SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષની ઇચ્છાવાળો કાશીમાં કરવત મુકાવે, અગ્નિમાં બળી મરે કે પર્વત પરથી ઝંપલાવે તો તે ક્રિયા અશુદ્ધ હોવાથી મોક્ષનું કારણ ન હોવા છતાં તેનાથી મોક્ષ મળે છે – એમ સમજીને એ ક્રિયા કરેલી હોવાથી તેના કારણે મોક્ષબાધકનો બાધ થાય છે, જૈન કુળમાં જન્મ મળે છે. મોક્ષની સાધનાને અનુકૂળ સામગ્રી મળે છે. મોક્ષ જોઇએ છે ને ? તો તે માટે અવિરતિ છોડવી જ પડશે. અવિરતિ તોડવા ઇન્દ્રિયની અનુકૂળતા છોડવી પડશે. જેની પાસે જ્ઞાનનું અર્થીપણું હોય તેને પ્રજ્ઞા ન હોય ને આવડે નહિ તો ખેદ થાય અને જેની પાસે પ્રજ્ઞા હોય તેને ગર્વ થાય તેથી બે રીતે આ પરીષહ વેઠવાનો વખત આવે છે. જ્ઞાનનું અર્થીપણું રાખવાનું અને ભણવા છતાં આવડે નહિ તો પ્રજ્ઞા ન હોવાનો ખેદ ન કરવો અને પ્રજ્ઞા મળી જાય તો ગર્વ નથી કરવો. આજે આપણે બંન્ને રીતે માર ખાઇએ છીએ. મોટાભાગે તો પ્રજ્ઞા મળતી જ નથી અને કદાચ પ્રજ્ઞા હોય તો અભિમાન આવ્યા વિના ન રહે : ખરું ને ? તમારે ત્યાં તો જ્ઞાનની કિંમત નથી ને ? સ૦ ભૌતિક ક્ષેત્રનું જ્ઞાન તો છે જ ને ? એ પણ જ્ઞાન કેવું છે ? વ્યાવહારિક શિક્ષણ પણ પાપ કરવા માટે નથી, પાપથી બચવા માટે છે. આપણે એનો દુરુપયોગ કરીએ - એ જુદી વાત. જ્ઞાનનું ફળ જેમાં મળે તેને જ્ઞાન કહેવાય. આજનો ભણેલો પણ સુખ પાછળ દોડ્યા કરે, પૈસા પાછળ દોડ્યા કરે અને અભણ પણ સુખ પાછળ દોડ્યા કરે તો ભણેલામાં અને અભણમાં ફરક શું ? જ્ઞાનનું ફળ વિરતિ છે. જે જ્ઞાન વિરતિનું કારણ બને તેને જ જ્ઞાન કહેવાય. આજનું વિજ્ઞાન જો તમને વિરતિ સુધી પહોંચાડતું ન હોય તો તેને જ્ઞાન ક્યાંથી કહેવાય ? વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન - એવો અર્થ થાય છે, એના બદલે આજનું વિજ્ઞાન તો વિપરીત જ્ઞાન સ્વરૂપ છે ને ? બાવીસ પરીષહોની વાત આપણે એટલા માટે શરૂ કરી છે કે જેથી દુઃખના ભયથી આપણે ચારિત્રથી વંચિત રહી ન જઇએ. આ બાવીસે પરીષહ અનેક મહાત્માઓએ વેઠ્યા છે. દુ:ખ એ આત્માનો ગુણ નથી, પુદ્ગલનો ગુણ છે. જ્યાં સુધી પુદ્ગલનો યોગ છે ત્યાં સુધી દુ:ખ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૭૬ બાકી સુખ એ આત્માનો ગુણ છે. પરંતુ અનંતદુઃખ ભોગવ્યા વિના, ભોગવવાની તૈયારી વિના અનંતસુખ મળવાનું નથી. જેઓને પોતાની પ્રજ્ઞાનો અહંકાર હોય તેઓ પ્રજ્ઞાપરીષહ જીતી ન શકે. માટે અહીં એક કથાનક જણાવ્યું છે. ઉજ્જિયની નામની નગરી હતી, જે સ્વર્ગપુરી જેવી હતી. આ નગરીની વિશેષતા બતાવતાં જણાવે છે કે આ નગરીમાં બહુશ્રુત એવા કાલિક નામના આચાર્યભગવંત બિરાજમાન હતા. નગરીની શોભા શેઠિયાઓના કારણે ગણાય કે સાધુઓના કારણે ? આ આચાર્યભગવંત શ્રુતના પારગામી હતા અને નિગ્રંથ એવા સાધુઓ રૂપી કમળને વિકસાવવા માટે તેઓ સૂર્યસમાન હતા. કમળ ક્યારે ખીલે ? સૂર્યનો તાપ ઝીલે ત્યારે ને ? જે આચાર્યના તાપને ખમે તેમનું સાધુપણું ખીલી ઊઠ્યા વિના ન રહે. આ આચાર્યભગવંત પોતે બહુશ્રુત હોવા છતાં તેમની પાસે રહેલા તે શિષ્યો પાસસ્થા હતા. ગુરુ ગયા પછી જો શિષ્યો સવાયા હોય તો ગુરુને યાદ કરીને રોવાનો વખત ન આવે. પણ શિષ્યો અયોગ્ય હોય તો રોજ ગુરુને યાદ કરવાનો વખત આવે ને ? જો શિષ્યો ગુરુના સંસ્કાર ઝીલીને સમર્થ બન્યા હોય અને ગુરુની ગરજ સારે એવા હોય તો ગુરુને યાદ કરીને રોવાનો વખત ન આવે. પહેલાના કાળમાં ઇતિહાસમાં પણ કહેવાતું કે સારો રાજા તેને કહેવાય કે જે તેના પિતા-રાજાને યાદ ન કરાવે. અત્યારે જ કાળ ખરાબ છે - એવું નથી, તે વખતે પણ સમર્થ ગુરુના શિષ્ય અસમર્થ હતા. આ પાસસ્થા સાધુઓ કેવા હતા તે માટે જણાવે છે કે પોતે સાધ્વાચારનું પાલન કરે નહિ અને કોઇ પાલન માટે પ્રેરણા કરે તો તે કાને ધરે નહિ. પોતે પોતાના શિથિલાચારમાંથી ખસે નહિ, ‘તમે તમારું કામ કરો' એમ કહે. સૂત્ર અને અર્થના ગ્રહણ માટે પ્રયત્ન કરે નહિ - તેનું નામ પાસત્યો. જાતે ગાથા પણ ન કરે અને વ્યાખ્યાન-વાચનામાં પણ ન આવે તેને પાસસ્થો કહેવાય. આચાર્યભગવંત આ શિષ્યોને હિતશિક્ષા આપતા હતા છતાં પણ કૂતરાની પૂંછડી જેમ સીધી થાય નહિ, વાંકી જ રહે તેમ તે શિષ્યો પણ કોઇ રીતે પાસસ્થાપણાને છોડતા નથી. આથી આચાર્યભગવંત વિચારે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૭૩
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy