________________
મુનિ જેવી ચર્ચા સાંજની ભક્તિ પૂરી થયે થોડા મુમુક્ષુઓ ઉનાળાના દિવસોમાં સીઘા પૂજ્યશ્રી પાસે રાજમંદિરમાં આવતા. ત્યાં કોઈક વાર કોઈ શાસ્ત્રનું વાંચન થતું, અને કોઈક વાર શ્રીમુખે બોઘ જ આપતા, અથવા કોઈને કંઈ પૂછવું હોય તો તેના મનનું સમાધાન કરતા. અરથોપોણો કલાક સત્સંગ કરી મુમુક્ષુઓ ભોજન અર્થે જતા અને પૂજ્યશ્રી દૂઘ વાપરી દિશાએ જતા.દિશાએથી આવ્યા પછી હાથપગ ઘોઈ સીધા ઉપર રાજમંદિરમાં જઈ પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ “ઈરિયાવહી કરી ધ્યાન કરતા. લઘુશંકા કે દીર્ઘશંકાએ જઈ આવ્યા પછી પણ તરત પરમકૃપાળુદેવ સમક્ષ ધ્યાન કરતા. એવી તેઓશ્રીની મુનિ જેવી ચર્ચા હતી.
દેવવંદન સમયે સર્વ પ્રથમ પ્રવેશ
સાંયકાળે દેવવંદનનો ઘંટ વાગ્યે સર્વ મુમુક્ષભાઈ બહેનો સભામંડપના ચોકમાં આવી ઓટલા પર બેસતા. દસ-પંદર મિનિટ પછી પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું દેવવંદન કરવા અર્થે પધારવું થતું. તે સમયે મુમુક્ષુઓનું ધ્યાન રાજમંદિર તરફ રહેતું. પૂજ્યશ્રી રાજમંદિરના દાદર ઉપરથી ઊતરે છે એમ જાણ થતાં બઘા મુમુક્ષભાઈઓ સભામંડપના ચોકમાં દક્ષિણ દિશાવાળા લોખંડના દ્વાર પાસે રસ્તાની બેય બાજુ ઊભા થઈ ગોઠવાઈ જતા. પૂજ્યશ્રી જ્યારે સભામંડપના ચોકના દ્વારમાં પ્રવેશ કરે તે સમયે મુમુક્ષુઓ “સદગુરુ દેવકી જય” પરમકૃપાળુ દેવકી જય” એમ મોટેથી બે વાર જય બોલાવતા.બાદ પૂજ્યશ્રી સર્વ પ્રથમ જિનમંદિરના પગથિયા ચઢતા. તેઓશ્રીની પાછળ જ બઘા મુમુક્ષુઓ ઉપર ચઢતા. દેવવંદન થયા પછી તેઓશ્રી શ્રીજિનમંદિર તથા ભોંયરામાં દર્શન કરી ઉપર રાજમંદિરમાં પઘારતા. આ પ્રમાણે દરરોજનો ક્રમ હતો.