________________
પાંચ ઇન્દ્રિયોને આત્માર્થે સવળી કરવી
પ્રભુશ્રીજી કહે-એક એક વિષયમાં જીવ પોતાના પ્રાણ ગુમાવે છે. પતંગિયુ આસક્તિને લઈને તેમાં પડી મરે. માછલી ખાવાના વિષયને લઈને કાંટામાં ભેરવાઈને પ્રાણ ગુમાવે. હરણ સાંભળવામાં તલ્લીન થઈને પકડાઈ જાય. ભ્રમર સુગંઘ લેવાને માટે કમળમાં બીડાઈ જઈ મરણ પામે. હાથી કૃત્રિમ હાથણીને જોઈ કામ વિષયને કારણે ખાડામાં પડી રીબાઈને મરે. એમ એક એક વિષયમાં આસક્ત જીવ પ્રાણ ગુમાવે તો આપણને પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત છે માટે સદા જાગૃત રહેવું. આંખને પ્રભુના દર્શનમાં લગાવવી, કાનને પ્રભુ ભજન સાંભળવામાં જોડવા, જીભને પ્રભુભજન ગાવામાં લગાડવી, કામદેવને વ્રતથી જીતવો. સુગંધ અને દુર્ગધને પુદ્ગલના પર્યાય જાણી સમભાવ રાખવો. તો જ આ મનુષ્યભવ સાર્થક થશે.
મોટાઈનું અભિમાન કરવા જેવું નથી.
પ્રભુશ્રી દ્રષ્ટાંત આપતા કે એક જંગલમાં એક સિંહ સૂતો હતો. તેના ઉપર એક ઉંદરે દોડાદોડ કરવા માંડી. તેથી તે જાગી ગયો અને ઉંદરને પંજામાં દાબી દીધો. મરણના ભયથી તે કરગરવા લાગ્યો. જેથી સિંહે તેને છોડી મૂક્યો. જતાં જતાં ઉંદર કહે મહારાજ તમે મને જીવિતદાન આપ્યું તેનો બદલો હું તમને વાળી આપીશ. સિંહને થયું કે હું વનનો રાજા અને આ એક નાનો ઉંદર મારો શું બદલો વાળી શકે. થોડા વખત પછી એક પારઘીએ જાળ નાખી સિંહને પકડી લીઘો. હવે તેનાથી છૂટી શકાય નહીં, ત્યાં તે ઉંદર ફરતા ફરતા આવી ચઢ્યો. તેને સિંહને જાળમાં ફસાયેલો જોયો તેથી તેના તીણા દાંત વડે તે જાળને કોતરી કોતરીને તોડી નાખી સિંહને છૂટો કરી દીધો. જીવિતદાનના બદલામાં સિંહને પણ ઉંદરે જીવિતદાન આપ્યું. પ્રભુશ્રી કહે-સમય આવ્યે નાનો પણ કામ આવે. મોટાઈનું કંઈ અભિમાન કરવા જેવું નથી.
૧૭૩