________________
શ્રી મોતીભાઈ ભગતજી
સીમરડા
(શ્રી આશાભાઈ ઈશ્વરભાઈએ તેમના વિષે જણાવેલ વિગતો) કહેવાતા સંતોના સંગથી સંતોષ નહીં
પૂ. મોતીભાઈ ભગતજી નાની વયથી વૈરાગ્યવાન હતા. તેમના હૃદયમાં કોઈ સદ્ગુરુ શોધી તેમની પાસે રહી ભક્તિ કરીએ તો ભગવાન મળે એવી ભાવના હતી. તેઓ સદાચરણી અને કોઈ પાપ ન સેવાય તેની પૂરી કાળજી રાખનાર વ્યક્તિ હતા. બે વખત ઘર છોડી ગુરુની શોધમાં નાસી ગયેલા પણ કુટુંબીઓ તેમને શોધી લાવ્યા. ગામમાં આવનાર ઘણા સંત મહાત્માઓનો સંગ કરે, ઉપદેશ સાંભળે, ધર્મ ચર્ચા કરે પણ સંતોષ થાય નહીં; તેઓમાં કંઈક ઉણપ જ જણાય.
પાછળ બેઠેલાનો એકડો ભરી લીધો
એક દિવસ સાંભળ્યું કે કાવિઠામાં કોઈ મહાત્મા આવ્યા છે અને તેમની વાણી સાંભળવા જેવી છે. તેથી પિતરાઈ ભાઈ કાશીભાઈ ત્રીકમભાઈને લઈ કાવિઠા આવ્યા. ત્યાં ઉપાશ્રયમાં પ.પૂ.પ્રભુશ્રીજીનો સ્વાધ્યાય ચાલતો હતો. ત્યાં જઈ પાછળ બેઠા. સ્વાધ્યાય પૂરો થયે કાવિઠાવાળા શંકર ભગતને પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું ‘સીમરડાવાળો છોકરો પાછળ બેઠેલો તેનો એકડો અમે ભરી લીધો છે.’ હવે ઘરે જતાં મોતી ભગતજીને એમ થયું કે જેને હું વર્ષોથી શોધતો હતો તે મહાત્મા મને આજે મળી ગયા. થોડા જ દિવસોમાં પોતાના એકાદ વર્ષના છોકરાને પણ મૂકી દઈ પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ જોડાઈ ગયા. પછી પ્રભુશ્રીજીના કહેવાથી શ્રી મથુરભાઈ જીવાભાઈએ તેમના પુત્ર વગેરેની બઘી સંભાળ રાખી હતી.
તમારે માર્ગાનુસા૨ી જોવો છે?
તારાપુરમાં ભક્તિ વાંચન વખતે નરસિંહ મહેતા, મીરાંબાઈ વગેરે માર્ગાનુસારી પુરુષોની વાત આવી ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું તમારે માર્ગાનુસારી જોવો છે? ત્યારે મુમુક્ષુએ કહ્યું હોવે પ્રભુ. તે જ વખતે પૂ.ભગતજીને બતાવીને પૂ.પ્રભુશ્રીએ કહ્યું – ‘જુઓ આ માર્ગાનુસારી.’
-
શ્રી મોતીભાઈ ભગતજી
આકાશમાંથી ઊડતો દેવ આવે તો પણ માનીશ નહીં
એકવાર ભગતજી કહે-પ્રભુશ્રીજીએ મને કહેલું કે ‘ભગતડા! અમે તો એના નામના બલૈયા પહેર્યાં છે. તું પણ એના નામના પહેરજે, પણ સતી જેવા પહેરજે; શંખણી જેવા નહીં. આકાશમાંથી ઊડતો દેવ આવે તો પણ માનીશ નહીં. એક પરમકૃપાળુદેવને જ ગુરુ માનજે. આ કાળમાં એ સાચા પુરુષ છે.’
૧૨૩