________________
એને અનાહત નાદ કહે છે. અને નાદશ્રવણની આ પ્રક્રિયા નાદાનુસંધાન તરીકે ઓળખાય છે.
કેટલાક કહે છે કે ‘સંભળાતો અવાજ જેમ મોટો તેમ પ્રગતિ વધુ.' આ વિષયના પ્રાચીન ગ્રંથોમાંના કેટલાક આ વાતને સમર્થન આપે છે, તો કેટલાક એનાથી વિરુદ્ધ અભિપ્રાય ઉચ્ચારે છે. વર્તમાન કાળના સાધકોના અનુભવો જોતાં એમ લાગે છે કે ભિન્ન ભિન્ન પ્રકારના અવાજની સાથે પ્રગતિનું તારતમ્ય સાંકળી શકાય તેમ નથી. કેટલાકને પ્રારંભમાં મોટા અવાજ સંભળાઈ, પછી નાના અવાજ સંભળાય છે; તો કોઈને પ્રારંભમાં તમરાં અને નૃપુરઝંકાર જેવા ધ્વનિ સંભળાયા બાદ મોટા નાદ સંભળાય છે. આમ, વ્યકિતની પ્રકૃતિ અનુસાર, સંભળાતા ધ્વનિનો અનુભવ દરેકનો જુદો પડે છે. તેમ એવો પણ નિયમ નથી દેખાતો કે બધા સાધકોને નાદ ઉપર્યુકત ક્રમમાં સંભળાય. વળી, કોઈને સાગરનો આછો ઘુઘવાટ કે ઝરણાનો મરમર ધ્વનિ વગેરે, ઉપ૨ ગણાવ્યા તે સિવાયના, નાદ પણ સંભળાય છે. ચિત્ત કંઈક સ્થિર થતાં, કાનનાં છિદ્રો બંધ કર્યા વિના પણ, સાધક નાદ સાંભળી શકે છે; કેટલીક વાર બે કાનમાં ભિન્ન ભિન્ન પ્રકારના ધ્વનિ એકસાથે સંભળાય છે, તો કોઈ વાર એક કાનમાં પણ અનેક ધ્વનિઓ એકસાથે સંભળાય છે. એવું થાય ત્યારે જે ધ્વનિ વધુ સ્પષ્ટ અને સૂક્ષ્મ હોય તેની જ ધારણા કરી સાધકે પોતાનું સઘળું ધ્યાન એના શ્રવણમાં કેન્દ્રિત કરવું. એમ કરતાં ચિત્ત નાદમાં લીન બને છે. ચિત્તની દોડધામ શાંત કરવા માટે આ એક સરળ પ્રક્રિયા છે.