________________
ફરજનું ભાન અને ત્યાગ વૈરાગ્યની તીવ્રવૃત્તિ
તે સમયમાં એમના ચિરંજીવી જશભાઈ (બબુ)ના બા જશભાઈને અઢી વર્ષના મુકીને સ્વર્ગસ્થ થયેલા. તેથી જશભાઈના સંસ્કાર ઝિલનના અગત્યના સમયમાં તેના ઉછેરનું કામ કોઈને સોંપવાનું તેમને યોગ્ય ન લાગવાથી પોતાના સસરા સાથે તેઓ આણંદમાં રહેતા.
પ્રભુશ્રીજીએ માર્ગ ઉતાવળનો નથી એમ જણાવેલું તથા આચરવાના ગુણોમાં પ્રથમ ‘દયા’ લખી આપેલ. તેથી ‘બબુ’ પ્રત્યેની ફરજ સમજી આણંદમાં તેમનાથી રહ્યું જતું અને કંઈક ધીરજ પણ રહેતી હતી. સ્વજનો તરફથી ફરી પરણવાની સહજ તૈયારી થયેલી છતાં પ્રભુશ્રીજીની સેવામાં તે પ્રતિબંઘરૂપ જણાતાં ફરી નહીં પરણવાનો વિચાર તેમણે મક્કમ રાખ્યો હતો. એક બાજુ પોતાને ફરજનું તીવ્ર ભાન હતું અને બીજી બાજી ત્યાગ વૈરાગ્યની વૃત્તિ પણ ઘણી જ પ્રબળ હતી. તે પોતાના મોટાભાઈને લખેલ પત્રના અવતરણો ઉપરથી આપણને સહેજ ખ્યાલ આવી શકે તેમ છે. માટે તે અત્રે આપીએ છીએ –
સંસાર છોડી નાસી જવાનો પ્રયત્ન
“આ બબુના જન્મ પહેલા તેનો મોટોભાઈ વિઠ્ઠલ હતો. તે વખતે મને ઉપરની (આત્મકલ્યાણની) ભાવનાઓએ.....સંસાર છોડીને નાસી જવા જેવો પ્રયત્ન કરવા એક બે વખત પ્રેરેલો, એક વખત તો રાત્રે ત્રણ વાગે બાંધણીથી લોટો લઈને નીકળી પડેલો. તે એવા વિચારથી કે ચાલતાં ચાલતાં કોઈ જંગલ આવે તો તેમાં સંતાઈ રહેવું અને ઉત્તમ જીવન માટે તૈયાર થવું. પણ બે કલાક સીમમાં આડાઅવળી ફરતાં ફરતાં સવાર થવા આવ્યું. ત્યારે......લાગ્યું કે હજી તો બાંધણીની પાસે જ છું ને કોઈને (મને) પકડી પાડવો સહેલું થઈ પડે તેમ છે; તેથી....મનની વૃત્તિઓ દબાવીને ઘેર પાછો આવતો રહ્યો. આવી ત્યાગવૃત્તિ તો ઘણીવાર ઊછળી આવતી. પણ સંસાર ભોગવવાનું કર્મ પણ તેટલા જ વેગથી કે તેથી વધારે વેગથી જીવ ખપાવતો.
નિમિત્તાધીન વૃત્તિ
મોટો દિકરો ત્રણ જ વર્ષ જીવ્યો; પણ તમે એક છોકરો ઉછેરી ત્રીસ વર્ષનો મોટો કરો ત્યાં સુધી જે ચિંતા કરો તેટલી ચિંતાઓ તેણે મને કરાવેલી. અને તેની કેળવણી માટે શું શું કરવું, શી ગોઠવણ કરવી, મારે કેટલી તૈયારી કરવી, વગેરે બન્યું તેટલું
૧૩
વિચાર્યું હતું. અને દુનિયાની કોઈપણ વસ્તુ કરતાં તેના ઉપર વિશેષ મોહ રાખેલો. તેમ છતાં તે ક્ષણભંગુર છે એટલુંય સમજાયેલું નહીં એ જ દીવા તળે અંધારુ અને આપણા સંસારીના બધા કામોમા આ જ ધબડકો હોય છે; વાતો ડાહી ડાહી કરીએ પણ મન જ ચોખ્ખું નહીં. તેને વારસામાં શું આપી જવું તેનો વિચાર પણ મેં કરી મૂક્યો હતો. અને ઉત્તમ જીવન પિતા ગાળે એ પુત્રને માટે જેટલું ઉત્તમ છે તેના જેટલો ઉત્તમ વારસો કોઈપણ પિતા પુત્રને આપી ન શકે, એ મારા મનમાં સ્વાભાવિક રીતે કોઈ પૂર્વ કર્મના બળે સ્ફુરેલું, તે જાગ્રત રહેલું. તેથી પૈસાદાર તેને જોવાનાં સ્વપ્નો મેં કરેલાં નહીં, કારણ કે મેં જેને સારું માનેલું તેવું ઉત્તમ જીવન જ વારસામાં તેને મળે એવી મારી ઇચ્છા હોય જ. મારું અધુરું રહેલું કામ પૂરું કરે તેવો પુત્ર થાય એવી મેં ઇચ્છા રાખેલી અને તે પ્રમાણે મારે, આપણા પિતાએ અધુરું મૂકેલું કામ પૂરું કરવું એમ પણ મનમાં હતું અને હજી છે.....''
આમ કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે
તેઓશ્રીને મન પરમાર્થ જ એક માત્ર જીવનમાં કર્તવ્યરૂપ છે એમ લાગવાથી જશભાઈ ૫-૬ વર્ષના થયા કે અઠવાડિયે આશ્રમમાં આવવાને બદલે હવે પાસ કઢાવી દરરોજ રાત્રે આશ્રમમાં આવી સવારે આણંદ જવાનું રાખ્યું. આશ્રમમાં રાત્રે મોડા સુધી વાંચન અને લખવાનું કરતા અને પરોઢિયે વહેલા ત્રણ વાગે ઊઠી પ્રભુશ્રીજી આગળ વાંચન કરવાનું રાખ્યું. ઊંઘ ન પજવે અથવા પ્રમાદ ન થાય તે માટે સાંજનો ખોરાક પણ નજીવો જ લેવાનું રાખેલ. તે વિષે એક દિવસ પ્રભુશ્રીજીએ જણાવેલું કે “આ ગિરધરભાઈ રોજ પાસ લઈ આવે છે, વાંચન કરે છે તેમાંય પહેલાંના કરતાં કેટલો ફેર? બધું મૂકી દીધું. એમ આ પ્રમાણે કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે.'',
OD
TWFYF0Q1M_