________________
પામવું છે ને ? તો જ્ઞાનીઓએ બતાવેલા નાના પણ નિયમની ઉપેક્ષા ન કરવી. આ રીતે બીજાના ઘરમાં ન જવાનો નિયમ પાળે તે સાધુપણામાં આવીને બીજાના આસને નહિ જવાનો નિયમ પાળી શકે. સાહેબજીએ અમને હિતશિક્ષા આપતાં જણાવ્યું હતું કે રાત્રે સ્વાધ્યાય માટે પણ પોતાનું આસન છોડીને બીજાના આસને ન જવું. કારણ કે સ્વાધ્યાયના નામે ભેગા થયેલા ક્યારે વિકથાના રવાડે ચડી જાય તે કહી શકાય નહિ.
સ૦ સ્વાધ્યાયમાં ભૂલ પડે તો ?
તો ગુરુભગવંતને પૂછવાનું. સૌથી પહેલાં આપણી ભૂલ આપણી જાતે જ શોધવાની. આપણી જાતે જે ભૂલ શોધી હોય તે જિંદગીમાં ફરી ન ભુલાય. અમે અમારા પંડિતજીને પણ કંઇક પૂછવા જઇએ તો તેઓ પહેલાં સામે પૂછતા કે તમે પંક્તિ ઉ૫૨ કેટલી વાર વિચાર કર્યો. અમે કહીએ કે હમણાં જ શંકા પડી. તો કહેતા કે બે-ચાર દિવસ વિચારો. એ રીતે વિચાર કરતાં અમને જાતે આવડી જતું. આજે તો મહેનત જ કરવી નથી. દિવસે સૂત્રો ગોખે તો રાત્રે સ્વાધ્યાય કરે ને ? રાતનો સ્વાધ્યાય તો લગભગ નાશ પામ્યો. અને કદાચ ગોખે તો ય શ્રાવકપ્રાયોગ્ય સૂત્રો ગોખે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો આવડે પણ પાંચ મહાવ્રતની પચીસ ભાવના ન આવડે. કારણ કે પાંત્રીસ ગુણો સમજાવવા કામ લાગે ! ચારિત્ર કે સમ્યક્ત્વાદિ ગુણોની કિંમત જેને સમજાય તે મહાપુરુષોએ બતાવેલા દરેક આચારનો આદર કર્યા વિના ન રહે.
ભાવશ્રાવકનાં છ લક્ષણો – ૮૬
આ ગ્રંથમાં ધર્મ કરવાની યોગ્યતા ત્રણ તબક્કે વર્ણવી છે. ગુણઠાણાના ક્રમે ભાવશ્રાવક અને ભાવસાધુની યોગ્યતાની સાથે ધર્મ કરવા માટેની સર્વસામાન્ય યોગ્યતા પણ વર્ણવી છે. આજે આપણે ગુણો પામવા નથી માટે આપણે ગુણઠાણાની યોગ્યતાનો વિચાર કરતા નથી. જેને ધર્મ કરીને ધર્મનું ફળ મેળવવું છે તે યોગ્યતાની ઉપેક્ષા ક્યારે ય ન કરે. આજે ધર્મ કરવો છે પણ ધર્મનું ફળ નથી પામવું. માટે આપણે યોગ્યતા ઉપર ભાર નથી આપતા. ધર્મની યોગ્યતા ચરમાવર્ત્તકાળમાં આવે છે અને અપુનબંધક દશા આવે ત્યારે આવે છે.
સ૦ આ યોગ્યતા તો નદીઘોળપાષાણન્યાયે આવે ને ?
નદીઘોળપાષાણન્યાય તો માત્ર કર્મલઘુતા માટે, ગ્રંથિદેશે આવવા માટે કામ લાગે છે. આ રીતે ગ્રંથિદેશે તો અભવ્યો પણ અનંતીવાર આવે છે, એ યોગ્યતા ગુણપ્રત્યયિક નથી. ગુણપ્રત્યયિક યોગ્યતા તો ચરમાવર્ત્તકાળમાં આવે અને તે પણ અપુનર્બંધકદશા પામીએ ત્યારે આવે. ગ્રંથિદેશે આવવાથી ધર્મની સામગ્રી સુલભ બને છે માટે તેની કિંમત છે, પરંતુ આપણી યોગ્યતા પ્રગટી હોય ત્યારે એ સામગ્રી કામ લાગે છે. બાકી તો અચરમાવર્ત્તકાળમાં પણ આ રીતે ગ્રંથિદેશે આપણે અનંતીવાર આવ્યા છતાં તે સામગ્રી આપણને સંસારથી તારવા કામ ન લાગી.
સ૦ ચ૨માવર્ત્તકાળમાં આવ્યા છીએ કે નહિ ઃ એ શેના આધારે નક્કી કરવું ?
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૮૭