________________
વાત્સલ્યતા
દરેક મુમુક્ષુ પ્રત્યેનો તેમનો વાત્સલ્યભાવ, પ્રેમ ઉપજાવતો. વાત્સલ્યતા એ સમ્યદૃષ્ટિનું અંગ છે. ઘણાને એવો અનુભવ થતો કે જાણે એ આપણા છે. છ બાર મહિને કોઈ આવે તો જે પત્રો વગેરે મુખપાઠ કરવા આપ્યા હોય તે તેમને યાદ રહેતું અને પૂછતા. આપણે મન તેઓ એક જ હતા પણ તેઓને મન મુમુક્ષુઓ ઘણા હતા; છતાં બધાની સંભાળ લેતા. પુજ્યશ્રી વાત્સલ્યતા વિષે જણાવે છે—
“કૃપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે, પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઇચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલાં કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્ય અંગ તો પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તોય તીર્થંકગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું. સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું.'' - બો.ભા.૧ (પૃ.૩૩૧) વાણીની વિશેષતા
પૂજ્યશ્રી જ્યારે બોધ આપતા ત્યારે મુમુક્ષુઓ કલાકો સુધી સાંભળ્યા જ કરતા, થાકતા નહીં. એમની વાણીમાં એવી શીતળતા હતી કે જે રોમેરોમમાં પ્રસરી જઈ આત્માને ૫૨મ શાંત કરતી, તેથી જાણે સાંભળ્યા જ કરીએ એમ રહેતું. વાણીમાં સ્વાભાવિક સત્યતા હતી, જેમાંથી ભૂત અથવા ભવિષ્યકાળની ઘટનાઓના સંકેત મળતા. તેમજ મુમુક્ષુઓના મનમાં ચાલતા અનેક પ્રશ્નોનું સમાધાન આપોઆપ થઈ જતું, એવો તેઓશ્રીનો વચન અતિશય હતો. તેઓશ્રી ઘણું ખરું સૂચનાત્મક બોલતા, આદેશાત્મક નહીં.
એમની વાણીમાં એવી વિશેષતા હતી કે ગમે તેવી વ્યવહારની વાત હોય તેને પરમાર્થમાં જ પલટાવતા. એકવાર પૂજ્યશ્રીના ચિરંજીવી જશભાઈનાં પત્ની આશ્રમમાં આવેલા. પૂજ્યશ્રીને મળવા ગયા ત્યારે કહ્યું કે એક વખત ઘરે આવીને અમને બધું વહેંચી આપો. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું – “બધું સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે પહેલાથી વહેંચાયેલું જ છે. હવે દેહ અને આત્મા, બેનો વિવેક કરવાનો છે; આત્માને બધાથી જુદો કરવાનો છે." મૌનની મહાનતા
એમની વાણી કરતા એમના મૌનમાં અધિક સામર્થ્ય હતું. તેઓશ્રી મૌન દશામાં બોઘમૂર્તિ સમા જ લાગતા. અને તેમના દર્શન માત્રથી જ સંકલ્પ વિકલ્પ અને કાર્યો મંદ પડી જતા. તબિયતના કારણે છેલ્લા વર્ષમાં નાસિક ત્રણેક માસ રહેલા ત્યારે એવી તો અસંગદશામાં રહેતા કે એમની પાસે જતાં મૌન જ
થઈ જવાતું અને ઘડીભર સઘળું સ્વપ્નવત્ લાગતું. કાયાનું સંયમન
કાયાનું સંયમન એમનું અજોડ હતું. કાયાને તો કમાન જેવી રાખેલી. પર્વતોની ઊંચી ટેકરીઓમાં એકલા જ નીકળી પડતા. મુમુક્ષુઓ સાથે હોય તો પણ ચાલવામાં સર્વેથી આગળ હોય. મુમુક્ષુઓને તેમની સાથે ચાલવું ભારે પડી જતું. ચોસઠમાં વર્ષ સુધી એ જ જોમ અને ખુમારી હતી. બ્રહ્મચર્ય વ્રત લીધું ત્યારથી જ નહીં સ્નાન કે નહીં મર્દન (વૈદ્યના ઉપચાર માટે ક્યારેક છેલ્લા વર્ષોમાં થતું) કે માલિસ છતાં તેઓશ્રીના શરીરની સૌમ્ય કાંતિ બ્રહ્મતેજના પ્રતાપે અતિ નિર્મલ તેમજ સતેજ હતી.
