________________
કોલેજમાં પહેલા દિવસે ન સમજાય તો છોડીને જતા રહો કે બીજા દિવસે બરાબર એકાગ્રતાપૂર્વક સાંભળવા તૈયાર થાઓ ? ન સમજાય તો પૂછો પણ ખરા ને ? અહીં તો વ્યાખ્યાન ન સમજાય તો ‘મહારાજનું વ્યાખ્યાન બરાબર નહિ' એમ કહીને જતા રહે. અહીં બીજા દિવસે આવવાની કે ન સમજાય તો પૂછવાની કોઇ તૈયારી જ નથી. આથી અનુશાસનને ગમાડવા માટે આપણા એકાંતે લાભનું કારણ આ શીત કે પરુષ વચનથી કરાયેલું અનુશાસન છે – એમ જણાવ્યું. લાભ તેને કહેવાય કે જે છોડીને આવ્યા તે ન આપે ને જે નથી તે આપે. શિષ્ય શું શું છોડીને આવ્યો છે ? માતા-પિતાનું વાત્સલ્ય, બૈરાછોકરાનો પ્રેમ, સગાસંબંધીનું સૌજન્ય, સુખની લાલચ આ બધું મૂકીને આવ્યો છે ને ? ટૂંકમાં બધી જ અનુકૂળતા મૂકીને આવ્યો છે, તો હવે એને આ બધી અનુકૂળતા આપવાની જરૂર જ નથી. જે જ્ઞાનાદિ તેની પાસે નથી તે જ્ઞાનાદિ આપવા તેનું નામ લાભ, અનુકૂળતા આપવી તે લાભ નહિ. ગુરુનું અનુશાસન એવું હોય કે જેના કારણે અનુકૂળતાનું અર્થીપણું જાગે નહિ અને જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ થયા વિના ન રહે. આથી જ અહીં જણાવ્યું છે કે આપણા દુષ્કતની ચોદના કરવાનો ઉપાય જો કોઈ હોય તો તે આ ગુરુનું અનુશાસન છે. આવું કઠોર પણ અનુશાસન જેને હિતકારી લાગે તે જ ખરેખર પ્રાજ્ઞ છે, બાકી જેને આવા અનુશાસન પ્રત્યે દ્વેષ જાગે તે તો અસાધુ છે. આજે ઘણાની ફરિયાદ છે કે સુસાધુ અને કુસાધુનો ભેદ સમજાતો નથી. અહીં ચોખ્ખું જણાવ્યું છે કે જેને ગુરુનું અનુશાસન ગમતું નથી તેઓ અસાધુ છે – જે કુસાધુ હોય તેને ગુરુનું અનુશાસન ગમે એ વાતમાં માલ નથી, સાધુના જ્ઞાનમાં ખામી હોય તો ચાલે, ચારિત્ર શિથિલ હોય એવું ય બને, શ્રદ્ધા બોદી હોય એવું ય બને તોપણ ગુરુનું અનુશાસન ગમતું હોય તો તેની એ બધી ખામીઓ દૂર કરવાનું સાધન એની પાસે હોવાથી તેને સુસાધુ કહેવાય અને જેની પાસે જ્ઞાન સારામાં સારું હોય, ચારિત્રની ચર્ચા પણ નિર્દોષ હોય અને શ્રદ્ધા ઝળહળતી દેખાતી હોય છતાં જો ગુરુનું અનુશાસન ગમતું ન હોય તો તે કુસાધુ છે – એમ સમજી લેવું. ૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 ગુરુ ગીતાર્થ જ હોય ?
જે ગીતાર્થ હોય એ જ ગુરુ બની શકે એવો નિયમ. બાકી ગુરુ હોય તે ગીતાર્થ જ હોય એવો નિયમ નહિ. તમારે ત્યાં પણ જેટલા દીકરા હોય તે સુપુત્ર જ હોય કે સુપુત્ર હોય તેને જ દીકરો કહેવાય ? માટે ગીતાર્થ ગુરુની નિશ્રામાં જાતને સમર્પિત કરી દેવી છે. શાસ્ત્રનું જ્ઞાન ગુરુ પાસેથી મળવાનું છે. શબ્દનું જ્ઞાન શાસ્ત્રમાંથી મળે, પણ મતિજ્ઞાનનો ક્ષયોપશમ ગુરુની કૃપાથી જ મળે. મોક્ષના જેટલા પણ ઉપાય છે, તે ઉપાયસંબંધી અનુશાસન શીત કે પરુષ (મધુર કે કઠોર) વચનવાળું હોય તોપણ તે આપણા દુષ્કતને દૂર કરનારું હોવાથી હિતકારી છે – આવું માનવાનું કામ પ્રાજ્ઞ પુરુષ કરે છે. ભણેલો જ્ઞાની નથી, ગુરુનું અનુશાસન જેને હિતકર લાગે તે જ્ઞાની છે. આપણે ગુરુનું અનુશાસન ઝીલી નથી શકતા, હિતકર માની નથી શકતા : એ આપણી મૂર્ખતા છે. જેને અનુશાસન કઠોર લાગે તે મૂર્ખ છે, જેને અનુશાસન હિતકર લાગે તે જ પ્રાજ્ઞ છે. જેને ગુરુનાં હિતવચનો સાંભળીને દ્વેષ જાગે છે તેનામાં સાધુતા નથી : એવું સુધર્માસ્વામીજી કહે છે. ગુરુભગવંત આપણા અવિરતિના દોષને ટાળવા અને વિરતિને ટકાવવા માટે અનુશાસન કરે છે. શિષ્ય બારીએ ઊભો રહે તોપણ ગુરુ એને ટકોર કરે કે ‘ભાઇ ! આ રીતે બારી પાસે ઊભા ન રહેવાય.' બારી હવા-ઉજાસ મકાનમાં આવે એ માટે રાખી છે, આખા ગામની પંચાત કરવા માટે નથી રાખી. આજે તો જો કે તમે ઉજાસ માટે લાઇટ રાખી છે અને હવા માટે પંખો રાખ્યો છે, એટલે બારીની જરૂર નથી – ખરું ને ? સ0 ઇલેક્ટ્રિસિટીમાં પાપ વધારે લાગે.
અને દીવામાં પાપ ઓછું લાગે - એમ ? તમને આવું કોણે શિખવાડ્યું ? તમને ગૃહસ્થપણામાં રહેલું અવિરતિનું પાપ નથી દેખાતું અને ઇલેક્ટ્રિસિટીનું પાપ દેખાય છે ? તમને જયાં સુધી હિંસા ગમે છે ત્યાં સુધી અલ્પ કે અધિક હિંસાની વાત કરવાનો કોઈ અર્થ નથી. ગૃહસ્થપણાના બધા કાર્યમાં શ્રાવકને અવિરતિનું પાપ પડેલું છે અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૬૭