________________
આપણો એક વિચાર નથી, માટે બધાના વિચાર જુદા પડે છે. આપણે ભગવાનની આજ્ઞામાં રહેતા નથી તો બધા આપણી આજ્ઞામાં ક્યાંથી રહે? ઘરના વડીલ જો ભગવાનની આજ્ઞામાં હોય તો નાનાની હિંમત નથી કે ગમે તેમ વર્તી શકે, બાપા રાતદિવસ સ્વાધ્યાય કરતા હોય તો છોકરા ગપ્પાં મારી શકે ? બાપા જ અવિનય આચરતા હોય તો છોકરાઓ ઉદ્ધત પાકવાના. બાપા પોતાનું કામ જાતે કરતા હોય તો દીકરા કોઈને કામ ભળાવી ન શકે ને ? ઘરમાં જમવા બેઠા પછી થાળી જાતે ઉપાડીને ધોવા મૂકવાની ટેવ હોય તેવાને અહીં કોઇની સેવાની જરૂર ન પડે. આ મહાપુરુષને દીક્ષાનો પરિણામ જાગ્યા પછી તે પરિણામ પડે નહિ તેની કાળજી ઓગણીસ વરસ સુધી લીધી. પોતાના કુટુંબને સુસ્થિત કર્યું. સંસાર માંડ્યો અને પરિવારસહિત નીકળી ગયા. દીક્ષા લેતાંની સાથે ફરી પેલી બિમારીએ ઉથલો માર્યો. છ મહિનામાં જ આ રીતે તબિયત નરમ થઇ. તે વખતે નક્કી કર્યું કે શરીર તો હવે સારું થાય એવું લાગતું નથી, તેથી તેને સાજું કરવા સાધના છોડવાને બદલે તેની પાસેથી કામ કઢાવવા માટે સાધનામાં લાગી જવું છે. ત્યારથી કાયમનાં એકાસણી કરવાનું શરૂ કર્યું. દવા લેવી પડે તો એકાસણામાં જ લેવી. દવા માટે છૂટા ન રહેવું. ડૉક્ટરને ચોખ્ખું કહી દેતા કે એક જ વારની દવા આપો. શરીર કામ ન આપે તો સાધી લેવું છે - આવો વિચાર આવે ? તપ સાથે પંદર કલાકનો સ્વાધ્યાય કરવા લાગ્યા. વાતચીત કરવા સમય જ ક્યાં
મળે? આ રીતે સ્વાધ્યાયમાં સારો અભ્યાસ કર્યો. પંડિત પણ સારા મળ્યા હતા. ગૃહસ્થપણામાં એ પંડિતજી તેમના ઘરે જમવા આવતા ત્યારે મશ્કરી કરતા કે તમે સાધુ થશો તો તમને ભણાવીશ. પંડિતજી પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. જુદાં ચોમાસાં થવા લાગ્યાં ત્યારથી આગળ નવું ભણવાનું બંધ થયું. પણ જેટલું ભણેલું હતું તે કામ લાગે એવું ઉપસ્થિત હતું. રાત્રે એકલા ત્રણ-ચાર કલાક સ્વાધ્યાય કરી શકે એટલી મૂડી તેમની પાસે હતી. આટલો સ્વાધ્યાય કોણ કરી શકે ? સુત્ર આવડતાં હોય તે ને ? અત્યારે. તો ચાર કલાક સ્વાધ્યાય કરી શકે એવી મૂડી કેટલા પાસે હોય ? આવડે તો કરે ને ? તેમને આવડતું હતું, સૂત્ર પ્રત્યે પ્રેમ હતો તેથી સ્વાધ્યાય દ્વારા સમાધિ પામી શકતા. વાતચીતોમાં રસ જ ન હતો. બીજાની વાતો સાંભળવા જાય તો અસમાધિ થાય ને? શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે તેને અસમાધિ થવાનું કોઇ કારણ નથી. સીતાસતી, દમયંતીસતી, અંજનાસતી વગેરેનાં ચરિત્રો જે સાંભળે તેને અસમાધિ થવાનું કોઇ કારણ જ નથી. જે ચરિત્ર સાંભળીને અસમાધિ થાય તેનું નામ વિકથા અને જે ચરિત્રો સાંભળીને સમાધિ મળે તેનું નામ ધર્મકથા. વિકથાને ઝેરની ઉપમા આપી છે. આ વિકથાનું ઝેર કાઢવા માટે સ્વાધ્યાય એ મંત્રસમાન છે. સાધુભગવંતો સ્વાધ્યાયમય હોય, જેમ તમે પૈસામય હો છો તેમ. આખો દિવસ ધંધાના જ વિચાર અને ધંધાની જ વાતો ને ? જેનો ધંધો મોટો તેને વાતચીત કરવા સમય ન મળે ને ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો ૧૩૭