન પણ લે છે. આંખની કીકી અને મનની ગતિને કંઈક સંબંધ છે. ઊંઘતા માણસની કીકી જુઓ, તે સ્થિર હશે. જો તે ફરતી દેખાય તો સમજવું કે નિદ્રાધીન વ્યકિત ગાઢ ઊંઘમાં નથી, પણ એનું મન ગતિમાં છે; અર્થાત્ તે સ્વપ્ન જુએ છે. બીજી બાજુ, કોઈ એક વિચારમાં મગ્ન માણસની આંખ જોશો તે તે સ્થિર જણાશે.
જૈન સાધનાપ્રણાલીમાં દૈનિક ક્રિયાઓમાં અનેક વાર કરાતા કાયોત્સર્ગમાં પચીસ, સો કે તેથી વધુ શ્વાસોચ્છવાસ સુધીની તેની પૂરી સમયમર્યાદા સુધી દષ્ટિ નાકના અગ્રભાગ ઉપર રાખવાનું વિધાન છે. તેનો હેતુ એના દ્વારા ચિત્તસ્થિરતામાં મદદ મેળવવાનો છે.
ત્રાટક વડે સાધકના પ્રાણની ગતિ મંદ પડે છે, અને મન અને પ્રાણ પરસ્પર સંકળાયેલાં હોવાથી, પ્રાણની ગતિ મંદ પડતાં, મનની દોટ આપોઆપ મંદ પડે છે. આથી રૂપી ધ્યાનની એક પ્રક્રિયામાં મુખ્યતઃ કેવળ ત્રાટકનો જ આધાર લેવાય છે. બારમી ભિક્ષુપ્રતિમા વગેરે વિશિષ્ટ સાધનાઓના શાસ્ત્રોકત ઉલ્લેખો જોતાં સમજાય છે કે પૂર્વે મુનિઓ દીર્ધકાળ સુધી ત્રાટક કરવાની ક્ષમતા મેળવતા.
ત્રાટકથી ચિત્તસ્થિરતામાં મદદ મળે છે, પણ તેનાં કેટલાંક ભયસ્થાનો પણ છે. માટે, ચિત્તને સ્થિર કરવા ઈચ્છતા પ્રારંભિક અભ્યાસીએ, સીધોજ ત્રાટકનો અભ્યાસ કરવા કરતાં પ્રથમ યમનિયમના આસેવનપૂર્વક જપ, શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ વગેરે પ્રક્રિયાઓના અભ્યાસ વડે ચિત્તને નિર્મળ અને કંઈક શાંત કરી લેવું હિતાવહ છે;
૨૫