________________
શત્રુતા રાખનારને પણ ખમાવવા
પૂ. પ્રભુશ્રીએ જેવી મારી સંભાળ લીધી તેવી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ પણ લીધી હતી. મને ઘણી મુશ્કેલીઓ આવી પણ તેમાં ટકાવનાર પૂ.શ્રી બ્રહ્મચારીજીનો મારા ઉપર મહાન ઉપકાર છે.
→>>>
શ્રી પુનશીભાઈ શેઠ ગુજરી ગયા પછી તેમની બધી મિલ્કત લેવા માટે તેમના ભાઈ અર્થાત્ મારા દિયરે મારા ઉપર કોર્ટમાં કેસ કર્યો. તે ઘણા વર્ષ ચાલ્યો. એકવાર કંટાળીને પૂ.બ્રહ્મચારીજીને મેં કહ્યું કે સાહેબ ક્યારે આ કેસનો નિવેડો આવશે, હું તો થાકી ગઈ છું. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું – હાલ દોઢ વર્ષ લાગશે. પછી બધું સરખું થઈ જશે. તેને પશ્ચાત્તાપ થશે. આવીને રડશે, ખમાવશે. દોઢ વર્ષ પછી તેમજ થયેલું. તેથી મને પૂજ્યશ્રી ઉપર ઘણી જ શ્રદ્ધા થઈ હતી.
મને એમ પણ કહેલું કે તમારે દર વર્ષે પર્યુષણ પછી તેમને ખમાવવા. હું તેમ કરતી. પણ મારા દિયર મોઢું ફેરવી લેતા. પણ અંતે પૂજ્યશ્રીએ કહ્યું તેમ ખમાવવા આવ્યા હતા, પશ્ચાત્તાપ કર્યો હતો અને રડ્યા
પણ હતા.
બીજા પ્રસંગે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મને કહેલું કે કોર્ટ વગેરેમાં જવું પડે તો જૂના કપડાં પહેરીને જવું. સાચું જ બોલવું. મંત્ર સ્મરણ કરતા રહેવું. ત્યારે મારી ઉંમર ૩૬–૩૭ વર્ષની હતી.
આ જગાનો દેવ જાગશે
પૂ.નારંગીબેનને ત્યાં હું ગઈ ત્યારે તેમણે મને કહ્યું કે મારી સાથે પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે ચાલો. તેમને આપણે પૂછીએ કે પૂ.પ્રભુશ્રીજી આપને મંત્ર આપવાનું સોંપી ગયા, તેમ આપ કોને સોંપશો? ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ સહજ સ્મિત સાથે જણાવ્યું કે ‘આ જગાનો દેવ જાગશે.’
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પછી પણ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના સમાગમથી બધા પ્રશ્નોના ઉકેલ થતાં
મનમાં શાંતિ રહેતી હતી. પણ તેઓશ્રી (પૂ.શ્રી બ્રહ્મચારીજી) ના દેહોત્સર્ગ પછી ઘણો ખેદ થયો કે હવે મન ખોલવાનો કોઈ આધાર રહ્યો નથી.
શ્રી રતનબહેન
૧૦૭