________________
લેપસમાન ગણાવે છે, આપણને વિલેપનજેવી લાગે છે - આ જ મોટી મુસીબત છે. સાધુભગવંતને આ પરીષહ જીતવાનો જણાવ્યો છે, પરંતુ તમારે ત્યાં તો ચોવીસે ય કલાક આ પરીષહ વિદ્યમાન છે. તો તમારે ત્યાંથી ખસી જવું જોઇએ ને ? ઘર સુધારવા બેસવું એના કરતાં ઘર છોડીને ચાલ્યા નીકળવું સહેલું છે ને ? અહીં સાધુઓને જણાવ્યું છે કે અસંયમ
માર્ગનો સ્વીકાર કરીને સંયમમાર્ગથી આત્માને ભ્રષ્ટ કરવો યોગ્ય નથી.
આપણે જોઇ ગયા કે રાજાએ શ્રીયકને મંત્રીમુદ્રા લેવાનું કહ્યું ત્યારે શ્રીયકે કહ્યું કે મારા મોટા ભાઇ વિદ્યમાન છે ત્યાં સુધી મારે મંત્રીમુદ્રા ન લેવાય. આ વાત બરાબર ને ? મોટા ભાઇ હાજર હોય ત્યાં સુધી નાનો ભાઇ એકે પદ સ્વીકારે નહિ.
સ૦ લાયકાત જોઇને અપાય ને ?
મોટા ભાઇ મોટા છે એ જ તેમની લાયકાત. તમારો સંસાર પુણ્યના યોગે ચાલે છે કે લાયકાતના યોગે ? તમારે મોટાને મોટા તરીકે સ્વીકારવા – એ જ તમારી લાયકાત છે. સાધુપણામાં પણ જ્ઞાન કરતાં ય ચારિત્રની કિંમત વધારે છે. ગુરુભગવંત પાસે જ્ઞાન કદાચ ઓછું હોય, પણ ચારિત્રની પરિણતિ તેમની અદ્ભુત કોટિની હોય ને ? જે પર્યાયની વૃદ્ધતા સ્વરૂપ ગુણ દેખાય છે તેને માનવો નથી અને જે ગુણ દેખાતો નથી, તેને કલ્પીને આગળ કરવો છે - આ યોગ્યતા જોવાની રીત નથી.
આ બાજુ શ્રીયક પોતાના મોટા ભાઇ સ્થૂલભદ્રને કોશાને ત્યાં લેવા ગયા. માતા-પિતાએ કળા શીખવા ત્યાં મોકલેલા. પરંતુ ત્યાં એવા આસક્ત બન્યા કે બાર વરસ સુધી ન તો ઘરની ચિંતા કરી કે ન તો પોતાના આત્માની ચિંતા કરી. માતા-પિતા પૈસા મોકલાવ્યા કરે અને આ ભોગસુખમાં મગ્ન
હતા. આથી શ્રીયક જાતે લેવા ગયો. રસ્તામાં પિતાના અકાળે થયેલા મૃત્યુની હકીકત જણાવી. રાજસભામાં ગયા, નંદરાજાએ મંત્રીમુદ્રા લેવાનું જણાવ્યું. સ્થૂલભદ્રજીએ કહ્યું કે વિચારીને જવાબ આપીશ. તેમણે વિચાર્યું કે - આ મંત્રીમુદ્રા સ્વીકારવી એટલે આ સંસારનાં સુખોનો ભોગ આપવો,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૬
પ્રાણની પણ આમાં સલામતી નથી. આટલું સુખ જો છોડવાનું જ હોય તો મંત્રીમુદ્રા સ્વીકારવાને બદલે આત્માનું હિત શા માટે ન સાધવું ? સ૦ બાર વરસ સુધી ભોગ ભોગવ્યા છતાં આવો વિચાર કઇ રીતે આવ્યો ?
તેમને કઇ રીતે આવ્યો એના બદલે એમ વિચારો કે - ‘મને કેમ આવો વિચાર નથી આવતો ?’ મહાપુરુષો તો કર્મના યોગે સંસારમાં રહેલા હોય છે. તેમનો ભોગ કર્મયોગે હતો - એ આના ઉપરથી સમજાય છે. આપણે તો આસક્તિના યોગે સંસારમાં રહ્યા છીએ માટે છૂટતું નથી. સ્થૂલભદ્રમહારાજાએ તો વિચાર્યું કે આ રાજકારણમાં શાંતિથી ખાવા-પીવા કે સુખ ભોગવવા મળે એવું નથી અને જાનની બિલકુલ સલામતી નહિ. આટલો ત્યાગ કરવાનો જ હોય તો રાજ્યનું પાપ માથે વહોરવું તેના કરતાં આત્મહિત માટે દીક્ષા સાધી લેવી છે. આ રીતે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા. કસ્તૂરી-તેલથી ભરેલા કેશનો લોચ કર્યો. પોતાના ખેસનો ઓઘો (રજોહરણ) બનાવ્યો અને રાજસભામાં આવીને રાજાને ધર્મલાભ આપ્યો. રાજા આશ્ચર્ય પામ્યો. તે વિચારવા
લાગ્યો કે વેશ્યાને ત્યાં જવું છે માટે આ સાધુવેષનું નાટક કર્યું લાગે છે. તેથી રાજમહેલમાંથી સ્થૂલભદ્રમહારાજ કોશાના ઘરે જાય છે કે નહિ તે જોવા ઊભા રહ્યા. રાજાએ જોયું કે - સ્થૂલભદ્રમહારાજા કોશાના ઘર પાસેથી તે રીતે પસાર થયા કે જાણે કોહવાઇ ગયેલા મડદા પાસેથી પસાર
થતા હોય. આ જોઇને રાજાને અહોભાવ જાગ્યો અને મનમાં પશ્ચાત્તાપ સાથે વિચાર્યું કે – ‘આવા જ્ઞાની, વૈરાગી અને નિસ્પૃહ એવા મહાત્મા માટે મેં કેવું અનુચિત વિચાર્યું - ખરેખર આ મારા મહામોહનો વિલાસ છે.' આ બાજુ સ્થૂલભદ્રમહારાજાએ સંભૂતિવિજય ગુરુ પાસે દીક્ષા લીધી. ચાતુર્માસ આવ્યું ત્યારે દરેક સાધુભગવંત જુદા જુદા અભિગ્રહ લેવા માંડ્યા. એક સાધુએ સિંહની ગુફા પાસે, બીજાએ દૃષ્ટિવિષ સર્પના બિલ પાસે અને એક મહાત્માએ કૂવાના કાંઠે ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. ચાર મહિના સુધી ત્યાં ઉપવાસ કરી કાયોત્સર્ગધ્યાનમાં ઊભા રહેવું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૭