નહીં જેવા આધાર ઉપર રહી કાયોત્સર્ગ ધ્યાન
પ.પૂ.પ્રભુશ્રીજીની અનન્ય કૃપા તેમના પર વરસેલી, તેના પ્રતાપે તેઓશ્રી આખી રાત પદ્માસન ધ્યાનમાં કે કાર્યોત્સર્ગ ઘ્યાનમાં ગાળતા. પોતે સ્વાઘ્યાય, ધ્યાન, ભક્તિમાં અપ્રમત્ત રહેતાં અને મુમુક્ષુઓને પણ યોગ્યતાનુસાર ઘર્મમાં જોડતા, શરીરને માત્ર એકાદ-બે કલાક જ આરામ આપતા. ચારિત્ર મોહને ટાળવા એમણે પાછી પાની કરી નથી. દેહને તો જાણે ફગાવી જ દીધેલો. ઈડર, ગિરનાર, આબુ ઇત્યાદિ પહાડી સ્થળોએ યાત્રા જતા ત્યારે ભયંકર વન, ગુફાઓમાં રાત્રિઓ ધ્યાનમાં જ વ્યતીત કરતા.
ઊંચા નહીં જેવા આઘાર ઉપર અથવા કૂવાના કાંઠા ઉપર ઊભા રહી દિવસે કે રાત્રે કાયોત્સર્ગ કરતા. જો ઊંઘનું ઝોકું આવે તો નીચે પડતાં જ પ્રાણ છૂટી જાય. સીમરડા નિવાસ દરમ્યાન પણ એવા નોંધારા સ્થળોએ જ કાર્યોત્સર્ગ કરી રાત્રિઓ વ્યતીત કરતા. ઊંઘ આરામ માટે પૂછતા ત્યારે જણાવતા કે ઊંઘ તો તૈય છે, ઉપાદેય નથી.
વરઘોડા સમયે મધમાખીનો ઉપદ્રવ
પર્યુષણના છેલ્લા દિવસે અગાસ આશ્રમમાં વરઘોડો હતો. મોટા દરવાજામાંથી વરધોડો બહાર નીકળતાં રખાએ બંદુક ફોડી. દરવાજા ઉપર મઘમાખીનો પૂડો હતો. મઘમાખીઓ ઊડીને મુમુક્ષુઓ તથા પૂ.શ્રી બ્રહ્મચારીજીના માથામાં ચોંટી ડંખ મારીને ઊડી ગઈ. બધા પોતપોતાની ધમાલમાં હતા. પૂજ્યશ્રીએ માથામાં હાથ સરખો ફેરવ્યો નહીં. વરઘોડો પીઠામાં જઈ આવ્યા બાદ પૂજ્યશ્રી એમના રૂમ ઉપર આવ્યા. ત્યાં મુમુક્ષુઓએ આવીને જોયું તો માથામાં મધમાખીઓના કાંટા હતા. તે ચિપિયાથી કાઢ્યાં; મોઢું સૂજી ગયું હતું છતાં તેમના મનમાં સંપૂર્ણ શાંતિ જણાતી હતી. છેલ્લી ઉંમરમાં તેમની એક આંખનું તેજ ગયું તે પણ છ મહીના વીત્યા પછી જાણવા મળ્યું. તેમજ પગ અને કેડનો દુઃખાવો રહ્યા કરતો તે પણ દોઢ વર્ષે પૂછતાં જાણવામાં આવ્યું હતું.
૨૭