________________
તેને રોજ દેરાસર-ઉપાશ્રયમાં લઇ જવા લાગ્યો. પરંતુ તે દુર્લભબોધિ હોવાથી ત્યાં રડવાનું જ કામ કર્યા કરે. મૂક તો કંટાળી ગયો તેથી તેને મૂકીને દીક્ષા લઇને કાળ કરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. આ બાજુ મૂકનો નાનો ભાઈ કે જેનું નામ અહંદના છે તે ચાર સ્ત્રી પરણ્યો. હવે એને પ્રતિબોધ પમાડવા માટે મૂક-દેવે તેને જલોદરનો રોગ ઉત્પન્ન કર્યો. તેને દૂર કરવા માટે દેવે વૈદ્યનું રૂપ ધારણ કર્યું અને ત્યાં આવ્યો. એને કહ્યું કે – હું તારા રોગને દૂર કરી આપું પણ મારો આ ઔષધનો કોથળો ઉપાડવા માટે કોઇ નથી તો તું જો ઉપાડી લે તો દૂર કરી આપું. તે તૈયાર થયો. દેવ તો ધીમે ધીમે કોથળાનું વજન વધારવા લાગ્યો. તેથી એની ડોક વાંકી વળી ગઈ. દેવે એને જ્યાં સાધુમહાત્મા હતા ત્યાં લાવીને મૂક્યો અને પછી કહ્યું કે જો તું દીક્ષા લે તો આ ગુલામીમાંથી છૂટો કરું. તેણે ના છૂટકે ગુલામીમાંથી છૂટવા દીક્ષા લીધી પરંતુ જેવો દેવ ગયો કે તરત દીક્ષા છોડી દીધી. આ રીતે ત્રણ વાર દીક્ષા લીધી અને છોડી. ચોથી વાર લીધી ત્યારે દેવ તો એની પાસે ને પાસે રહ્યો. એક વાર ગામમાં આગ લાગી ત્યારે તે દેવે માથા પર ઘાસનો પૂળો લઇને આગમાં જવા માંડ્યું ત્યારે તે સાધુએ દેવને કહ્યું કે – ‘તું આ શું કરે છે ? ઘાસનો પૂળો લઇને આગમાં જવાય ? દેવે કહ્યું કે – ‘તમે પણ શું કરો છો ? સંસાર દાવાનળ છે અને એમાં અવિરતિરૂપ ઘાસનો પૂળો લઇને જાઓ છો.' એક વાર અટવીમાંથી પસાર થતાં રાજમાર્ગને છોડી દઇને ખેતરની કેડીમાં દેવ જવા માંડ્યો. ત્યારે પાછું સાધુમહાત્માએ કહ્યું કે – ‘રાજમાર્ગને છોડીને કેડીના રસ્તે કેમ જાઓ છો ?” દેવે કહ્યું કે – ‘તમે પણ મોક્ષમાર્ગ રૂપ રાજમાર્ગને છોડીને સંસારરૂપ કેડીના રસ્તે કેમ જાઓ છો ?' ત્યાર પછી એ સાધુમહાત્માનાં કર્મો લઘુ થવાથી એ દેવને પૂછે છે કે – ‘તમે કોણ છો ? અને મારી સાથે ને સાથે કેમ રહો છો ?' ત્યારે દેવે પોતાની સાથે થયેલી પ્રતિબોધ પમાડવો વગેરે વાત કરી. સાધુમહાત્માએ કહ્યું કે - ‘હું દેવ હતો એની ખાતરી શું ?’ દેવે વૈતાઢય પર્વતમાં રહેલાં કંકણ અને વટી બતાવ્યાં. પછી તે સાધુમહાત્મા અરતિને દૂર કરીને સારી રીતે
દીક્ષા પાળવા માંડ્યા. અહીં આ કથા પૂરી થાય છે. અરતિને ન કાઢે તો દુર્લભબોધિ થવાય છે એવું આપણે માનવા માટે તૈયાર થઇએ ખરા? આ વાર્તાના સંસ્કૃત શબ્દો એવા સરસ છે કે હૈયાને અસર કરી જાય. ઉત્તરાધ્યયનસૂત્રના અધિકારી સાધુસાધ્વી છે. જેઓને આ કથા મોઢે છે એ ગુરુભગવંતનો અવિનય કઇ રીતે કરી શકે ? આપણો અવિનય કેટલો અને એની સામે ગુરુભગવંતની હિતશિક્ષા કેટલી : એ બેનો જો વિચાર કરીએ તો આપણો અવિનય ચઢી જાય એવો છે. ગુરુભગવંતની સાથે કે પાછળ રહેવાની જરૂર છે એના બદલે સામે કઇ રીતે થઇએ ? આપણને ન ગમે એવું ગુરુભગવંતનું વર્તન કેટલું અને ગુરુભગવંતને ન ગમે એવું આપણું વર્તન કેટલું ? કહેવું જ પડે કે હજાર વાર આપણો અવિનય અને એક વાર હિતશિક્ષા ! દીક્ષા આપીને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સર્વસ્વ આપ્યું. હવે આપવાનું કશું બાકી નથી, મન બદલવાની જરૂર છે. સાત પરીષહનું વર્ણન સાંભળ્યા પછી દુ:ખ અસહ્ય લાગે છે કે સહ્ય ? દુ:ખ મજેથી વેઠાય કે રોતાં રોતાં ? હવે જે કાંઇ નડવાનું છે એ સુખ નડવાનું છે. સાત પરીષહ વેઠે એટલે દુઃખની પરાકાષ્ઠા આવે, આવા વખતે પરિવાર યાદ આવે માટે આઠમો પરીષહ સ્ત્રીપરીષહ બતાવે છે.
(૮) સ્ત્રીપરીષહ : દુ:ખ આવી જાય ત્યારે સુખની અભિલાષા ન કરવી, દુ:ખ ટાળવાનો પુરુષાર્થ ન કરવો એ આઠમાં પરીષહનો પરમાર્થ છે. આ તો સ્ત્રીનું નામ છે, ઉપલક્ષણથી દુ:ખ દૂર કરવામાં સહાય કરે તેવાનું ગ્રહણ કરવું. દુ:ખને દૂર કરવાની કોશિશ કરશે એ સુખનાં સાધનને શોધવા નીકળશે.
પાંચ મહાવ્રતોના પાલન માટે બાવીસ પ્રકારનાં દુ:ખ ભોગવવા તૈયાર થવું જરૂરી છે. પુણ્યના યોગે સુખ મળી જાય અને દુ:ખ ન આવે એવું બની શકે પરંતુ આપણે પુણ્ય-પાપ કેટલાં કર્યાં છે – એ ખબર નથી. આવા સંયોગોમાં જો પાપનો ઉદય થઇ જાય તો તેવા વખતે સુખની ઇચ્છા જાગે અને દુ:ખ ટાળવાનું મન થાય તો મળેલું સાધુપણું હારી જવાનો જ વખત આવવાનો. માટે આ પરીષહ અધ્યયન બીજા ક્રમે જણાવ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૧
૨૭૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર