________________
શ્રી અનુપચંદ મલકચંદનું પાલીતાણાના પહાડ ઉપર સમાધિમરણ
1.
પરમકૃપાળુદેવ પ્રત્યે કરેલ સમાધિમરણની ભાવના ભરૂચના એક અનુપચંદભાઈ નામના વણિક ઘર્માત્મા જીવને પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક, વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્ભવેલી, પણ તેમનું પ્રવર્તન મતમતાંતરના આગ્રહવાળું જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિમરણની ભાવના જાગી. ત્યારે કોણ મને સમાધિમરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી. પણ કોઈ સાધુ, સાધ્વી કે શ્રાવક તેવા નજરે તેમના ગચ્છમાં જણાયા નહીં. પરંતુ પરમકૃપાળુદેવની અદભુત શક્તિનો કંઈક પરિચય તેમને થયેલો તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો છે તે પત્રાંક ૭૦૨ તેમજ પત્રાંક ૭૦૬ એ બન્ને પત્રો વારંવાર વાંચી બને તો મુખપાઠ કરવા ભલામણ છેજી. - બો. ભાગ-૩ (પૃ.૫૭૧)
સમાધિમરણની ભાવના પપૂ.પ્રભુશ્રીજીના હાથે ફળી એક દિવસે શ્રી અનુપચંદભાઈ પાલીતાણાના ગઢ ઉપર ચઢતા હતા. તે વખતે પ.પૂ. પ્રભુશ્રીજીનું ચોમાસું પાલીતાણામાં હતું. તેઓશ્રી ગઢ ઉપરથી દર્શન કરી નીચે ઊતરતા હતા. ત્યારે રસ્તામાં અનુપચંદભાઈને ચક્કર આવવાથી સાથેના ભાઈઓએ તેમને સુવડાવી દીધા. તેમની તબિયત અસ્વસ્થ જાણી પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું કે પરમકૃપાળુદેવે જણાવેલ વીસ દોહરા યાદ છે? ત્યારે તેમણે હા કહી. ત્યારે ૫.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું - તે બોલો. અનુપચંદભાઈ બોલ્યા. ફરી બોલો, ફરી બોલો, એમ ત્રણવાર બોલતા બોલતા જ તેમનો દેહ છૂટી ગયો. એમ પરમકૃપાળદેવ પ્રત્યે કરેલ સાચી સમાધિમરણની ભાવના ૫.પૂ. પ્રભુશ્રીજીના હાથે સફળ થઈ.
૩૭